મેરાન્યૂઝ નેટવર્ક, બોટાદ: ગઢડા તાલુકાના ગોરડકા ગામની ધરજીયા પરિવારની બે સગી બહેનો બોર્ડર સિક્યુરીટી ફોર્સ (BSF)માં પસંદગી પામી છે. બંને બહેનો ટ્રેનિંગ મેળવી હાલ ગામમાં પરત આવી છે. ગોરડકા ગામના રહેવાસી પરબતભાઇ ધરજીયા દિવસે છક્ડો રીક્ષા ચલાવી અને રાત્રે ગ્રામ રક્ષક દળ (GRD) માં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે. તેમની બંને પુત્રીઓ નાની હતી ત્યારથી અભ્યાસથી લઇને રમત ગમત સહિતની બાબતમાં હોશિયાર હતી. 

Advertisement


 

 

 

 

 

બંને દીકરીઓએ માતાની છત્રછાયા ગુમાવી દીધી હોવા છતાં પિતા પુત્રીઓને પ્રોત્સાહિત કરીને આગળ વધવાનું પ્રોત્સાહન આપી રહ્યાં હતાં. રીક્ષા ચલાવતા હોવા છતાં પોતાની પુત્રીઓ સમાજમાં કંઈક આગવી નામના ઘરાવે અને દેશ સેવા કરે તેવી ઈચ્છા રાખી રહ્યાં હતાં. તો બીજી તરફ બંને પુત્રીઓ સખત મહેનત કરીને બોર્ડર સિક્યુરીટી ફોર્સમાં પસંદગી પામી છે.

BSFમાં સિલેક્ટ થયા પહેલા બંને દિવસે ઘર કામ અને ખેતર મજૂરી કામ કરતા પોતાના ખર્ચ કાઢતા અને ઘર પણ ચલાવતા. હવે બંને બહેનોએ સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પડવાની સાથે દેશનું ગૌરવ પણ વધાર્યું છે.