મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ કોરોનાને લઈ ગુજરાતની જનતા હેરાન પરેશાન છે. ગુજરાતમાં બુધવારે વધુ ત્રણ લોકો કોરોનાની ઝપેટમાં આવતા ૩૮ કેસ અત્યાર સુધી સરકારી ચોપડે નોંધાઈ ચુક્યા છે સરકાર કોરોનાને પ્રસરતો અટકાવવા પગલાં લઈ રહી છે કોરોનાની આ મહામારીને પહોંચી વળવા માટે લોકો પોતાનાથી બનતો પ્રયાસ કરી રહ્યા છે. બીજાને ટેકો આપી રહ્યા છે.ત્યારે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ  મહત્વની જાહેરાત કરતા રાજ્યમાં ફરજ બજાવતા ૨ લાખ જેટલા પ્રાથમિક શિક્ષકો એક દિવસનો ૩૫ કરોડ રૂપિયા પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવાની મહત્વની જાહેરાત કરી હતી.

દેશમાં આપત્તિની સ્થિતિ સર્જાઈ છે ત્યારે સરકારે ગ્રાઉન્ડ જીરો પર કામ કરવા પ્રાથમિક શિક્ષકોની મદદ લીધી છે. હાલ રાજ્યમાં પ્રાથમિક શિક્ષકો આરોગ્ય વિભાગના કર્મચારીઓ સાથે જોડાઈ કોરોનાને પ્રસરતો અટકવાવા સર્વેની કામગીરીમાં જોતરાયા છે. રાજ્યમાં ફરજ બજાવતા ૨ લાખ જેટલા શિક્ષકોએ તેમનો એક દિવસનો પગાર કોરોના સામે જંગ લડવા રાજ્ય સરકારને આપવાનો નિર્ણય કર્યો છે રાજ્ય પ્રાથમિક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કોરોનાની આ મહામારીને પહોંચી વળવા માટે લોકો પોતાનાથી બનતો પ્રયાસ કરી રહ્યા છે. બીજાને ટેકો આપી રહ્યા છે. ત્યારે ૨ લાખ શિક્ષકોનો ૩૪ કરોડ ૨૦ લાખ રૂપિયા મુખ્યમંત્રી રાહત નીધિ ફંડમાં જમા કરાવી ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવાની જાહેરાત કરી હતી અને તમામ શિક્ષકમિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો.