પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ અમદાવાદ): અમદાવાદના ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ઓક્ટોબર મહિનામાં પોલીસ દ્વારા એક સામાન્ય ઝગડાના કિસ્સામાં સગીર વયના આરોપી હૃતિકની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ તેને ૨૭ ઓક્ટોબરના રોજ અમદાવાદના ખાનપુર વિસ્તારમાં આવેલા ઓબ્ઝર્વેશન હોમમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નીપજ્યુ હતું. આ મામલે નીમવામાં આવેલી SITની તપાસમાં એક પોલીસ કર્મચારી અને સગીર વયનાં બાળકને ફટકારનાર સહિત ઓબ્ઝર્વેશન હોમના ચાર કર્મચારીઓ વિરુદ્ધ સવધ માનવ દોષનો ગુનો નોંધવામાં આવ્યો છે.

અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં તારીખ ૧૧ ઓક્ટોબરના રોજ હૃતિક નામના સગીરની ધરપકડ કરવામાં આવી હતી. તેની સામે મારામારીનો આરોપ હતો. ઈસનપુર પોલીસે હૃતિકની ધરપકડ કરી તેને ઓબ્ઝર્વેશન હોમમાં મોકલી આપ્યો હતો. ત્યાં તેની તબિયત બગાડતાં તેનું મોત નીપજ્યુ હતું.


 

 

 

 

 

હૃતિકના પરિવારનો આરોપ હતો કે, હૃતિકને પોલીસ કસ્ટડીમાં માર માર્યો હોવાને કારણે તેનું મોત નિપજ્યુ હતું. આ મામલે અમદાવાદ સેક્ટર-2ના એડિશનલ પોલીસ કમિશ્નર ગૌતમ પરમાર દ્વારા ખાસ તપાસ દળની રચના કરવામાં આવી હતી. જેની તપાસમાં એવી હકીકત બહાર આવી કે, તારીખ ૧૧ ઓક્ટોબરના રોજ હૃતિકને ઝગડો થતાં જયંતિભાઈ સોલંકીએ લાકડાના દંડા વડે હૃતિકને ફટકારતાં તેની ગરદનના ભાગે ઈજા થઈ હતી. આ મામલે પોલીસ ફરિયાદ થતાં ઈસનપુર પોલીસસ્ટેશનના પોલીસ કોન્સટેબલ ઋષિરાજસિંહ અનિરુદ્ધસિંહે તારીખ ૨૨ ઓક્ટોબરના રોજ હૃતિકને પોલીસ સ્ટેશન લાવી ફટકાર્યો હતો. ત્યારબાદ તેને રિમાન્ડ હોમમાં મોકલી આપવામાં આવ્યો હતો.

રિમાન્ડ હોમમાં રહેલા હૃતિકે રિમાન્ડ હોમના સુપ્રિન્ટેન્ડેન્ટ મેહુલ પટેલ, સિક્યુરિટી ગાર્ડ મનસુખભાઈ ગાભડિયા, એઝાઝખાન પઠાણ અને અલ્પેશ પરમારને પોતાની શારીરિક તકલીફ અંગે જણાવ્યુ હતું. છતાં તેમણે તેની દાક્તરી સારવાર કરાવી નહીં. જેના કારણે હૃતિકનું મોત નિપજ્યું હતું.

આ મામલે પોલીસે જયંતિભાઈ સોલંકી, ઋષિરાજસિંહ ઝાલા, મેહુલ પટેલ, એઝાઝ પઠાણ, મનસુખ ગાભડિયા અને અલ્પેશ પરમાર સામે સવધ મનુષ્ય દોષનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.