કુલીન પારેખ (મેરાન્યૂઝ.રાજકોટ): આજરોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે. અને ઠેર-ઠેરથી શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે. ત્યારે તેમની સાથે ઘરોબો ધરાવતા પૂર્વ ડેપ્યૂટી મેયર દર્શિતાબેને વડાપ્રધાન સાથેની કેટલીક યાદગાર વાતો કરી હતી. જેમાં PM ને શુભેચ્છા પાઠવતા તેમણે જણાવ્યું હતું કે, મારા ભાભીનું નામ યજ્ઞા દોશી (YD) હોવાથી તેઓ તેને પ્રેમથી વાયડી કહેતા હતા. વડાપ્રધાન બન્યા બાદ અમે જ્યારે તેમને મળવા ગયા ત્યારે પણ બાબત યાદ રાખીને તેમણે પૂછ્યું હતું કે, આ વાયડી અમેરિકાથી ક્યારે પાછી આવી?

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી જ્યારે જનસંઘના સામાન્ય કાર્યકર હતા ત્યારથી જ મારા પિતા પ્રફુલભાઈ સાથે અંગત સંબંધો હતા. તેઓ અવારનવાર અમારા ઘરે આવતા હતા અને ઘરના સભ્ય તેમજ અમારા સૌના વડીલની માફક વર્તન કરતા હતા. વડાપ્રધાન બન્યા બાદ આજની તારીખ સુધી તેમણે કોઈપણ પ્રકારના મિથ્યાભિમાન વિના આ સંબંધો જાળવી રાખ્યા છે. આ માટેનું ઉદાહરણ આપતા તેમણે એક કિસ્સો વાગોળ્યો હતો.

આ કિસ્સો વર્ણવતા તેમણે કહ્યું હતું કે, તેમના વડાપ્રધાન બન્યા બાદ પિતાએ તેમને સહરિવાર મળવા માટે ઇ-મેઈલ કરતા માત્ર 1 કલાકમાં જ તેમનો જવાબ આવ્યો હતો. જે અનુસાર અમે પરિવાર સાથે તેમને મળ્યા બાદ ગણતરીની કલાકોમાં જ મારા પિતાનું દુઃખદ અવસાન થયું હતું. ત્યારે પણ વડાપ્રધાને કોઈ એક મંત્રી કક્ષાના વ્યક્તિને મળે તેવી તમામ સગવડો સાથે અમને રાજકોટ પરત મોકલવાની તમામ વ્યવસ્થા કરી આપી હતી.

વડાપ્રધાન તરીકે તેમની ઉપલબધ્ધિઓ વિશે તેમણે કહ્યું હતું કે, તેમના નેતૃત્વમાં દેશનો જેટ ગતિએ વિકાસ થઈ રહ્યો છે. તેમજ વિદેશોમાં પણ ભારતની છબીમાં સુધારો થયો છે. આવનારા સમયમાં પણ તેમના નેતૃત્વમાં દેશ વધુને વધુ પ્રગતિ કરશે અને 2019માં પણ તેઓ બહોળી બહુમતીથી વિજેતા બનશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.