મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: રાજકોટના કાગદડી ગામના પાટીયા પાસે ખોડિયારધામ આશ્રમના મહંત જયરામદાસ બાપુના ચકચારી આપઘાત કેસમાં પોલીસને મહત્વની સફળતા મળી છે. પોલીસે મહંતની સાથે રાત્રે બેડમાં સુતી યુવતીને ઓળખી કાઢી છે અને સમગ્ર મામલે હનીટ્રેપનો હોવાનું હાલ સામે આવી રહ્યું છે.  મહંતના ભત્રીજા અલ્પેશ સોલંકીએ જ હનિટ્રેપમાં ફસાવવા માટે પોતાની કૌટુંબિક બહેનનો ઉપયોગ કર્યો હતો. આ વીડિયોમાં બીજુ કોઇ નહીં પણ મહંતની ભત્રીજી જ હોવાનું સામે આવ્યું છે. ભત્રીજાએ જ કૌટુંબિક બહેન પાસે વીડિયો બનાવી બાપુને હનિટ્રેપમાં ફસાવ્યા હતા. હાલ એક વીડિયો બહાર આવ્યો છે અને આવા કુલ 6 વીડિયો આરોપીઓએ બનાવ્યા છે. 

રાજકોટ નજીકના કાગદડી ગામે આવેલા ખોડિયાર આશ્રમના મહંત જયરામદાસબાપુએ 1 જૂનના રોજ ઝેરી દવા પી ને આત્મહત્યા કરી લીધી હતી. જેને મહંતના ભત્રીજા અને જમાઇએ હ્રદય રોગના હુમલાથી નિધનમાં ખપાવી અંતિમવિધિ કરી હતી. કારણ કે ત્રણ આરોપીઓએ મળી મહંતનો યુવતીઓ સાથેનો આપત્તિજનક સ્થિતિમાં વીડિયો બનાવ્યો હતા અને 20 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લીધી હતી. જેથી મહંતે આ લોકોના ત્રાસથી આપઘાત કરી લીધો હતો. 

પોલીસ તપાસમાં જાણવા મળ્યા અનુસાર મહંત જયરામદાસ બાપુના રૂમમાંથી મળેલી સુસાઇડ નોટ પરથી આશ્રમ ટ્રસ્ટના જ બે ટ્રસ્ટી અને બાપુના ભત્રીજા અલ્પેશ સોલંકી અને હિતેષ જાદવ તેમજ વિક્રમ ભરવાડ સામે પોલીસે મરવા મજબૂર કર્યાનો ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે. આરોપીઓએ બે મહિલા સાથેના મહંતના 6 આપત્તિજનક વીડિયો ઉતારી હનીટ્રેપમાં ફસાવ્યા હોવાની પણ ચર્ચા ઊઠી છે તેમજ મહિલા સાથે મહંતનો પ્રેમસંબંધ હોવાની શંકા વ્યક્ત કરાઇ છે, કારણ કે એક મહિલા આશ્રમમાં સેવા આપવા આવતી હતી. ત્યારે આ બે મુદ્દે પોલીસ તપાસ કરશે.

Advertisement


 

 

 

 

 

તપાસ કરતાં પોલીસને જાણવા મળ્યું હતું કે દોઢેક વર્ષ પહેલાં મહંતનો એક મહિલા સાથેનો વીડિયો બતાવી આરોપી અને ટ્રસ્ટના ટ્રસ્ટીના અલ્પેશ પ્રતાપ સોલંકી (રહે.પેઢાવાડા, તા.કોડીનાર) અને હિતેષ લખમણ જાદવ (રહે.પ્રશનાવાડા, તા.સુત્રાપાડા, જિ.ગીર-સોમનાથ) બાપુને બ્લેકમેઇલ કરી રહ્યા હતા. બાપુ પાસેથી આરોપીઓએ રૂપિયા પણ પડાવી લીધા હતા. આ કાવતરામાં રાજકોટના ગાંધીગ્રામમાં રહેતો વિક્રમ દેવજી સોહલા આરોપીઓની મદદ કરતો હતો.

ઉલ્લેખનીય છે પોલીસ તપાસમાં સુસાઇડ નોટ મળતાં ખૂલ્યું છે કે મહંતે ઝેરી દવા પી આત્મહત્યા કરી છે છતાં પણ દેવ હોસ્પિટલમાં કાર્યરત તબીબો દ્વારા બાપુની યોગ્ય રીતે તપાસ કરવાની જગ્યાએ હાર્ટ-અટેકથી મૃત્ય થયું છે એવું સર્ટિફિકેટ આપી દેતાં ભારે ચકચાર મચી જવા પામી છે. હોસ્પિટલના તબીબોએ કોઇના દબાણથી આ સર્ટિફિકેટ ઇસ્યુ કર્યું છે તેવા તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.

ફરિયાદમાં જણાવ્યું હતું કે, જયરામદાસ સત્તર વર્ષથી ઉપરોક્ત આશ્રમમાં રહેતા હતા અને આશ્રમના ટ્રસ્ટમાં તેના કૌટુંબિક ભત્રીજા અલ્પેશ અને તેના બનેવી હિતેષને ટ્રસ્ટી બનાવ્યા હતા. સાળા બનેવીએ મહંત પાસે યુવતીને મોકલી હતી અને જયરામદાસ તથા યુવતીનો વીડિયો શૂટ કરી લીધો હતો, વીડિયો ઉતાર્યા બાદ અલ્પેશ, હિતેશ અને તેનો મિત્ર વિક્રમ સોહલા જયરામદાસને વીડિયો જાહેર કરી બદનામ કરવાની ધમકી આપી પૈસા પડાવતા હતા. બે વર્ષમાં 20 લાખ જેવી રકમ પડાવી લીધી હતી અને હવે આશ્રમ પર કબજો જમાવવા મહંત પર દબાણ કરતા હોય તેના ત્રાસથી કંટાળી મહંતે આપઘાત કરી લીધો હતો. 

ડીસીપીના જણાવ્યા અનુસાર જયરામદાસ બાપુને 31 મેના રાત્રિના સમયે ઉલ્ટી થઈ હતી. ત્યારબાદ ટ્રસ્ટી સહિતનાને જાણ કરવામાં આવી હતી. ટ્રસ્ટીઓ, સેવકો અને ભાવિકો દર્શન માટે આવ્યા હતા. મહંતના અંતિમસંસ્કાર બાદ 2 દિવસ પછી સ્યુસાઇડ નોટ મળી આવી છે. ખરેખર આ સ્યુસાઇડ નોટ બાપુના હાથે લખેલી છે કે કેમ તે અંગે તપાસ થશે. મહિલા સાથે આપત્તિજનક વીડિયો મળી આવ્યો છે તે પોલીસને મળ્યો છે. સ્યુસાઈડ નોટમાં 30 તારીખે જયરામદાસ બાપુને માર મારવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ છે.