પ્રશાંત દયાળ (મેરાન્યૂઝઃ ખજુરાહો: ભાગ-17): શંકરસિંહ વાઘેલાની માગણી પ્રમાણે ભાજપ હાઈકમાન્ડે કેશુભાઈ પટેલને હટાવવાનો નિર્ણય કર્યો તેના કરતા પણ વધુ આધાત મોદીને ગુજરાત બહાર લઈ જવામાં આવશે તેવા નિર્ણય સામે ખુદ મોદીને વાંધો હતો. નરેન્દ્ર મોદીના સ્વભાવ પ્રમાણે તેઓ પોતાની આડે આવનાર કોઈને પણ માફ કરી શકતા નથી. મોદીએ પોતાના અંગે બાજપાઈએ લીધેલા નિર્ણયથી નારાજગી પણ વ્યકત કરી પણ ત્યારે બાજપાઈ પાસે સરકાર બચાવવા માટે બાપુની વાત માનવા સિવાય કોઈ રસ્તો ન્હોતો. અટલબિહારી બાજપાઈની પ્રમાણિક્તા ઉપર તેમના વિરોધીઓ પણ શંકા કરે નહીં, તેઓ વિરોધ પક્ષમાં હતા છતાં શ્રેષ્ઠ રાજકરણી તરીકે તેમને નહેરુ, ઈન્દીરા અને રાજીવ પણ માન આપતા હતા. બાજપાઈ એવા નેતા હતા, જેમણે એક જ પરિવારના ત્રણ વડાપ્રધાન સાથે કામ કરવાની તક મળી હતી.

ભારે હ્રદયે બાજપાઈએ પોતાનો નિર્ણય જાહેર કરી મુખ્યમંત્રીના બંગલેથી સીધા બાજુમાં જ આવેલા ગાંધીનગર સર્કીટ હાઉસ ગયા હતા, પણ ત્યારે નરેન્દ્ર મોદીના ખાસ ગણાતા તેમના સમર્થક ગોરધન ઝડફિયા, સાંસદ ભાવના ચીખલિયા અને અમદાવાદના મેયર ભાવના દવેએ જે કર્યું તે અત્યંત શરમજનક અને નિમ્નકક્ષાનું રાજકારણ હતું.


 

 

 

 

 

જેવા બાજપાઈ સરકીટ હાઉસમાં દાખલ થયા તેની સાથે મોદીના આ સમર્થકો દ્વારા નારા લગાવાયા કે ‘બાજપાઈ કી ધોતી બીકી આઠ કરોડ મેં’, બાજપાઈ જેવા નેતાની પ્રમાણિકતા ઉપર નરેન્દ્ર મોદીએ પ્રશ્નાર્થ ઊભો કર્યો હતો. જાણે બાજપાઈએ બાપુ પાસેથી પૈસા લઈ, કેશુભાઈ પટેલ અને મોદીને હટાવવાનો નિર્ણય લીધો હતો. બાજપાઈને અંદાજ આવી ગયો હતો કે ગુજરાતના રાજકારણનું સ્તર પડી રહ્યું છે, પણ હવે પ્રશ્ન એવો હતો કે કેશુભાઈ પટેલને હટાવવામાં આવે તો પાર્ટી મુખ્યપ્રધાન પદ કોને સોંપે, હજી બાપુ એક ચાલ વધુ ચાલવાના હતા. બાપુ કેશુભાઈ પટેલ અને મોદીને હટાવવામાં સફળ રહ્યા હતા, પણ તે મુખ્યપ્રધાન પદે પોતાના માણસને બેસાડવા માગતા હતા. જેના કારણે જેમ મોદી બહાર બેસી સરકાર ચલાવતા હતા તેમ બાપુ સરકાર ચલાવી શકે.

હવે કોને મુખ્યમંત્રી બનાવવામાં આવે તેના નામની ચર્ચા પાર્ટીમાં શરૂ થઈ ત્યારે સુરતના કાશીરામ રાણાનું નામ સૌથી આગળ હતું, જો કે તે નામ બાપુ તરફથી આવ્યું હોવા છતાં પાર્ટીને રાણાના નામ સામે કોઈ વાંધો ન્હોતો. રાણા જમીની નેતા હતા. કાર્યકરો અને મતદારો સાથે સીધો સંપર્ક ધરાવતા નેતા હતા, પણ પાર્ટી કાશીરામની પસંદગી કરી રહી છે તેવી જાણકારી નરેન્દ્ર મોદીને મળી ગઈ, તેની સાથે ફરી નારે બાજી કરતા ટોળા ગાંધીનગર મંત્રીમંડળના બંગલાઓ તરફ આવવા લાગ્યા, તેઓ રાણા વિરોધી સુત્રોચ્ચાર કરતા હતા. આ બધા જ ટોળા મોદી દ્વારા મોકલવામાં આવી રહ્યા હતા. આ તબક્કે સામાન્ય રીતે સત્તા ઉપર બેસવા માટે કોઈ પણ ઉતાવળ કરે, પણ કાશીરામ રાણાએ સામે ચાલી કહ્યું જો પાર્ટીના લોકો મારી સાથે ના હોય તો તમે કોઈ બીજા નામની પસંદગી કરી શકો છો, તેમ કહી રાણા પોતે મુખ્યમંત્રીને રેસમાંથી બહાર નિકળી ગયા.

