મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: સરકાર દ્વારા 'બેટી બચાઓ’ ના બણગાં ફૂંકવામાં આવી રહ્યા છે ત્યારે રાજકોટ શહેરમાંથી ગુમ થયેલી એક દીકરીને શોધવામાં પોલીસ હદ નક્કી કરવામાં વ્યસ્ત છે. ગાંધીગ્રામ શાહનગર-૫માં રહેતાં અને પ્લમ્બીંગ કામની મજૂરી કરતાં ૩૧ વર્ષના અરવિંદ નાનજીભાઇ નકુમની ૨૬ વર્ષીય પત્નિ મેના ગત તારીખ ૧૪-૩-૧૭ના રોજ ઘરેથી બે વર્ષની પુત્રી ધર્મિષ્ઠાને લઇને નીકળી ગયા બાદ પત્નિ તો થોડા દિવસમાં પાછી આવી ગઇ હતી પણ તેમની દિકરીનો આજ સુધી પત્તો મળ્યો નથી! વાપી-સુરત વચ્ચેથી ટ્રેનમાંથી દિકરીનું અપહરણ થઇ ગયાની આ યુવાનને દ્રઢ શંકા છે પરંતુ પોલીસ દ્વારા તપાસ કરવાને બદલે માત્ર ઠાલા આશ્વાસનો અપાઈ રહ્યા છે અને આઠ-આઠ મહિનાથી એક બાપ પોતાની દીકરીને શોધવા માટે રાજકોટ અને વાપીના ચક્કર કાપી રહ્યો છે. અંતે કંટાળીને આ બાપે પોતાની દીકરીને શોધવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. ત્યારે હવે આ બાપને પોતાની દીકરી મળશે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે.

આ અંગે પિતા અરવિંદ નકુમે પોતાની કાળજું કંપાવનારી કથની વર્ણવતા કહ્યું હતું કે, હું મજૂરીકામ કરૂ છું અને મારા માતા, પિતા અને મોટી પાંચ વર્ષીય પુત્રી સરસ્વતિ સાથે રહુ છું. મેં એજન્ટ મારફત વર્ષ ૨૦૧૨માં નાગપુરની મરાઠી યુવતિ મેના સાથે લગ્ન કર્યા હતા. લગ્ન જીવન દરમિયાન હું બે પુત્રીઓનો પિતા બન્યો છું. જેમાં ગત તારીખ ૧૪/૩/૧૭ના રોજ સાંજે પાંચેક વાગ્યે મારી પત્નીએ પિતાના ઘરે નાગપુર જવાની વાત કરતાં અમારી વચ્ચે ઝઘડો થયો હતો. આ માથાકુટ બાદ તે એ દિવસે સાંજે ઘરેથી મારી દીકરી ધર્મિષ્ઠા (ઉવ.૨)ને લઇને નીકળી ગઇ હતી. ઘરમેળે મેં ઠેર-ઠેર શોધખોળ કરી હતી પણ પત્તો મળ્યો નહોતો. આથી ૧૫/૩ના રોજ ગાંધીગ્રામ પોલીસ મથકમાં મારા બા તેજુબેન નાનજીભાઇ નકુમએ જઇ મારી પત્નિ અને દીકરી ગુમ થયાની નોંધ કરાવી હતી. જેના એકાદ મહિના બાદ મારી પત્ની ઘરે આવી પહોંચી હતી અને તેણીએ દીકરી ટ્રેનમાંથી ગાયબ થયાની વાત કરી હતી.

મેનાને અમે પોલીસ મથકમાં રજૂ કરતાં તપાસનીશે તેનું નિવેદન નોંધ્યું હતું. જેમાં મેનાએ કહ્યું હતું કે, પોતાને પતિએ લાફો મારી ઠપકો આપતાં દીકરીને લઇને પોતે જંકશન રેલ્વે સ્ટેશને પહોંચી ગઇ હતી અને ઓખા-મુંબઇ ટ્રેનમાં વગર ટિકીટે બેસી ગઇ મુંબઇ પહોંચી ગઇ હતી. મુંબઇ ૧૫મી બુધવારે સવારે પહોંચી એ દિવસે સાંજે જ ત્યાંથી વિરાર-વાપીની ટ્રેનમાં લગેજના ડબ્બામાં બેસી ગઇ હતી. એકાદ બે સ્ટેશન પસાર થઇ ગયા બાદ આ ડબ્બામાં બે શખ્સો આવ્યા હતાં. તેણે મેના સાથે વાતચીત કરી હતી. જેમાં મેનાએ પોતે ઘરેથી નીકળી ગયાનું અને પોતાનું કોઇ ન હોવાનું કહેતાં એ શખ્સોએ વાપીમાં પોતે રહેવા-જમવાની વ્યવસ્થા કરી આપશે તેમ કહી વાપી રેલ્વે સ્ટેશન પાસે કબ્રસ્તાન રોડ પર કૂબા (ઝૂપડા)માં લઈ ગયા હતા. ત્યાં બીજી બે મહિલાઓ અને ત્રણેક બીજી છોકરીઓ પણ હતી.

