મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: શહેરના કુવાડવા રોડ પરના નવાગામ નજીક રૂડા ટ્રાન્સપોર્ટનગરમાં પૂરપાટ ઝડપે આવતા ટ્રેલરે એક બાળકને હડફેટે લઈ ઉલાળ્યો હતો. જેને લઈને માસુમ બાળકનું  ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજયું હતું. પુત્રનું મોત થતા ઉશ્કેરાયેલા પિતાએ ટ્રેલર ઉપર પથ્થર માર્યો હતો. જો કે બનાવની જાણ થતા કુવાડવા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

નવાગામ રૂડા ટ્રાન્સપોર્ટનગરમાં હિમાલય ટ્રાન્સપોર્ટ પાસેના ઝૂંપડામાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ ઝૂંપડા નજીક બેઠેલા ગોપાલભાઇ જીલીયાના 12 વર્ષીય પુત્ર કિશનને ટેન્કર નં. GJ- 3/BV/0991 ના ચાલકે હડફેટે લેતા કિશન ફંગોળાયો હતો. આ અકસ્માતમાં કિશન ટેન્કરના પાછલા જોટામાં આવી ગયો હતો. જેને પગલે તેનું માથું છુંદાઇ જવાથી ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. 

અકસ્માતને પગલે મોટી સંખ્યામાં દેવીપૂજક સમાજના લોકો એકઠા થતા ચાલક વાહન મૂકીને નાસી છૂટ્યો હતો. જેને લઈને ઉશ્કેરાયેલા મૃતક કિશનના પિતાએ એક પથ્થર આ વાહનના કાચ પર ફેંક્યો હતો. જોકે ટોળુ રોષે ભરાયાની જાણ થતાં કુવાડવા પોલીસની ટીમે ઘટનાસ્થળે દોડી જઈને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતમાં મૃત્યુ પામનાર કિશન બે ભાઇ અને બે બહેનમાં મોટો હતો. ત્યારે લાડકવાયાના મોતથી પરિવારજનોમાં માતમ છવાયો હતો.