હવે કોણ મુખ્યમંત્રી થઈ શકે અને કોણ સારી રીતે શાસન ચલાવી શકે તેવા નામના વિચારણા હાથ ઉપર લેવામાં આવી ત્યારે કચ્છના સુરેશ મહેતાનું નામ સામે આવ્યું, મુળ કાયદાના વિદ્યાર્થી અને નાણા વિભાગ અને વિધાનસભાના નિયમોના જ્ઞાતા મહેતાની તોલે આવે તેવું કોઈ ન્હોતુ. આખરે કેશુભાઈ દ્વારા સુરેશ મહેતાના નામ ઉપર મહોર મારવામાં આવી હતી. સુરેશ મહેતા મુખ્યમંત્રી તરીકે નક્કી થતા. બાપુએ ખજુરાહો રહેલા પોતાના ધારાસભ્યનો પરત બોલાવી લેવાની સૂચના આપી. જો કે ધારાસભ્ય ખજુરાહો ગયા ત્યારે પ્લેનમા પંકચર પડયુ હતું પાછા આવતી વખતે કોઈ વિધ્ન આવે નહીં તેની બાપુએ દરકાર લીધી હતી. બાપુની માગણી સ્વીકારી લેવામાં આવી છે તેવી જાહેરાત ખજુરાહોના રિસોર્ટમાં હર્ષદભાઈએ કરતા ધારાસભ્યો ઝુમની ઉઠયા હતા અને તેઓ અમદાવાદ પાછા આવવા માટે એરપોર્ટ ઉપર આવ્યા ત્યારે બે પ્લેન રનવે ઉપર ઊભા હતા, જેમાં એક પ્લેન સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું હતું.


 

 

 

 

 

આખરે કેશુભાઈ પટેલે રાજ્યપાલ નરેશ ચંન્દ્ર પાસે જઈ પોતાનું રાજીનામુ સુપ્રત કર્યું અને સુરેશ મહેતાએ પોતાની બહુમતી હોવાનો દાવો કરી નવી સરકારના રચના માટે મંજુરી માંગી હતી. સમાધાન થયુ હતું પણ મન તૂટી ગયા હતા. બાપુ અને તેમના સમર્થકોને બાદ કરતા બધા જ દુઃખી હતા, પણ તેઓ દુઃખી છે તેવો ચહેરો તેઓ પ્રજાને બતાડવા માગતા ન્હોતા. બાકી બધા તો જે થયું તેને નસીબ માની લેવા તૈયાર હતા. જોકે નરેન્દ્ર મોદી નસીબને દોષ દઈ બેસવા વાળા ન્હોતા, તેમણે મનોમન આખી ઘટનાનો બદલો લેવાનું નક્કી કર્યું હતું, પણ હજી એ ઘણુ વહેલુ હતું. સુરેશ મહેતાની સરકારની રચના વખતે વિશ્વાસનો મત લેવા માટે વિધાનસભા બોલાવવામાં આવી હતી. શંકરસિંહ પણ ખુદ વિધાનસભા આવવાના હતા. તેમને આવકારવા માટે ભાજપના સિનિયર નેતા વિધાનસભાના દરવાજે ઊભા હતા. બાપુનું આગમન થતા તેમને આવકારવા આવેલા ભુપેન્દ્રસિંહ ચુડાસમા તેમને વળગી રડી પડયા હતા. તેઓ પણ બાપુના જુના સાથી હતા.

નરેન્દ્ર મોદીને દિલ્હી મોકલી દીધા બાદ હવે મહામંત્રી કોને બનાવવા તેનો પ્રશ્ન પણ આવ્યો ત્યારે ગુજરાત ભાજપનં મંત્રી સંજય જોષીનું નામ સામે આવ્યું. સંજય જોષી પણ પુર્ણસમય કાલીન પ્રચારક હતા. મુળ નાગપુરના વતની હતા. 1990માં નરેન્દ્ર મોદી જ તેમને ગુજરાત લઈ આવ્યા હતા અને તેઓ મંત્રી તરીકેની જવાબદારી સાંભળતા હતા. સ્વભાવે શાંત, સૌમ્ય અને સાદગી તેમની ઓળખ હતી. તેઓ મંત્રી હોવા છતાં તેમણે પોતાનું નિવાસ સ્થાન ખાનપુર પ્રદેશ કાર્યાલનને જ બનાવ્યું હતું. તેઓ પ્રદેશ કાર્યાલયમાં જ રહેતા હતા, પ્રદેશ કાર્યાલયના કર્મચારીઓ માટે આવતા ટીફીનમાં એક ટીફીન તેમનું પણ આવતું હતું. સાદી તેમની પથારી હતી, નરેન્દ્ર મોદીની હાજરીને કારણે હજી ભાજપના નેતાઓનું ધ્યાન પણ સંજય જોષી તરફ ગયું ન્હોતું. સ્વભાવે મોદી અને જોષી એકબીજાના સાવ વિરોધી હતા. હવે તેમને પ્રદેશ મહામંત્રીની જવાબદારી સોંપવામાં આવી હતી.

(ક્રમશ:)

આપને વાંચન ગમ્યું હશે, તેવી આશા છે. મેરાન્યૂઝની આવી જ પોસ્ટ વાંચવા માટે ફેસબુક પેજ લાઈક કરો, લાઈક કરવા અહીં ક્લિક કરોઃ મેરાન્યૂઝ અથવા આ હેન્ડલર સાથે ફેસબુકમાં સર્ચ કરી લાઈક કરો @meranewsguj, હા ફોલોમાં see first કરવાનું ચુકતા નહીં