મેરાન્યૂઝ નેટવર્ક.ગીરઃ સાસણ ગીરના ભાલછેલ ગામે ગતરાત્રીના સ્‍ટેટ વીજીલન્‍સની ટીમે સ્‍થાનીક પોલીસને અંઘારામાં રાખી ગામના સરપંચની વાડીએ દરોડા પાડી ટોરસ ટ્રકમાંથી ઉતરી રહેલ રૂ.21.50 લાખની કિંમતો 600 પેટી વિદેશી દારૂ-બીયરના જથ્‍થા સાથે સરપંચને ઝડપી પાડેલ જયારે નાસી ગયેલ ચાર બુટલેગરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. સોરઠ પંથકમાં ફુલી ફાલેલી દારૂ હેરફેરની અને ઘુસાડવાની ગેરકાયદે પ્રવૃતિને અટકાવવા સ્‍ટેટ વીજીલન્‍સની ટીમએ અહીં ઘામા નાંખ્‍યા હોય તેમ છેલ્‍લા પંદર દિવસમાં ચાર દરોડા પાડી વિદેશી દારૂ-બીયરનો જંગી જથ્‍થો જપ્‍ત કરવાની કરેલ કાર્યવાહીથી સોરઠના પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.

જ્યારથી ગુજરાત રાજ્યના પોલીસ વડા દ્વારા સ્ટેટ વિજીલન્સની રચના કરી છે અને આ ટીમ દ્વારા ખાસ કરીને સોરઠ પંથકમાં સપાટો બોલાવ્યો છે અને સ્થાનીક પોલીસના મીલીભગતથી ચાલતા વિદેશી દારૂના મસ મોટા વેપાલા પર ઘોંસ બોલાવી છે. સોરઠ પંથકમાં મોટા જથ્‍થામાં વિદેશી દારૂ ઘુસાડવા આવી રહ્યો હોવાની બાતમી સ્‍ટેટ વીજીલન્‍સને મળતા ખાનગી રાહે વોચ રાખી.

દરમ્‍યાન ગઇકાલે રાત્રીના એક શંકાસ્‍પદ ટોરસ ટ્રક સોરઠમાં પ્રવેશેલ જયાંથી તેનો પીછો કરતા ટ્રક મેંદરડા પંથકમાંથી પસાર થઇ સાસણ ગીર નજીકના ભાલછેલ ગામ આવેલી એક વાડીએ પહોંચી કાર્ટુનો ઉતારવાનું શરૂ કરે તે પહેલા સ્‍ટેટ વીજીલન્‍સની ટીમના પીએસઆઇ એસ.એન.રામાણીએ સ્‍ટાફના એલ.ડી.મેતા, યુસફખાન શેરખાન, મયુર મેપાભાઇ, જે.એમ.પરમાર, મહમદભાઇ, રાણાભાઇ ખુગશીયાને સાથે રાખી દરોડો પાડી ટોરસ ટ્રકની તપાસ હાથ ઘરતા ટ્રકમાંથી મોટા જથ્‍થામાં વિદેશી દારૂ-બીયરનો જથ્‍થો મળી આવ્યો હતો. જેની ગણતરી હાથ ઘરતા વિદેશી દારૂ-બીયરની કુલ 603 પેટીઓમાં 19,386 બોટલ, રૂ.21,49,000 કિંમતની મળી આવતા જપ્‍ત કરવામાં આવી હતી. આ દરોડામાં ટોરસ ટ્રક કિ.રૂ.10 લાખ, બે મોબાઇલ રૂ.10 હજાર, ત્રણ મોટર સાયકલ રૂ.80 હજારના જપ્‍ત કરાયા હતા. આમ, દરોડામાં રૂ.21.49 લાખના દારૂ-બીયરના જથ્‍થા સહિત કુલ રૂ.32,45,600 નો મુદામાલ જપ્‍ત કરવાની સાથે સરપંચ વલ્‍લભભાઇ કડવાભાઇ પરમારની અટક કરવામાં આવી, જ્યારે દરોડા દરમ્‍યાન અશ્વીન ઉર્ફે ટીકુ અમુભાઇ ઘોકડીયા રહે.સાસણ, કિશોર દેવશી વાઘેલા, સલીમ હુસેન ચોરવાડા રહે.દેવડીવાળા તથા ટ્રક ચાલક નાસી ગયા હોવાથી ચારેયને પકી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. આ દારૂ-બીયરનો જથ્‍થો સાસણના રસુલ બ્‍લોચ નામના બુટલેગરે મંગાવેલ હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યું હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ તંત્રમાં ગણગણાટ શરૂ

અત્રે નોંઘનીય છે કે, સોરઠના બે જીલ્‍લામાં પંદર દિવસની અંદર સ્‍ટેટ વીજીલન્‍સના ચોથા દરોડાથી પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. કારણ કે, વીજીલન્‍સે ચોરવાડમાં રેડ કરી તે સમયે ત્રણ પોલીસકર્મીઓ સસ્‍પેન્‍ડ થયા હતા. ત્‍યારે હવે કોનો વારો આવશે તે બાબતે પોલીસબેડામાં ગણગણાટ શરૂ થયો છે. તો બીજી તરફ છેલ્‍લા ઘણા સમયથી સાસણ ગીરના ગામોમાં મીની વેકેશન અને તહેવારોના મહેફીલો જામતી હોવાની વ્‍યાપક ફરીયાદો વારંવાર ઉઠે છે. દરમ્‍યાન વીજીલન્‍સે સાસણ ગીરની વાડીમાંથી પકડેલ મોટો વિદેશી દારૂ-બીયરનો જથ્‍થો આગામી દિવાળી પર્વમાં ગીર જંગલના ફાર્મહાઉસોમાં થનાર દારૂની રેલમછેલ માટે મંગાવેલ હોય જેનો પર્દાફશ થયો હોવાની સાથે ગીર જંગલના ફાર્મહાઉસોમાં તહેવારો સમયે મોટા પ્રમાણમાં ગેરકાયદે દારૂની મહેફીલો જેવી અનેક પ્રવૃતિઓ થતી હોવાને સમર્થન આપતા પુરાવારૂપ હોવાનું જાણકારોમાં ચર્ચાઈ રહ્યું છે.