પ્રશાંત દયાળ (ભાગ-47): પોલીસ જાપ્તામાંથી લતીફ ફરાર થયો છે  તેવો વાયરલેસ મેસેજ અમદાવાદના તમામ સિનિયર ઓફિસરોએ સાંભળ્યો હતો. જો કે હજી અમદાવાદ ગાઢ નિદ્રામાં સુઈ રહ્યું હતું. અમદાવાદીઓને હજી લતીફ ફરાર થયાના સમાચાર મળ્યા ન્હોતા, રાતના ત્રણ વાગ્યા હશે. અમદાવાદ પોલીસ કંટ્રોલરૂમનો એક લેન્ડ લાઈન ફોન રણકવા લાગ્યો, નાઈટ ડ્યુટી ઓફિસરે કંટાળા સાથે ફોન ઉપાડી કહ્યુ નમસ્તે અમદાવાદ પોલીસ કંટ્રોલરૂમ.. સામેથી છેડેથી વાત કરનાર વાતની શરૂઆત કરતા, તરત નાઈટ ડ્યુટી ઓફિસરે કાગળ પેન લઈ નોંધ ટપકાવવાની શરૂઆત કરી. કંટાળા સાથે ફોન ઉપાડ્યો હોવા છતાં જે માણસ ફોન ઉપર માહિતી આપી રહ્યો હતો તે એટલી મહત્વની હતી કે ડ્યુટી ઓફિસરના ચહેરા ઉપર રહેલો કંટાળો એકદમ ઉડી ગયો. 

ફોન પુરો થતાં ડ્યુટી ઓફિસર ટપકાવેલી નોંધ લઈ તરત વાયરલેસ બ્રોડકાસ્ટીંગ રૂમમાં પહોંચી અને એકાદ મીનિટ પછી વાયરલેસ મેસેજ શરૂ થયો. કંટ્રોલ કોલિંગ ટુ ક્રાઈમ બ્રાન્ચ.. તરત ક્રાઈમ બ્રાન્ચે જવાબ આપ્યો ક્રાઈમ બ્રાન્ચના વાયલેસ ઓપરેટરે પોતે સંદેશા માટે તૈયાર હોવાનું કહેતા, મેસેજ આવ્યો.. એક માણસ નરોડા ક્રોસિંગ પાસે હાથ હાથમાં રિવોલ્વર જેવા હથિયાર સાથે ત્યાંથી પસાર થતી ટ્રકોને રોકવાનો પ્રયાસ કરી રહ્યો છે, ક્રાઈમ બ્રાન્ચ તાત્કાલીક નરોડા ક્રોંસીંગ પહોંચે. શક્યતા છે કે તે લતીફ હોઈ શકે છે. આ મેસેજ મળતા ક્રાઈમ બ્રાન્ચના વાહનો જે લતીફને શોધી રહ્યા હતાં તે નરોડા કોંસીંગ તરફ રવાના થયા હતાં. લતીફ જે સ્થળે ભાગ્યો હોવાનો પોલીસનો દાવો હતો તેનાથી ક્રોસિંગ વચ્ચેનું અંતર લગભગ બે કિલોમીટર જેટલુ હશે. ક્રાઈમ બ્રાન્ચ ત્યાં પહોંચી ત્યારે ખરેખર એક માણસ હાથમાં રહેલી રિવોલ્વર બતાડી ટ્રેકને રોકવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પણ દુરથી પોલીસના વાહનો આવતા જોઈ તે તે ડાબી તરફ ખુલ્લા મેદાનમાં અંધારા તરફ દોડવા લાગ્યો. 


