મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી :અરવલ્લી-સાબરકાંઠા જીલ્લાની રાજસ્થાન રાજ્યને અડીને આવેલ આંતરરાજ્ય સરહદો પર બંને જીલ્લાની પોલીસે સઘન ચેકીંગ હાથધરવામાં આવ્યું છે. ૩૧ ફર્સ્ટ ડિસેમ્બરમાં દારૂની રેલમછેલ અટકાવવા પોલીસતંત્રએ જીલ્લાના મુખ્યમાર્ગો અને અંતરિયાળ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ હાથધર્યું છે. પોલીસે આંતરાજ્ય સરહદો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. છેલ્લા કેટલાક વર્ષોથી બુટલેગરો પણ પોલીસતંત્રની ડિસેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં સઘન ચેકીંગ કરતા હોવાના પગલે નવેમ્બર અને ડિસેમ્બર મહિનાના ૨૦ દિવસના સમય દરમિયાન નાના-મોટા વાહનો મારફતે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ગુજરાતમાં ઠાલવી દેતા હોવાથી પ્યાસીઓની પ્યાસ બુઝાઈ જતી હોય છે.
ગુજરાત-રાજસ્થાનની અરવલ્લી જીલ્લાની રતનપુર બોર્ડરથી માંડી જિલ્લાને સ્પર્શતી અન્ય બોર્ડરો અને સાબરકાંઠા જીલ્લાની રાણી અને ખેરોજ બોર્ડર થી લઇ અન્ય આંતરરાજ્ય સરહદો પરથી નશીલા પદાર્થો ઘૂસાડવાના રેકેટ ઉપર રોક લગાવવા પોલીસ બાજ નજર રાખી રહી છે. અને હાલ જિલ્લા પોલીસવડાના આદેશથી વાહન ચેકીંગ હાથ ધરાયું છે. નવાવર્ષની ઉજવણીને લઈ બુટલેગરો સક્રિય બનશે ત્યારે તેઓની પ્રવૃત્તિઓ ઉપર રોક લગાવવા બોર્ડર વિસ્તારોમાં રાઉન્ડ ધ કર્લાક પેટ્રોલીંગ હાથ ધરવામાં આવનાર છે.અને ઉજવણીમાં જોડાઈ કોવીડ-૧૯ તકેદારીઓનો ભંગ કરનાર તત્વો સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું પોલીસ વિભાગના સૂત્રો દ્વારા જણાવ્યું હતું.