પ્રશાંત દયાળ (મેરાન્યૂઝઃ ખજુરાહો: ભાગ-1): તા. 27મી સપ્ટેમ્બર1995 બપોરના બે વાગી રહ્યા હતા. અમદાવાદ એરપોર્ટ ઉપર ત્યારે કોઈ વિમાન આવવાનો સમય ન્હોતો, પણ અમદાવાદ એરપોર્ટની હવાઈ સીમામાં એક વિમાન આવ્યું હોવાનું અમદાવાદ એર ટ્રાફિક કંટ્રોલરે રડારમાં જોયું. તેણે તરત પોતાની હવાઈ સીમામાં નજરે પડેલા વિમાનની ઓળખ માગી અને કઈ દિશામાં જઈ રહ્યુ હોવાની જાણકારી માંગી. એર ટ્રાફિક કંટ્રોલરના સવાલનો તરત જવાબ આપતા તે અજાણ્યા વિમાનના પાઈલોટ દસ્તુરે પોતાની અને પોતાના વિમાનની ઓળખ આપતા મંજુરી માંગી કે તે અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતરાણ કરવા માગે છે. તે ફ્લાઇટ દમણીયા એરલાઈન્સનું ચાર્ટડ પ્લેન હતું. એર ટ્રાફિક કંટ્રોલરને ખબર હતી કે હમણાં કોઈ ફ્લાઈટનો સમય નથી અને રનવે સાફ છે. છતાં તેણે ખાતરી કરવા માટે પોતાની ઓફિસના કાચ ઉપરથી રનવે તરફ નજર કરી અને તરત દમણીયા એરલાઈન્સના પ્લેનને લેન્ડ કરવાની મંજુરી આપી.


 

 

 

 

 

દમણીયા એરલાઈન્સનું ચાર્ટડ પ્લેન લેન્ડ થયું, પણ આ પ્લેન કોના માટે છે, શા માટે અહીં છે અને તેમાં કોણ જવાનું છે તેની કોઈ જાણકારી અમદાવાદ એરપોર્ટ ઓથોરીટી અને એર ટ્રાફિક કંટ્રોલરને પણ ન્હોતી. જો કે પ્લેનમાં કોઈ પણ મુસાફર પણ આવ્યા ન્હોતા તેના કારણે  ગ્રાઉન્ડ સ્ટાફ અને એરપોર્ટ ઉપર તૈનાત પોલીસને પણ કોઈ તપાસ કરવાની જરૂર ન્હોતી, પણ ત્યારે ઉત્તર ગુજરાતના ચરાડા ગામમાં એક ફોનની ઘંટડી વાગી, તે ફોન શંકરસિંહ વાઘેલાના ક્રાઈસીસ મેનેજર કમ પર્સનલ સેક્રેટરી હર્ષદ બ્રહ્મભટ્ટ માટેનો હતો. ફોન કરનારે જે માહિતી આપી તે સાંભળતા હર્ષદ બ્રહ્મભટ્ટના ચહેરા ઉપર એક નવી તાજગી આવી ગઈ. જાણે મહિનાઓ પછી કોઈએ પહેલી વખત સૂર્યનું કિરણ જોયું હોય, ફોન મુક્યા પછી તરત હર્ષદ બ્રહ્મભટ્ટે એક ફોન જોડ્યો, ત્યારે મોબાઈલ ફોન આવ્યા ન્હોતા. તેના કારણે કોમ્યુનિકેશન માત્ર લેન્ડ લાઈન ફોન દ્વારા જ થતુ હતું. હર્ષદ બ્રહ્મભટ્ટે જે ફોન જોડ્યો તેની રીંગ ગાંધીનગર પાસે આવેલા વાસણીયા ગામમાં વાગી રહી હતી.

ગાંધીનગરથી માંડ દસ-બાર કિલોમીટર દુર આવેલા વાસણીયા ગામનું નામ ગામના મહાદેવ મંદિર ઉપરથી પડ્યું છે. ગામના પ્રવેશદ્વારમાં વાસણીયા મહાદેવનું વિશાળ મંદિર છે. કદાચ એટલે શંકરસિંહના પિતાએ તેમનું નામ શંકર રાખ્યું હશે. શંકરસિંહે ફોન ઉપાડતા હર્ષદ બ્રહ્મભટે કહ્યું બાપુ અમદાવાદ એરપોર્ટ ઉપર પ્લેન લેન્ડ થઈ ગયું છે. બાપુએ એક ક્ષણનો વિચાર કર્યા વગર કહ્યું... તો નિકળો. કારણ કે બાપુ બધુ વિચારી અને પ્લાનિંગ કરી બેઠા હતા. બાપુ હર્ષદ બ્રહ્મભટ્ટને ઘણી વખત હર્ષદરાય કહેતા હતા પણ બાપુએ કહ્યું નિકળો, ત્યારે હર્ષદરાયે જે રૂમમાંથી ફોન કરી રહ્યા હતા તેની બારી બહાર જોયું. બહારથી લોકોના અવાજ અને પડકારો સંભળાઈ રહ્યા હતા. ક્યારેક ગોળીબારના અવાજ પણ આવતા હતા. તેઓ જ્યાં હતાં તેની ચારે તરફ મોટી સંખ્યામાં લોકો હતા. તે બધા જ ભાજપના કાર્યકરો અને તેમાં તે વખતના સૌરાષ્ટ્ર દિગ્ગજ નેતા સવજીભાઈ કોરાટ પણ હતા, તેમના હાથમાં પણ બંદુક હતી.

