મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન પુર જોશમાં ચાલી રહ્યું છે. અને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપ-કોંગ્રેસનાં શહેર પ્રમુખ સહિતના સ્થાનિક નેતાઓએ પણ મતદાન કર્યું હતું. લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળતો હતો. જેમાં 18 વર્ષની ઉંમરે પહોંચેલા નવ યુવાનોએ પણ ઉત્સાહ પૂર્વક મતદાન કર્યું હતું. તો 91 વર્ષના  વૃદ્ધ પેશાબની કોથળી સાથે વહેલી સવારે મતદાન કરવા પહોંચી ગયા હતા. અને પહેલી ચાર કલાક એટલે કે 11 વાગ્યા સુધી 17% મતદાન નોંધાયું છે.

કોટેચા સ્કૂલમાં વૃદ્ધ દંપતિએ બિમાર હોવા છતાં પણ હાથમાં યુરિનની બેગ લઇ મતદાન કર્યુ

રાજકોટની કોટેચા સ્કૂલ ખાતે 91 વર્ષીય વૃદ્ધ દંપતિએ બિમાર હોવા છતાં હાથમાં યુરિનની બેગ લઇ મતદાન કર્યુ હતું. તો અન્ય એક 75 વર્ષીય વૃદ્ધે લાકડીના ટેકે મતદાન કર્યુ હતું. વયોવૃદ્ધ દંપતીએ જણાવ્યું હતું કે,  આપણો દેશ લોકશાહી છે. અને તેની અખંડિતતા આપણા મતદાનથી જ જળવાય છે. અમે આ ઉંમરે પણ મતદાન કરતા હોય તો તમે તો યુવાનોએ તો ખાસ મતદાન કરવું જોઈએ. ભારતમાં પ્રજાસત્તાક લોકશાહી અને લોકો માટેનું તંત્ર સ્‍થપાયું છે. જેમાં લોકોએ જ સરકારને ચૂંટવાની છે. પરંતુ મતદારો મતદાનની આ અમૂલ્‍ય તકનો ઉપયોગ ન કરે અને મતદાનથી નિર્લેપ રહે, તો છેવટે તેના ગંભીર પરીણામો પણ નાગરીકોએ જ ભોગવવા પડે છે.


 

 

 

 

 

કે.જી. ધોળકિયા અને રાજ સ્કૂલમાં EVM ખોટવાયા

રાજકોટની કે.જી. ધોળકિયા સ્કૂલના મતદાન મથકમાં રૂમ નંબર 4માં EVMમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ હરસોડાનું બટન બગડવાનું સામે આવતા ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી મતદાન થોડા સમય માટે અટકાવવામાં આવ્યું હતું. તેમજ સોની બજારમાં પણ રાજ સ્કૂલ ખાતે વોર્ડ નંબર 7નાં ઉમેદવાર રણજીત મૂંધવાનું બટન નહીં દબાતું હોવાની ફરિયાદો ઉઠતા જ  તંત્ર દોડતું થયું હતું. અને ગણતરીની મિનિટોમાં જરૂરી પગલાં લેવાયા હતા.  

કોર્પોરેશન ચૂંટણીનાં 991 બુથ પૈકી 78 સંવેદનશીલ બુથ અને 19 અતિ સંવેદનશીલ બુથ પણ આવેલા છે. મતદાનના દિવસે કોઈ અઇચ્છનીય બનાવ ન બને માટે ચૂંટણી ફરજ પર 4249 પોલીસ અધિકારીઓ-જવાનો તૈનાત છે. 1631 પોલીસ જવાનો, 4 એસઆરપી કંપની અને 1418 હોમગાર્ડના જવાનો, 800 ટીઆરબી જવાનો પણ સતત ખડેપગે છે.