 

 

 

 

 

ક્રાઈમ બ્રાન્ચના વાયરલેસ ઓપરેટરે નરોડા ક્રોસિંગ પહોંચ્યાનો સંદેશો કંટ્રોલરૂમને આપ્યો હતો. જે માણસ ભાગી રહ્યો હતો તે કાચા રસ્તે હવે પોલીસના વાહનો જઈ શકે તેમ ન્હોતા એટલે પોલીસ અધિકારીઓએ પણ પોતાના હથિયારો લઈ તે માણસ પાછળ જીપમાંથી ઉતરી દોડવાની શરૂઆત કરી, તે માણસ જે તરફ અંધારા દોડી રહ્યો હતો, તે તરફ એક અવાવરૂ મકાન પણ હતું. સ્થાનિકો તેને ભુતિયા બંગલા તરીકે ઓળખતા હતાં. પોલીસ નજીક આવી જતા પેલા માણસે પોતાની પાસે રહેલા હથિયાર વડે પોલીસને રોકવા માટે ગોળીબાર શરૂ કર્યો હતો. અચાનક થયેલા ગોળીબારને કારણે પોલીસે પણ સામે ગોળીબાર શરૂ કર્યો હતો. જો કે અંઘારૂ એટલુ હતું માત્ર ગોળીબારનો અવાજ સંભળાતો હતો, પણ બંન્ને તરફ કોઈ એકબીજાના જોઈ શકતા ન્હોતા. પેલો માણસ ભુતિયા બંગલામાં ઘુસી ગયો. 

ક્રાઈમ બ્રાન્ચ ઉપર ગોળીબાર થયો છે તેવો સંદેશો કંટ્રોલરૂમને મળતા સિનિયર પોલીસ અધિકારીને પણ તેની જાણ કરવામાં આવી હતી. અમદાવાદના મોટા ભાગના સિનિયર આઈપીએસ અધિકારીઓ ભુતિયા બંગલા ક્રાઈમ બ્રાન્ચની મદદે જવા રવાના થયા હતા. હવે પેલો બંગલામાં છુપાયેલો માણસ પોલીસ ઉપર ગોળીબાર કરતો હતો, જેનો વળતો ઉત્તર પણ ક્રાઈમ બ્રાન્ચ આપી રહી હતી. થોડીક મીનિટો સુધી ચાલેલા ફાયરીંગ બાદ બંગલાની અંદરથી ગોળીબાર બંધ થયો. ક્રાઈમ બ્રાન્ચ પણ વિચારમાં પડી ગઈ, બંન્ને તરફ એકદમ શાંતિ છવાઈ ગઈ હતી. સ્ટાફ ઓછો હતો, અંધારૂ હતું, એકદમ બંગલા તરફ જવામાં જોખમ હતું. કદાચ પેલો માણસ પોલીસ ઉપર ઘાત લગાવી બેઠો હોય અને ગોળી ચલાવે તો.. ત્યારે જ સિનિયર આઈપીએસ અધિકારીઓ ત્યાં આવી પહોંચ્યા, પોલીસે ટોર્ચના પ્રકાશના સહારે બંગલામાં જવાનો નિર્ણય કર્યો હથિયાર સજ્જ  અધિકારીઓ એકબીજાને કવર આપતા હતા, આગળ વધ્યા. બંગલાના પોર્ચમાં દાખલ થતાં ટોર્ચના પ્રકાશમાં એક માણસ લોહીથી લથબથ જમીન ઉપર પડેલો જોવા મળ્યો તેના હાથમાં હજી રિવોલ્વર હતી. કદાચ તે મરી ગયાનો ડોળ પણ કરતો હતો, એક અધિકારીએ ચપળતાપુર્વક તેની નજીક જઈ તેના હાથમાં રહેલી રિવોલ્વર ખેંચી લીધી, પણ તે જરા પણ હલ્યો નહીં. બીજા અધિકારી સાવચેતીપુર્વક નજીક આવ્યા અને તેના જમણા હાથની નાડી પકડી તપાસી, પણ તે માણસનો શ્વાસ થંભી ગયો હતો. પોલીસને કરેલા વળતા ગોળીબારમાં તે મૃત્યુ પામ્યો હતો. 


