મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: કોર્પોરેશનની ચૂંટણીના મતદાનની આગલી રાતે સોશિયલ મિડીયામાં કોંગ્રેસના મહિલા કાર્યકર્તાનો એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં કોંગ્રેસના મહિલા કાર્યકર્તા હવામાં ફાયરીંગ કરતાં જોવા મળ્યા હતાં. આ અંગેની તપાસ ક્રાઇમ બ્રાંચની ટીમે કરી કોંગ્રેસના મહિલા કાર્યકર્તા તેમજ તેમના પતિ વિરુદ્ધ ગુના દાખલ કરી આરોપીની અટકાયત કરવામાં આવી હતી. જેમાં બે મહિલા કોન્સ્ટેબલ જીવના જોખમે પાઈપ પર ચડી અને આરોપીનાં ઘરમાં ઘુસી હતી. જેને લઈને વિદેશી દારૂનો જથ્થો પકડાયો હતો. ત્યારે બંને જાંબાઝ મહિલા કોન્સ્ટેબલની કામગીરીની પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે ખાસ નોંધ લઇ આ ટીમને પ્રોત્સાહિત કરવા રૂ. 15 હજારનું ઇનામ આપ્યું છે.


 

 

 

 

 

ફાયરિંગનાં વિડીયોમાં જોવા મળતા મહિલા કોંગ્રેસ કાર્યકર ચાંદની પિયુષભાઇ લીંબાસીયા હોવાનું પોલીસે શોધી કાઢ્યું હતું. બાદમાં તેમના નારાયણનગર સ્થિત ઘરે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દોડી ગઈ હતી. પરંતુ ચાંદની લીંબસીયાએ 15 મિનિટ દરવાજો નહીં ખોલતા બંને કોન્સ્ટેબલ ગાયત્રીબા અને નેહલબેન બાજુના મકાનના પાઇપ દ્વારા અગાસીએ ગયા અને દરવાજો ખોલાવ્યો હતો.

આ દરમિયાન ઘરમાંથી મોંઘીદાટ બ્રાન્ડનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા તે અંગે ગુનો દાખલ કરાયો હતો. ચાંદનીબેન અને તેના પતિ વિરૂધ્ધ બીજો ગુનો આર્મ્સ એકટ હેઠળ કુવાડવા પોલીસ મથકમાં દાખલ કરવામાં આવ્યો હતો. કારણ કે ફાયરીંગ કુવાડવાની હદમાં ફાર્મ હાઉસ ખાતે થયું હતું. આ કામગીરી કરનાર સમગ્ર ટીમને અગ્રવાલે બીરદાવી હતી. અને જીવની પરવા કર્યા વિના પાઈપ પરથી ઘરમાં ઘુસી પોતાની ફરજ બજાવનાર બંને જાંબાઝ મહિલા કોન્સ્ટેબલનું સન્માન કરી રૂ. 15 હજારનું રોકડ ઇનામ આપવાની જાહેરાત કરી છે.