આ બધાએ એક રાત રોકાઇ જવા અને બીજા દિવસે પોતે રાજકોટની ટ્રેનમાં બેસાડી દેશે તેવી વાત કરતાં મેના તેના કૂબામાં જ રોકાઇ ગઇ હતી. બીજા દિવસે સાંજે કૂબામાં વઘારેલા ભાત બનાવાયા હતાં. એ પછી મેનાને એ શખ્સોએ વાપી-સુરતની ટ્રેનમાં બેસાડી હતી. તે વખતે પણ લગેજના ડબ્બામાં વગર ટિકીટે બધા બેઠા હતાં. વઘારેલા ભાત મારી દીકરીને અને પત્નિને ખવડાવાયા હતાં. જે ખાધા બાદ બંને સુઇ ગયા હતાં. મોડી રાત્રે સુરત ટ્રેન આવી ગઇ ત્યારે પણ મારી પત્નિ સુતી જ હોઇ કોઇએ તેના માથે પાણી છાંટતા તે ભાનમાં આવી હતી પણ તેણે જોયું તો દીકરી ધર્મિષ્ઠા તેની પાસે નહોતી અને સાથે બેઠેલા શખ્સો પણ જોવા મળ્યા નહોતાં. દીકરીને શોધવા તેણે પ્લેટફોર્મ પર સતત દોડધામ કરી હતી. અને તેણે ત્યાંની પોલીસની પણ મદદ માંગી હતી. પરંતુ કોઇ મદદ ન મળતા પોતે રાજકોટ પરત ફરી હતી.

ઉપરોકત વિગતો મારી પત્નિ મેનાએ રાજકોટ પોલીસ સમક્ષ જણાવી હતી. તેમજ દીકરીનું વાપીના કૂબામાં રહેતી ટોળકીએ અપહરણ કર્યાની દ્રઢ શંકા હોઇ તપાસ કરવા વિનંતી કરી હતી પરંતુ અહીંની પોલીસે વાપી પોલીસ સાથે ટેલિફોનીક વાતચીત કરી ત્યાં જાણ કરવા સિવાય કોઇ કાર્યવાહી કરી નહોતી. બાદમાં હું પોતે પત્નિ, પિતાને લઇને વાપી, સુરત, વલસાડ એમ બધે અવાર-નવાર તપાસ કરવા ગયો હતો. લગભગ અડધુ-પોણું વાપી મેં રખડી લીધું. પત્નિ જ્યાં રોકાઇ હતી એ કૂબા ખાતે પહોંચી તપાસ કરતાં બાજુના કૂબાવાળાએ જે શખ્સો-મહિલાઓ ભાગી ગયા તે યુ.પી. તરફના હોવાનું કહ્યું હતું. આ અંગે વાપી પોલીસને મેં જાણ કરી હતી. પરંતુ ત્યાંથી પણ કોઇ સંતોષકારક કાર્યવાહી થઇ નહોતી. વાપીથી સુરતની ટ્રેનમાં મારી પત્નિ બેઠી ત્યારે જ દીકરી ગુમ થઇ છે. એ હકિકત છે. સુરત પોલીસે સારો સહકાર આપી રેલ્વે સ્ટેશનના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતાં. જેમાં મારી પત્નિ એકલી જ જોવા મળી છે. એ જોતાં ટ્રેનમાંથી જ દીકરીને ઉઠાવી જવાયાની મારી પત્નિની વાતને પણ સમર્થન મળે છે.

મારી દીકરીને ચોક્કસપણે બાળકીઓ ઉઠાવતી ટોળકીએ વાપી-સુરત વચ્ચેની ટ્રેનમાંથી અપહરણ થયાનું હાલ જણાઇ રહ્યું છે. ત્યારે રાજકોટ અને વાપી પોલીસ સંકલન સાધીને મારી ગાયબ દીકરીને શોધી આપે તેવી મારી આજીજી છે. બે દિવસ પહેલા મેં ફરીથી ડીસીપી કરણરાજ વાઘેલાને મળીને રજૂઆત કરતાં તેમણે વાપી પોલીસના અધિકારી સાથે ફોનથી વાતચીત કરી હતી. દીકરીને શોધવા આકુળ વ્યાકુળ થઇ ગયેલા અરવિંદને પોલીસ પાસેથી ઠાલા આશ્વાસન સિવાય કંઇ મળ્યું નથી. છતાં તેને એવી આશા છે કે, તેની દીકરી એક દિવસ ચોક્કસ પાછી આવશે. આ માટે અરવિદે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને પણ પત્ર લખી પોતાની ગૂમ થયેલી દિકરી મામલે ગંભીરતાથી તપાસ થાય તેવી આજીજી કરી છે. ત્યારે ‘બેટી બચાઓ’નું સૂત્ર આપનાર વડાપ્રધાન આ મામલે શું કરે છે તે તો આવનારો સમય જ બતાવશે.