મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરી 14 કરોડની કિંમતના  બિટકોઈન પડાવી લેવાના કેસમાં  અમરેલી પોલીસના ફરાર સાત પોલીસવાળા પૈકી ચાર પોલીસકર્મી આજે સોમવારના રોજ સીઆઈડી ક્રાઈમ સામે ગાંધીનગર સામે હાજર થયા છે. હવે આ મામલે હજી ત્રણ પોલીસકર્મીઓની ધરપકડ કરવાની બાકી છે.

ચાલુ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં અમરેલી ક્રાઈમના પોલીસ ઈન્સપેક્ટર અનંત પટેલ સાથે ગાંધીનગર આવેલા કુલ નવ પોલીસ કર્મચારીઓએ શૈલેષ ભટ્ટનુ અપહરણ કરી તેમને ચીલોડા નજીક કેશવ ફાર્મમાં લઈ ગયા હતા. જ્યાં ખોટા કેસમાં ફિટ કરવાની ધમકી આપી 14 કરોડની કિંમતના બિટકોઇન પડાવી લીધા હતા. આ મામલે અગાઉ સીઆઈડી અમરેલીના એસપી જગદીશ પટેલ ઈન્સપેક્ટર અનંત પટેલ અને અન્ય બે પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી ચુકી હતી જ્યારે સાત પોલીસવાળાને પકડવાના બાકી હતા.

આ સાત પોલીસવાળા પૈકી સંજય પદમાણી, મોહમ્મદ, મયુર માંગરોળીયા અને પ્રતાપ ડેર સીઆઈડી સામે શરણે આવ્યા હતા. હાલમાં તેમની પૂછપરછ ચાલી રહી છે, મોડી રાત્રે તેમની સત્તાવાર ધરપકડ થાય તેવી સંભાવના છે. આ કેસમાં પુર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે શૈલેષ ભટ્ટ સામે નોંધાયેલા ગુનામાં તેઓ ફરાર થઈ ગયા છે.

સીઆઇડી ક્રાઇમે ગાંધીનગર, અમરેલી અને સુરતના કલેક્ટર પાસે નલિન કોટડિયા અને તેના સંબંધીઓની મિલકતની યાદી માગી છે. આ ઉપરાત નલિન કોટડિયાના જેટલા બેંક એકાઉન્ટ છે તેની પણ તપાસ હાથ ધરી છે. જ્યારે શૈલેષ ભટ્ટના ખાસ ગણાતા ધર્મેન્દ્રસિંહ ગોહિલને પણ સમન્સ પાઠવવામાં આવ્યું છે.