તુષાર બસિયા (મેરાન્યૂઝ. રાજકોટ): રાજકોટ જિલ્લા કલેકટર કચેરી અને સમગ્ર જિલ્લામાં મેન પાવર સપ્લાય માટે ખાનગી કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. અગાઉ પણ રાજકોટ કલેકટર કચેરી સહિતના સ્થળો પર ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા કર્મચારીઓનું શોષણ થવાના અહેવાલો પ્રસિધ્ધ થયા હતા. પરિણામે જે તે કંપનીને હટાવી સંત દેવીદાસ નામની નવી કંપનીને લાવવામાં આવી છે પરંતુ આ કંપની પણ અગાઉની જેમ કર્મચારીઓને સમયસર પુરો પગાર નહીં કરી અને પી.એફ. નહીં ભરી તેમનું શોષણ કરવામાં અગ્રેસર હોય તેમ જણાય છે.

રાજકોટ કલેકટર કચેરી અને તાલુકા કક્ષાના કોન્ટ્રાક્ટ બેઝ ઑપરેટર્સની હાલત કફોળી છે. આ બાબતે કોન્ટ્રાક્ટ બેઝ ઑપરેટર્સ દ્વારા ગઈકાલે ગુરૂવારના રોજ રાજકોટ કલેકટરને આવેદન આપી રજૂઆત કરવામાં આવી છે. જેમાં કર્મચારી દ્વારા જણાવાયું છે કે તેમને જાહેર રજાના દિવસોમાં પણ કામ કરવા મજબુર કરાય છે પણ તે પેટે વેતન નથી ચૂકવાતુ. તેમજ સમયસર તેમના પી.એફ.ની રકમ પણ નથી જમા કરાવાતું. કર્મચારીઓની માગણી છે કે તેમને તાત્કાલિક ધોરણે ન્યાય મળે અને તેમના પ્રશ્નનું નિરાકરણ થાય, પરંતુ કેટલાક કર્મચારીઓ ઑફ ધ રેકોર્ડ જણાવે છે કે તેમનો પગાર મીનીમમ વેજીસ કરતા પણ ઓછો છે. કારણ કે કંપનીએ એન્ટ્રી પર પૈસા તેમજ દિવસ પર પૈસા જેવા હાથકંડા અપનાવ્યા છે. જેના લીધે તેઓ કાયદેસર રીતે ગરીબ કર્મચારીઓની મહેનતના પૈસા સીફત પુર્વક પોતાના ગજવામાં ભરી લે છે.
 
આ પહેલાની એક ખાનગી કંપની શોષણ કરતી હોવાની મોટા પાયે રાવ ઉઠી હતી. જેના લીધે તેને હટાવી સંત દેવીદાસ નામની કંપનીને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે પરંતુ તેમના દ્વારા પણ કર્મચારીને જાહેર રજાના દિવસે કામ કરાવી પુરા પૈસા નહીં ચૂકવવા અને સમયસર કર્મચારીના પી.એફ. નહીં ભરવા જેવી અનેક ફરિયાદો ઉઠી છે. ત્યારે સવાલ એ છે કે કલેકટર તંત્રના જ કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓની હાલત આ હોય ત્યારે અન્ય વિભાગોની હાલત તો કેવી હશે?