મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ફોર્મની ચકાસણી ચાલી રહી છે. જેમાં વોર્ડ નંબર 1 અને 4નાં કોંગી ઉમેદવારોના ફોર્મ રદ્દ થતા કોંગ્રેસને મોટો ફટકો પડયો છે. અને હવે કુલ 72ને બદલે 71 ઉમેદવારો જ ચૂંટણી લડી શકશે. અત્યાર સુધીમાં વોર્ડ નંબર-1ના કૉંગ્રેસ પક્ષના ઉમેદવાર ભરતભાઇ શિયાળ ઉપરાંત વોર્ડ નંબર-4ના ઉમેદવાર નારણભાઈ સવસેતાનું ફોર્મ પણ રદ થયું છે. જો કે સવસેતાના વોર્ડ-4માં જ ડમી ઉમેદવાર રામભાઈ જીલરીયાનું ફોર્મ ચૂંટણી અધિકારી દ્વારા માન્ય રાખવામાં આવ્યું છે. 

જાણવા મળતી વિગત મુજબ, રાજકોટના વોર્ડ-1 અને વોર્ડ-4માં એક-એક ઉમેદવારનાં ફોર્મ રદ કરવામાં આવ્યા છે. વોર્ડ-1માં મેન્ડેટ ન હોવાથી ભરત શિયાળનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. જ્યારે વોર્ડ-4માં નારણ સવસેતાને ત્રણ સંતાન હોવાથી ફોર્મ રદ કરવામાં આવ્યું હતું. આ ફોર્મ રદ થતાં નારણભાઇ સવસેતાએ કહ્યું કે, મારે ત્રણ સંતાન હોવાથી ફોર્મ રદ થયું છે. પરંતુ ડમી ઉમેદવાર રામભાઈ આહિરનું ફોર્મ માન્ય રહ્યું છે. અમે પુરા જોશથી ચૂંટણી લડીશું. તેમજ અમારા વોર્ડના ચારેય ઉમેદવારોને જીતાડીને જ રહીશું.

ઉલ્લેખનીય છે કે, છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજથી ઉમેદવારોના ફોર્મની ચકાસણી શરૂ થઈ ગઈ છે. અને 9મી ફેબ્રુઆરી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. છ મહાનગરપાલિકાઓમાં કુલ 3912 ઉમેદવરાએ ફોર્મ ભર્યા છે. જેમાં અમદાવાદમાં 1161 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. તો સુરતમાં 30 વોર્ડમાં 700 ઉમેદવારોના ફોર્મ ભરાયા છે. ભાવનગરમાં 43 વોર્ડ માટે 448 ફોર્મ ભરાયા, જામનગરમાં 16 વોર્ડ માટે 427 ફોર્મ ભરાયા, રાજકોટમાં 18 વોર્ડ માટે 629 ફોર્મ ભરાયા, વડોદરામાં 19 વોર્ડ માટે 547 ફોર્મ ભરાયા છે.