મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ અત્યાર સુધી રીઢા ગુનેગારો પોલીસથી બચવા અવનવા કીમિયા અજમાવતા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. પણ, બાયોડિઝલના વેચાણથી પોલીસને અંધારામાં રાખવા માટે તદ્દન અલગ પ્રકારનો કીમિયો કરનારા પહેલી વખત પોલીસના હાથમાં આવ્યા છે. હરતો ફરતો પેટ્રોલ પમ્પ એટલે કે મીની મોબાઇલ પેટ્રોલ પમ્પ પોલીસે પકડી પાડ્યો છે. જેમાં બાયોડિઝલનું વેચાણ કરાતું હતું. પોલીસે બે યુવાનોની ધરપકડ કરી રૂ. 4,51,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના દેવેન્દ્રદાન ગઢવી અને સિકંદર બિસ્મિલ્લાને મળેલી બાતમીના આધારે એસઓજીની ટીમે કતારગામ, હાથીમંદિર, પ્રણામ ટ્રાવેલ્સ પાર્કિંગમાં દરોડો પાડ્યો હતો. જ્યાં મહિન્દ્રા બોલેરોમાં મીની મોબાઇલ પેટ્રોલ પમ્પ હાથ લાગ્યો હતો. બોલેરો ગાડીની પાછળ બેકિનમાં બે ટાંકા ફીટ કરાયા હતા. જેમાં બાયોડિઝલનો જથ્થો રાખવામાં આવતો હતો. જેમાં ડિઝિટલ ડિસ્પેન્સરી યુનિટ (મોટર પમ્પ) લગાડવી બાયોડિઝલ લક્ઝરી બસમાં પૂરું પડાતું હતું. એ સાથે જ પોલીસે ગોપાલ મધા મેવાડા (ઉ.વ.33, રહેઃશ્યામનગર સોસાયટી,કામરેજ, મૂળ રહેઃ વેકરિયા પરા, ધારી, જિ. અમરેલી) અને પ્રદીપ પ્રભુદાસ ગોંડલિયા (ઉ.વ.36, રહેઃ સૌરાષ્ટ્ર ટાઉનશીપ, પાસોદરા, મૂળ રહેઃ અમૃતપુર, તા. ધારી, જિ. અમરોલી)ને પકડી પાડ્યા હતા. જેની પાસેથી 660 લીટર બાયોડિઝલ તેમજ ડિઝિટલ ડિસ્પેન્સરી યુનિટ,બોલેરો ગાડી મળી કુલ રૂ. 4,51,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ કામગીરી પોસઈ વી.સી. જાડેજા, ઇમ્તિયાઝ મન્સૂરી વગેરેએ કરી હતી.

Advertisement


 

 

 

 

 

72 રૂપિયે લીટર બાયોડિઝલ વેચાતું હતું

પોલીસની પ્રાથમિક તપાસમાં સપાટી પર આવેલી વિગત મુજબ આ બન્ને 72 રૂપિયે લીટર બાયોડિઝલ વેચતા હતા. ડિઝલનો ભાવ રૂ. 100ને આંબવાની તૈયારીમાં છે તેવા સમયે આટલું સસ્તું બાયોડિઝલ મળતું હોવાથી ખાનગી લક્ઝરી બસના સંચાલકો ડિઝલના બદલે બાયો ડિઝલ ભરાવવાનું પસંદ કરતા હતા. આ હરતો ફરતો પેટ્રોલ પમ્પ હોવાથી લક્ઝરી બસવાળા જે જગ્યાએ બોલાવે તે જગ્યાએ પહોંચી જઈ બાયો ડિઝલ પૂરું પાડતા હતા.

પહેલા પાર્કિંગને પછી મીની મોબાઇલ પેટ્રોલ પમ્પ

એસઓજીના પોઈ રાજેશ સુવેરાએ કહ્યું હતું કે આ બન્નેએ તેના ભાગીદાર પરેશ રૂપાપરા (રહેઃ વરાછા) સાથે મળી પહેલા ભાડેથી જગ્યા રાખી લક્ઝરી બસના પાર્કિંગની વ્યવસ્થા કરી હતી. હાલમાં ડિઝલનો ભઆવ વધુ હોવાથી બાયો ડિઝલનું વેચાણ કરી વધુ નફો કરી લેવાની વાતને ધ્યાને લઈ ભાગીદારીમાં જ બોલેરો ખરીદી મીની મોબાઇલ પેટ્રોલ પમ્પ શરૂ કરી દીધો હતો.