મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ રાજસ્થાન પોલીસે ઉદેપુર નજીકથી તેમના વતનમાં જવા પ્રયત્નશીલ પરપ્રાંતીય શ્રમિકોને આશરો આપવાના બદલે શ્રમિકો સાથે છેતરપિંડી કરી વિવિધ વાહનો મારફતે રતનપુર ચેકપોસ્ટ નજીક ઉતારી દઈ નિઃસહાય હાલતમાં તરછોડી દઈ રાજસ્થાની પોલીસે સરહદ પર પોલીસ કાફલો ખડકી દઈ સરહદ સીલ કરી દીધી છે. રતનપુર ચેકપોસ્ટ નજીક તરછોડાયેલા શ્રમિકોમાં બાળકો મહિલાઓ અને વૃધ્ધોની સંખ્યા વધુ હોવા છતાં રાજસ્થાન પોલીસ અમાનીય બની પરપ્રાંતીય શ્રમિકો માટે કોઈપણ જાતની વ્યવસ્થા ન કરતા શ્રમિકોએ હોબાળો મચાવતા રાજસ્થાન પોલીસે દયાહીન બની લાઠીચાર્જ કરતા શ્રમિકોમાં રહેલા બાળકો મહિલાઓ સહીત યુવકો રીતસરના રડી પડ્યા હતા અને ઘરે જવા આજીજી કરતા નજરે પડતા હતા.

ગુજરાતના અરવલ્લી જીલ્લાની શામળાજી નજીક આવેલ રતનપુર ચેકપોસ્ટ તરફ મૂકી જતા શ્રમિકોની હાલત “જાયે તો કહા જાયે” જેવી સ્થિતિનું નિર્માણ થયું છે સમગ્ર ઘટનાના પગલે રેન્જ આઈજી મયંકસિંહ ચાવડા, જીલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર અને જીલ્લા પોલીસવડા મયુર પાટીલ ઘટનાસ્થળે પહોંચ્યા હતા રતનપુર ચેકપોસ્ટ પર જીલ્લા પોલીસતંત્રનો કાફલો ખડકી દીધો છે.

અરવલ્લી પોલીસ પરપ્રાંતીય શ્રમિકોની મદદે પહોંચ્યું હતું. રતનપુર ચેકપોસ્ટ નજીક નિસહાય હાલતમાં રાજસ્થાન પોલીસે ખડકી દીધેલા ૧૫૦૦ જેટલા શ્રમિકોની વ્હારે રાજ્ય સરકાર અને અરવલ્લી પોલીસતંત્ર આવ્યું હતું. તમામ શ્રમિકોને અરવલ્લી જીલ્લાના વિવિધ શેલ્ટર હોમમાં રાખવામાં આવશે હાલ આરોગ્ય વિભાગની ટીમે તમામ શ્રમિકોનું રજીસ્ટ્રેશન અને સ્ક્રીનિંગની કામગીરી હાથધરી હતી અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર ખડેપગે શ્રમિકોની સેવા કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.