મેરાન્યૂઝ નેટવર્ક સુરતઃ અડાજણ વિદ્યાકુંજ સ્કૂલની  સામે મંગલપુષ્પ એપાર્ટમેન્ટના ચોથા માળે આવેલા ફલેટમાં રવિવારે રાત્રે પોલીસે દરોડા પાડી આઈપીએલની ચેન્નાઈ સુપર કિંગ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે રમાતી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા ત્રણ જણાને ઝડપી પાડ્યા હતા. પોલીસે બુકીઓ પાસેથી સટ્ટો રમાડવાના સાધનો મળી કુલ રૂ. ૧.૦૨ લાખનો મુદ્દામાલ કબજે કરી આગળ તપાસ હાથ ધરી છે. રવિવારે રાત્રે પોણા નવેક વાગ્યે અડાજણ વિદ્યાકુંજ સ્કૂલની સામે મંગલપુષ્પ એપાર્ટમેન્ટમાં રહેતા રોહિત ઠાકુરદાસ માખીજાના ફલેટમાં દરોડા પાડ્યા હતા જેમાં રોહીત, ઈમરાન ઉમર તલ્લા અને મયુર મેઘરાજ માખીજા આઈપીએલ સીરીઝની ચેન્નાઈ સુપરકિંગ્સ અને કિંગ્સ ઈવેલન પંજાબ વચ્ચે રમાતી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા ઝડપાયા હતા. પોલીસે ત્રણેય પાસેથી મોબાઈલ નંગ-૧૧, લેપટોપ તેમજ રોકડ રકમ મળી કુલ રૂ. ૧,૦૨,૫૫૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓની પૂછપરછમાં અમદાવાદના સોલા રોડ થલતેજના ગોપાલ ઠક્કરનું નામ બહાર આવતા તેને વોન્ટેડ બતાવ્યો હતો.