મેરાન્યૂઝ નેટવર્ક, સુરતઃ પીએનબીના 11 હજાર કરોડથી વધુના આચરેલા કૌભાંડમાં નિરવ મોદીની સચિન એસએનઝેડ ફાયર સ્ટાર ડાયમંડ યુનિટને સીલ કરી દેતાં તેની સાથે સંકળાયેલા હજારો કારીગરો એક ઝાટકે બેરોજગાર બન્યા છે. ગુરુવારે 100થી વધુ મહિલા-પુરૂષ કારીગરો બેંક અને સરકારની વિરુદ્ધમાં હડતાળ પર બેઠા હતા.

11 હજાર કરોડથી વધુનું કૌભાંડ આચારનાર નિરવ મોદી ગાયબ થયો છે. પરંતુ તેની પાછળ સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલા ઇકોનોમિક ઝોન (એસએનઝેડ)માં કાર્યરત તેની 5 કંપની અને તેની સાથે સંકળાયેલા બેંક એકાઉન્ટને ઇડી-આઇટી  ડિપાર્ટમેન્ટે સીલ કરી દેતાં તેમાં કામ કરી આજીવિકા મેળવતાં 2500થી વધુ કારીગરો બેકાર બન્યા છે. ગુરુવારે સ્પેશયલ ઇકોનોમિક ઝોનમાં 100થી વધુ એકઠા થયેલા કારીગરો સરકાર અને બેંક વિરુદ્ધ હડતાળ પર બેઠા હતા.

કંપનીના લેઝર ડિપાર્ટમેન્ટમાં કામ કરતા જીતુ વાનખેડેનું કહેવું હતું કે, સુરતના 800 જેટલા વર્કર્સ સરકારી ડિપાર્ટમેન્ટના પગલાંની સાથે બેકાર બન્યા છે. કેટલાંક કર્મચારીઓ એવા હતા જે 10 થી 12 વર્ષથી કંપની સાથે સંકળાયેલા છે. ઘણાં બધાની લોન ચાલે છે. પગાર ઉપરાંત બાળકોની સ્કૂલ ફી પણ કંપની તરફથી મળતી હતી. કંપની બંધ થઇ જતાં હજારો કારીગરોએ ભૂખે મરવાના દિવસો આવી ગયા છે.

ફાઇવ સ્ટારના જ્વેલરી પોલિશિંગ વિભાગના એક કર્મચારીના જ્ણાવ્યાનુસાર, અગાઉ જ્યારે ડીઆરઆઇની રેડ એક કંપની પર પડી હતી. ત્યારે કંપની દ્વારા કર્મચારીને તેમના પગાર ચૂકવી દેવાયા હતા. આ વખતે ઇડીની ટીમે યુનિટ સહિત બેંક એકાઉન્ટ પણ સીઝ કર્યા છે. ત્યારે આગળ ઘર કેમ ચલાઉ તેની તકલીફ ઉભી થઇ છે.