 

 

 

 

 

પોલીસ અધિકારીએ તે કોણ છે જાણવા માટે તેના ચહેરા ઉપર ટોર્ચનો પ્રકાશ ફેંક્યો. તે 47 વર્ષનો અબ્દુલ લતીફ જ હતો. ક્રાઈમ બ્રાન્ચના દાવા પ્રમાણે તે તેમના જાપ્તામાંથી ભાગ્યો અને તેના બે કલાકમાં પોલીસની અથડામણમાં માર્યો હતો. પોલીસે તેમની ઉપર થયેલા હુમલા અને તેમણે સ્વરક્ષણમાં કરેલા ગોળીબારમાં લતીફના મૃત્યુની ફરિયાદ સરદારનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. લતીફનો મૃતદેહ પડ્યો હતો. પોલીસની એફઆઈઆર પ્રમાણે લતીફ ઈન્સપેક્ટર તરૂણ બારોટના ફાયરિંગમાં માર્યો ગયો હતો, પણ ત્યારે સ્થળ ઉપર લતીફને જે આઈપીએસ અધિકારીઓનો ડર લાગતો હતો તે બધા જ ત્યાં પહોંચી ગયા હતા. અમદાવાદ ઉપર બે દાયકા સુધી પોતાનું આધિપત્ય જમાવનાર ડૉન અબ્દુલ લતીફ હવે ઈતિહાસ થઈ ગયો હતો. 1960માં ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયા પછી ગુજરાતમાં લાદવામાં આવેલી કાગળિયા દારૂબંધીને કારણે લતીફનો જન્મ થયો, તે બુટલેગર બન્યો, તેમાંથી ગેંગસ્ટર અને પછી આતંકવાદી બન્યો હતો અને આખરે તેનો આ કરૂણ અંજામ આવ્યો. ગેંગસ્ટરનો જીવનકાળ કાયમ ટુંકો હોય છે, તેવું જ લતીફ સાથે પણ બન્યું. ગેંગસ્ટરની ગ્લેમરસ જીંદગીનો અંત કાયમ આવો જ હોય છે. જો કે લતીફના મૃત્યુ સાથે તેની જોડાયેલી કેટલીક અંગત વાત પણ દફન થઈ ગઈ, જેમાં ખરેખર પોલીસ લતીફ જાપ્તામાંથી ભાગ્યો હતો કે પછી પોલીસ દ્વારા અન્ય ગેંગસ્ટરની સ્ટોરી ઊભી કરવામાં આવે છે તેમ લતીફને કાગળ ઉપર ભગાડ્યો અને પછી તેને ઠાર માર્યો. આવી અનેક બાબતો ઉત્તર વિના રહી ગઈ છે, જો કે લતીફના મૃત્યુ પછી આજ સુધી ક્યારેય બનાવટી એન્કાઉન્ટર થયાની ફરિયાદ થઈ નથી, લતીફ હવે તો મરવો જ જોઈએ, તેવું માનતી પોલીસની સાથે સમાજનો બહુ મોટો વર્ગ પણ હતો જેમાં હિન્દુ મુસ્લિમ બંને સામેલ હતા, તેઓ પણ પોલીસના મત સાથે ચુપ રહીને પણ સંમત્ત હતા. 

