મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ: પ્રેમમાં સામાન્ય માણસ તો અંધ બને પરંતુ શિક્ષીત વ્યકિતઓ પણ કેવી કેવી ભૂલ કરતા હોય છે, તેનું આ ઉદાહરણ છે. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ગુજરાતના એક સિનિયર મહિલા અધિકારીએ ફરિયાદ આપી હતી જેને આધારે સાયબર ક્રાઈમ બ્રાન્ચે મોડાસા એસડીએમ મયંક પટેલની ધરપકડ કરી છે. સાયબર ક્રાઈમના કેસમાં આટલા ઉચ્ચ અધિકારીની ધરપકડ થઈ હોય તેવી પહેલી ઘટના છે.

અમદાવાદ સાયબર ક્રાઈમને મળેલી ફરિયાદ પ્રમાણે ગુજરાતના એક મહિલા અધિકારીને ડેપ્યૂટી કલેકટર મયંક પટેલ સાથે મિત્રતા કેળવાઈ હતી. આ મિત્રતા આગળ વધી અને સંબંધો ગંભીર થયા, જે દરમિયાન તેમની અંગતપળોના ફોટો પણ હતા. જો કે સમય જતાં તેમના સંબંધોમાં તિરાડ પડી જેના કારણે મહિલા અધિકારીએ મયંક પટેલ સાથે સંબંધ કાપી નાખ્યો હતો. આથી ગુસ્સે ભરાયેલા મયંક પટેલે વિવિધ રીતે મહિલા અધિકારીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યા હતા, છતાં તેમાં નિષ્ફળતા મળતા મયંક પટેલે મહિલા અધિકારીના પતિ અને સસરાને પોતાની સાથે મહિલાના ફોટો મોકલ્યા હતા.


 

 

 

 

આ ઉપરાંત મહિલા અધિકારીના અનેક સગાઓ તેમજ મહિલા અધિકારીના દસ વર્ષના પુત્રને પણ તસવીરો મોકલી હતી, આ સમગ્ર બાબતથી મહિલા અધિકારી અને તેમનો પરિવાર ત્રસ્ત થઈ ગયો હતો. આ પ્રશ્નનું સામાજીક રીતે ઉકેલ આવે તે માટે મહિલા અધિકારીના પરિવારે મયંક પટેલના પરિવારનો સંપર્ક કરી તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. આમ છતાં મયંક પટેલનો ત્રાસ યથાવત રહ્યો હતો. તે મહિલા અધિકારીને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. આથી કંટાળી તેમણે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ હતી.

આ ફરિયાદને આધારે સાઈબર ક્રાઈમે ફરિયાદ નોંધી પુરાવા એકત્રીત કરી મયંક પટેલની ધરપકડ કરી છે. આ મામલે સાયબર સેલના ડીસીપી અમિત વસાવાનો સંપર્ક કરતા તેમણે મયંક પટેલની ધરપકડ થઈ હોવાની વાતની પૃષ્ટી કરી હતી.