ચરાડા ગામના લોકોને તો સમજાતું જ ન્હોતું કે શું થઈ રહ્યું છે. હરિભાઈ ચૌધરી ઉત્તર ગુજરાતનું બહુ મોટું નામ, ગામના લોકોએ તો એટલુ જ સાંભળ્યું હતું કે હરિભાઈના ફાર્મ હાઉસમાં ભાજપના ધારાસભ્યોને રાખવામાં આવ્યા છે. હજી તો છ મહિના પહેલા માર્ચમાં જ ભાજપની સરકાર બની ત્યારે બધા બહુ ખુશ હતા તો પછી હવે શું થયું કે કેટલાક ધારાસભ્યો હરિભાઈના ફાર્મમાં આવી ગયા છે અને જે લોકો ફાર્મ હાઉસને ઘેરીને ઊભા હતા તે બધા પણ ભાજપના જ હતા, પણ તેમાં મોટો વર્ગ પટેલ સમુદાયનો હતો. મહેસાણાના સાંસદ એ. કે. પટેલને લાગ્યું કે તેમના મત વિસ્તારમાં ભાજપના ધારાસભ્યો આવી જાય અને તેઓ કઈ કરી શકે નહીં, તેના કારણે તેમણે પોતાના પટેલ કાર્યકરોને ફાર્મ હાઉસમાં રહેલા ભાજપના ધારાસભ્યોને બહાર કાઢવાની જવાબદારી સોંપી હતી, પણ માહોલમાં એક જુદા પ્રકારની તંગદિલી હતી. હરિભાઈ ચૌધરીના ગામ ચરાડામાં ચૌધરીઓની બહુમતી હતી. તેના કારણે ક્યાંક એવી નારાજગી હતી કે પટેલો ચૌધરીઓને હેરાન કરે છે.


 

 

 

 

 

હર્ષદરાય જ્યાંથી ફોન કરી રહ્યા હતાં તે હરિભાઈનું ફાર્મ હાઉસ હતું. ત્યાં ભાજપના 44 ધારાસભ્ય હતા. તે બધા શંકરસિંહ વાઘેલાના સમર્થનમાં બહાર નિકળ્યા હતા. ચરાડામાં ભાજપની લડાઈ એક બાજુ ઉપર રહી જાય અને પટેલ-ચૌધરીઓ વચ્ચે લડાઈ શરૂ થઈ જાય તેવા એંધાણ હતા. હર્ષદરાય બધા ધારાસભ્યોને લઈ ફાર્મ હાઉસની બહાર નિકળવા માગતા હતા, પણ સ્થિતિ એવી હતી કે બહાર નિકળતો તો છૂટાહાથની મારા મારી થઈ જાય અને ભાજપના ધારાસભ્યોના માથા પણ ફુટે. ફાર્મ હાઉસમાં રહેલા ધારાસભ્યો પણ ફફડતા હતા. હર્ષદ બ્રહ્મભટ્ટે તેમને આશ્વાસન આપતા કહ્યું આપણે રાજ્યપાલ નરેશ ચંદ્ર સામે જઈ રહ્યા છીએ. તમે ચિંતા કરતા નહીં. હર્ષદ બ્રહ્મભટે બાપુ સાથે વાત પુરી કરી ફોન મુક્યો અને ગર્વનર હાઉસ ફોન કરી ગર્વનર નરેશ ચંદ્રને વિનંતી કરતા કહ્યું સર અમે ચરાડામાં છીએ, તાત્કાલીક પોલીસની મદદ મોકલો. પહેલા તો નરેશ ચંદ્ર પણ વિચારમાં પડી ગયા. રાજ્યમાં ભાજપની સરકાર છે અને ભાજપના જ ધારાસભ્ય રક્ષણ માંગી રહ્યા છે.

પણ તેમને તરત ખ્યાલ આવ્યો કે ત્રણ દિવસ પહેલા ભાજપના ધારાસભ્ય આત્મારામ પટેલની આગેવાની હેઠળ એક પ્રતિનિધિ મંડળ તેમને મળવા આવ્યું હતું. તેમનો દાવો હતો કે તેમણે કેશુભાઈ પટેલની સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો છે. તેથી રાજ્યપાલ નરેશ ચંદ્રે વિધાનસભાનું ખાસ સત્ર 5 ઓક્ટોબરના રોજ બોલાવી ભાજપને પોતાની બહુમતી પુરવાર કરવા જણાવ્યું હતું. હર્ષદ બ્રહ્મભટ્ટે પોતાનો પક્ષ સ્પષ્ટ કરતા કહ્યું સર જ્યારે વિધાનસભામાં બહુમતી પુરવાર કરવાનો પ્રશ્ન છે ત્યારે ધારાસભ્યને રક્ષણ પણ આપના તરફથી મળવું જોઈએ. રાજ્યપાલ નરેશ ચંદ્ર વાત સમજી ગયા, તેમણે તરત મહેસાણાના પોલીસ વડા જી. કે. પરમારને ફોન કરી રક્ષણ આપવાનો આદેશ આપ્યો અને પાટણના પોલીસ વડા સંજીવ ભટ્ટને પણ ચરાડા પહોંચી જવાની સૂચના આપી.

(ક્રમશ:)

આપને વાંચન ગમ્યું હશે, તેવી આશા છે. મેરાન્યૂઝની આવી જ પોસ્ટ વાંચવા માટે ફેસબુક પેજ લાઈક કરો, લાઈક કરવા અહીં ક્લિક કરોઃ મેરાન્યૂઝઅથવા આ હેન્ડલર સાથે ફેસબુકમાં સર્ચ કરી લાઈક કરો @meranewsguj, હા ફોલોમાં see first કરવાનું ચુકતા નહીં