ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): અમેરિકાના મજબૂત આર્થિક આંકડા અને વિશ્વના સૌથી મોટા રબર વપરાશકાર ચીને તેની નાણાંનીતિ વધુ સખત કરી નાખતા, ગતસપ્તાહે જપાન રબર વાયદો, ૩.૫ ટકાના ઉછાળે ત્રણ સપ્તાહની નવી ઊંચાઈએ પહોંચ્યો હતો. ઓસાકા એક્સ્ચેન્જ રબર નવેમ્બર વાયદો, ૭ મેએ ૨૬૦.૯૦ યેન કુદાવાયા પછી ગતસપ્તાહે  પહેલી વખત ૨૬૦.૪ યેન (૨.૪ ડોલર) પ્રતિ કિલો મુકાયો હતો. શાંઘાઇ સપ્ટેમ્બર વાયદો ટન દીઠ ૧૩૮૫૦ યુઆન (૨૧૭૦ ડોલર), જ્યારે સિંગાપુર સિકોમ એક્સ્ચેન્જ જૂન ડિલીવરી કિલો દીઠ ૧૭૦.૧ અમેરિકન સેંટ રહ્યો હતો.

એસોસિયેશન ઓફ નેચરલ રબર પ્રોડ્યુસિંગ કન્ટ્રીઝ એક નોંધમાં કહે છે કે મહામારીને કારણે અનેક આર્થિક પ્રવૃત્તિઓ ધીમી પડી ગઈ હતી. તેને લીધે વૈશ્વિક રબર ઉત્પાદનને ભારે ફટકો પડ્યો હતો. આ અહેવાલ કહે છે કે એપ્રિલ ૨૦૨૧માં ૧૧.૨૯ લાખ ટનની જાગતિક રબર માંગ સામે ઉત્પાદન ૯.૦૩ લાખ ટન આવ્યું હતું. એસોસિયેશન કહે છે કે હવે પછી રબર હાજર અને વાયદાના ભાવમાં મોટી અફડાતફડી જોવા મળશે, ચાર્ટ પર ભાવના વલણે પણ વી શેપ ધારણ કરી લીધું છે.          

ભારતમાં ટાયર ઉધ્યોગમાં વપરાતા આરએસએસ-૪ ગ્રેડ રબરના માસિક સરેરાશ ભાવ, જુલાઇ ૨૦૨૦માં કિલો દીઠ રૂ. ૧૨૬.૩૮ હતા તે ડિસેમ્બર આવતા સુધીમાં વધીને રૂ. ૧૫૮.૪૨ મુકાયા હતા. ત્યાર પછી કેટલાય વર્ષ બાદ રૂ. ૧૬૦ની ઉપર ગયા હતા. કેરાલા સરકારે નાના અને સીમાંત ખેડૂતો માટે રાજ્ય રાહત યોજના હેઠળ, લઘુતમ ટેકાના ભાવમાં કિલો દીઠ રૂ. ૨૦નો વધારો કરીને રૂ. ૧૭૦ કર્યા હતા. રબર બોર્ડ દ્વારા કોચીનમાં હવે રબરના ભાવ રૂ. ૧૭૨ બોલાય છે. કોરોના મહામારીની કટોકટીમાં રબરની માંગ ખૂબ ઘટી ગયા બાદ હવે ૨૦૨૦-૨૧માં પ્રમાણમાં ઊંચા ભાવ મળતા ભારતમાં પણ ઉત્પાદન સારું એવું વધ્યું છે. 

Advertisement


 

 

 

 

 

રબર બોર્ડનો પ્રાથમિક અંદાજ છે કે ગતવર્ષની તુલનાએ આ વર્ષે ઉત્પાદન ૦.૪ ટકા વધીને ૭.૧૫ લાખ ટન આવશે, એ પણ એવા સમયે જ્યારે ભારતની રબર માંગ ૪ ટકા ઘટીને ૧૦.૯ લાખ ટને પહોંચી છે. રબરના ઊંચા ભાવ, ભારતમાં સૌથી વધુ રબર ઉત્પાદન કરતાં કેરાલાના બગીચાઓને વરસાદથી રક્ષણ આપવા વધુ પ્રમાણમાં રેન-ગાર્ડ લગાડવા જેવા અનેક કારણોસર રબર ઉત્પાદન વધ્યાનું રબર બોર્ડ કબૂલે છે. બોર્ડનું કહેવું છે કે અત્યાર સુધી ખેડૂતને વાજબી ભાવ મળતા નોહતા તેથી પણ બગીચાઓમાં રબર દોહન અટકી પડ્યું હતું, જે હવે વધ્યું છે.    

૨૦૨૦-૨૧ના પ્રથમ ત્રિમાસિકમાં ભાવ સારા એવા નીચે ગયા બાદ જુલાઇ ૨૦૨૦થી એક તરફ ચીનનો ઉપાડ વધ્યો હતો અને બીજી તરફ કોરોના મહામારી સાથે રબર બગીચામાં ફન્ગલ સમસ્યા સામે આવતા, આખા વિશ્વમાં રબરનું દોહન ધીમું પડી ગયું હતું. મોસમી કારણોસર એપ્રિલ અને મે મહિનામાં ધીમી પડી ગયેલી રબર આવક મે અને જૂનમાં વધુ રહેવાની ઉધ્યોગની ધારણા છે. ઇન્ટરનેશનલ રબર સ્ટડી ગ્રૂપના તાજા અનુમાન મુજબ ૨૦૨૧માં વૈશ્વિક નેચરલ રબરનો વપરાશ, કોરોના મહામારી મારી વચ્ચે ૨૦૨૦માં ૮.૧ ટકા ઘટયા પછી ૭ ટકા વધવાની અપેક્ષા છે.

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)