લતીફ મૃત્યુ પામ્યો તેની જાણ જ્યારે અમદાવાદને થશે ત્યારે ખાસ કરી મુસ્લિમ વિસ્તારમાં તેના પડધા પડશે તેવું પોલીસ માની રહી હતી, કારણ એક જમાનામાં તે મુસ્લિમ કોમનો નેતા થઈ ગયો હતો, સવાર પડતા જ અમદાવાદને લતીફના એન્કાઉન્ટરની ખબર પડે તે પહેલા અમદાવાદના દરિયાપુર-શાહપુર અને કાલુપુર જેવા વિસ્તારમાં પોલીસની મોટી ફૌજ ઉતારી દેવામાં આવી હતી. સવારે દસ વાગતા સુધી લતીફના સમાચાર આખા અમદાવાદમાં ફરી વળ્યા હતા, પણ અમદાવાદ એકદમ શાંત રહ્યું. હિન્દુ વિસ્તારમાં તો લતીફ ગયો તેની ટાઢક હતી, પણ આવો જ ભાવ કંઈક મુસ્લિમ વિસ્તારમાં પણ હતો. દરિયાપુર, કાલુપુર અને શાહપુરમાં અજંપો ચોક્કસ હતો હતો, પણ તે રોજ પ્રમાણે પોતાના નિત્યક્રમમાં લાગી ગયા હતા. તોફાન થશે તેવી પોલીસની ગણતરી ખોટી પડી હતી, તેની પાછળનું કારણ એવું હતું, કોમના નેતા તરીકે બહાર આવેલા લતીફે છેલ્લા સમયમાં અનેક મુસ્લિમોને નિશાન બનાવી પૈસા પડાવ્યા હતા. તેનો અર્થ લતીફ ક્યારેય મુસ્લિમ કોમનો નેતા કે મસિહા ન્હોતો. આ એક અકસ્માત હતો કે તેનો જન્મ મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેને ઈસ્લામ સાથે કોઈ લેવા દેવા ન્હોતી છતાં એક લતીફને કારણે અમદાવાદના હિન્દુ-મુસ્લિમોની વચ્ચે એક સદી સુધી ન પુરાય એટલું મોટુ અંતર ઊભું થયું હતું, જે અંતર વધારવામાં રાજકિય પક્ષોએ ખુબ મોટુ કામ કર્યું હતું. રાજકિય પક્ષો અને નેતાઓ માટે લતીફ સત્તા સુધી જવાનું પ્યાદુ હતું અને પ્યાદાએ કાયમ મરવાનું જ હોય છે અને તે માર્યો ગયો હતો. 


 

 

 

 

 

લતીફનું એકન્કાઉન્ટર 1997માં થયું તે વાતને વીસ વર્ષ થઈ ગયા, હજી પણ લતીફના કેટલાંક સાથીઓ સાબરમતી જેલમાં સજા કાપી રહ્યા છે પણ તેમને પોતાની ભુલ સમજાઈ છે. તેમના સારા વ્યવહારને કારણે જેલમાં તેમને વોર્ડન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે, તેઓ પેરોલ ઉપર પોતાના દરિયાપુર-શાહપુર અને કાલુપુરમાં આવે છે, પણ હવે તેમને કોઈ ભાઈ કહે તો આ શબ્દ ખટકે છે કારણ ભાઈ થવામાં જ તેમની જીંદગીના બે દાયકા જેલમાં પસાર થઈ ગયા અને તેમનો જે ભાઈ હતો તે અલ્લાહને પ્યારો થઈ ગયો. 

કેટલાંક એવા પણ લતીફના ગેંગસ્ટર છે  જેમનો ગુનો ઓછો હોવાને કારણે દસ-બાર વર્ષની સજા ભોગવી તેઓ છુટી તો ગયા, પણ જેલમાં જઈ આવેલા ગેંગસ્ટરને કોઈ નોકરી આપતુ નથી અને તેમની સાથે કોઈ ધંધો  કરતા નથી. હાલમાં તેઓ અમદાવાદની એક કરોડને આંબવામાં આવેલી વસ્તીમાં પોતાની જુની ઓળખને છુપાવી ઓટોરીક્ષા ચલાવી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. હવે તેમને રાતે થાક્યા પછી તરત ઉંઘ આવે છે અને પોલીસની હવે તેમને બીક લાગતી નથી. 

(આ સાથે જ રિયલ ‘રઇસ’ લતીફની રિયલ સ્ટોરી અહીં સમાપ્ત કરીએ છીએ. મેરાન્યૂઝના વાંચકોનો આભાર)