દેવલ જાદવ (મેરાન્યૂઝ.અમદાવાદ): રાજ્યમાં ગુજરાત રાજ્ય ચુંટણી આયોગ દ્વારા ૨૧ ફેબ્રુઆરી અને ૨૮ ફેબ્રુઆરીના રોજ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની જાહેરાત કરવામાં આવી છે. સામાન્ય રીતે દરેક રાજકીય પક્ષો પોતાના વિસ્તારમાં પોતાના ઉમેદવારો જાહેર કરશે. પરંતુ જો પ્રજાને આ ઉમેદવારો પૈકી એક પણ ઉમેદવાર પસંદ ન હોય તો?

મત આપવો એ તો દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે. આવા કિસ્સામાં મતદાર NOTA નો ઉપયોગ કરીને પોતાની મત આપવાની ફરજ પૂરી કરી શકે છે. શું છે NOTA તેના વિશે અમે તમને થોડું વિસ્તારમાં જણાવીશું. સૌ પ્રથમ ૨૦૦૯માં NOTAનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને ૨૦૧૩માં ભારત માં તેની શરૂવાત છત્તીસગઢ, મિઝોરમ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, અને દિલ્લીની વિધાનસભા ચુંટણીમાં કરવામાં આવી.

NOTA નો મતલબ છે નન ઓફ ધ અબોવ. NOTA નો ઉપયોગ મતદાતા પોતાનો વિરોધ દર્શાવવા માટે કરી શકે છે. આમ તો NOTA થી કઈ વધારે ફર્ક નથી પડતો પરંતુ રાજકીય પક્ષો ને ખબર પડે છે કે પ્રજા તેમના ઉમેદવારોથી ખુશ નથી. સમયની સાથે સાથે NOTA નો વ્યાપ વધતો રહ્યો છે. ૨૦૧૪ની લોકસભા ચુંટણીમાં પણ NOTA નું પ્રમાણ અવગણી ન શકાય તેટલું હતું. NOTA નું પ્રમાણ હાર- જીત ના અંતર કરતા પણ વધારે હોય છે. જો NOTA ન હોય તો શક્ય છે કે હાર - જીત નું પરિણામ ફરી શકે છે.


 

 

 

 

 

૨૦૧૭ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં NOTA નું પ્રમાણ ભાજપ કોંગ્રેસ અને અપક્ષ પછી ચોથા ક્રમે હતું. ૧૧૮ સીટ પર તો NOTA ચોથા ક્રમે હતું. ૨૦૧૭ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૧.૮ ટકા મતદાન NOTA ના પક્ષમાં થયું હતું જે અંદાજિત ૫.૫૧ લાખ વોટ થાય છે. અને ૩૦ સીટ એવી હતી જેમાં NOTA ના મત હાર - જીત ના અંતર કરતા પણ વધારે હતાં. સૌથી વધારે ૬૪૬૧ મત NOTA ને દાંતા ની સીટ પર મળ્યા હતા જ્યારે મહેસાણાની સીટ પર સૌથી ઓછા ૬૮૬ મત મળ્યા હતા. NOTA ના કારણે પરિણામ ચોક્કસ પણે બદલી શક્યા હોત.

૨૦૧૮ માં કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં NOTA ના મતનું પ્રમાણ CPI અને BSP જેવા રાષ્ટ્રીય પક્ષો કરતા પણ વધારે હતું. ૨૦૧૮માં જ મધ્યપ્રદેશ વિધાનસભા ચુંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મત પ્રમાણમાં તફાવત ૦.૧ ટકા હતો જ્યારે NOTA નું મત પ્રમાણ ૧.૪ ટકા હતું.

મત આપવો એ આપણી મૂળભૂત ફરજ છે. આપણે એવું વિચારીએ છે કે કોઈ નેતા કામ નથી કરતા આપણે મત જ નથી આપવો એમ વિચારી ને આપણે આપણો કીમતી મત વ્યય કરીએ છે. એવું કરવાને બદલે આપણે એક જાગૃત નાગરિક તરીકે ફરજિયાત મત આપવો જોઈએ કોઈ ઉમેદવાર પસંદ ન હોય તો NOTA પણ આપણા માટે એક વિકલ્પ છે. અત્યારે ભલે NOTA થી કોઈ મોટો ફર્ક નથી પડતો પણ જ્યારે NOTA nu પ્રમાણ બહુમતીમાં આવશે ત્યારે ચુંટણી આયોગ એ પણ આના વિશે વિચાર કરવાની ફરજ પડશે.