મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : શહેરના મવડી પાસે બાઇક સ્લીપ થતા વોર્ડન- કોન્સ્ટેબલ બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને પગલે બંનેને સારવાર માટે ખસેડાયા હતા. જેમાં પાછળ બેઠેલા વોર્ડનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. વોર્ડન ગત મોડી રાત્રે ટ્રાફિક નિયમન પરનો કાર્યક્રમ પુરો કરી મિત્રો સાથે પાળ ગામ નજીક મિત્રની વાડીએ જમવા ગયો હતો. જમીને પરત આવતી વખતે બાઇક સ્લીપ થતા બનાવ બન્યો હતો. એકના એક પુત્રનું અકાળે અવસાન થતાં માતા-પિતા સહિત પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો.

ખોડિયાર પરામા રહેતો કિશન વોર્ડન તરીકે ફરજ બજાવતો હતો. ટ્રાફિક નિયમન પર એક કાર્યક્રમ પુરો કરી બાઇક પર મિત્રની વાડીએ જમવા નિકળ્યા હતા. જમીને ઘરે પરત આવવા માટે કોન્સ્ટેબલ અજય બારૈયા બાઇક ચલાવતો હતો અને 21 વર્ષીય વોર્ડન કિશન પાછળ બેઠો હતો. અચાનક કોઇ કારણસર બાઇક સ્લીપ થતા બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમા મોડી રાત્રે વોર્ડન યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

આ અકસ્માતમાં લોકરક્ષકમાં નોકરી કરતા કોન્સ્ટેબલને પણ ગંભીર ઇજાઓ પહોંચી હોઈ તેને સારવાર આપવામાં આવી રહી છે. ઘટનાને પગલે પોલીસ બેડામાં પણ શોકની લાગણી છવાઇ ગઇ હતી. મૃતક કિશન પેથાણી ભાઈ-બહેનમાં મોટો અને માતા પિતાનો એકનો એક અપરિણીત પુત્ર હતો. મૃતકના પિતા ડ્રાઇવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. એકના એક પુત્રનું અચાનક મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.