મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી :અરવલ્લી જીલ્લામાં ગાત્રો થીજાવતી ઠંડીમાં તસ્કર ટોળકીઓ સક્રિય થતા સતત જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપી ખાખીને પડકાર ફેંકી રહી છે. શામળાજીના ધમબોલીયા ગામે ત્રણ મંદિરોમાં લાખ્ખો રૂપિયા અને ચાંદીના આભૂષણોની ચોરીની ઘટનાની ગણતરીના કલાકોમાં નજીક આવેલા પાલ્લા ગામમાં આવેલી હાર્ડવેરની દુકાનમાં ત્રાટકી ૭૦ હજાર રૂપિયા રોકડા અને દુકાનમાં રહેલો માલસામાનની ચોરી કરી ફરાર થઇ જતા શામળાજી પોલીસના નાઈટ પેટ્રોલિંગના દાવાની હવા કાઢી નાખી હતી. શામળાજી પોલીસે દુકાનદારની ફરિયાદ નોંધી રાબેતા મુજબ તપાસ હાથધરી હતી. શામળાજી પંથકમાં નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવેની લોકમાંગ પ્રબળ બની છે.
શામળાજી નજીક આવેલા પાલ્લા ગામમાં રહેતા ભરતભાઈ પુંજાભાઈ પ્રજાપતિ ગામમાં રાધેશ્યામ હાર્ડવેર નામની દુકાન ધરાવે છે. મંગળવારે રાત્રે રાબેતા મુજબ દુકાન બંધ કરી ગયા હતા ત્યારે રાત્રીના સુમારે તસ્કરો ત્રાટકી દુકાનનું શટર તોડી નાખી દુકાનમાં પ્રવેશી દુકાનમાં રહેલા ધંધાના ૭૦ હજાર રૂપિયા રોકડા અને દુકાનમાં રહેલો હાર્ડવેર અને કલરના ટીન સહીત માલસામાન ઉઠાવી ફરાર થઇ ગયા હતા. દુકાન માલિકને દુકાનમાં ચોરી થઇ હોવાની જાણ થતા તાબડતોડ દુકાને દોડી આવ્યા હતા અને દુકાનમાંથી ૧ લાખથી વધુના મુદ્દામાલની ચોરી થતા હોફાળા-ફોફળા બન્યા હતા. શામળાજી પોલીસને જાણ કરતા શામળાજી પોલીસ ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથધરી હતી.