મેરાન્યૂઝ.અમદાવાદઃ


 

વિજયભાઈ

ઘણા લાંબા સમય પછી તમને પત્ર લખી રહ્યો છું, આમ તો માહિતી ખાતા દ્વારા આપવામાં આવતી ગુજરાત સરકારની જાહેરખબરમાં તમને સંવેદનશીલ  મુખ્યમંત્રી કહેવામાં આવે છે. માણસ તરીકે તમે સારા માણસ છો તેમાં બે મત નથી, પણ શાસક તરીકેની સંવેદનશીલતા હવે જરાક ખટકે છે. શાસક તરીકે તમારી સંવેદનશીલતીમાં આકરાપણુ પણ હોવું જોઈએ, પણ મારો વ્યકિતગત મત છે કે આકરાપણાનો અભાવ છે, વિશ્વ આખામાં જ્યારે કોરાનાનો કહેર છે, ત્યારે વિરોધ કરવા ખાતર આ સ્થિતિ માટે તમને અથવા ભાજપને જવાબદાર ઠેરવી શકાય નહીં પણ, તમે અને તમારા અધિકારીઓએ પુરતા પ્રયાસો કરી લોકોને જીવાડવાના પ્રયાસ કર્યા છે.

જેમ તમારે જીવવું છે, તેમ અમારે પણ જીવવું છે, અમારુ જીવવું વધારે અનિવાર્ય છે, કારણ અમારી પાસે મોટી સંપત્તી-વેપાર અને બેન્ક બેલેન્સ નથી, અમારી ગેરહાજરીમાં અમારા પરિવારને રોજબરોજની જીંદગી જીવવા માટે વલખા મારવા પડશે. કોઈ પણ પરિવાર માટે ઘરનો મોભી કેટલો મહત્વનો હોય છે તેની તમને ખબર હશે. તમે વડોદરાની જાહેર સભામાં ભાષણ કરતા ચક્કર આવવાને કારણે અચાનક ઢળી પડયા ત્યારે બીજાને કોઈને નહીં પણ તમારા પત્ની અંજલીતાઈ અને પરિવારના અન્ય સભ્યોને કેટલો ધ્રાસકો પડયો હશે તેની હું કલ્પના જ કરી શકું છું. ઈશ્વરની કૃપાથી તમે જલદી સાજા થઈ ગયા અને સૈદવ દુરસ્ત અને તંદુરસ્ત રહો તેવી પ્રાર્થના.


 

 

 

 

 

તમે મુખ્યમંત્રી હોવાને કારણે તમારી આસપાસ ચોવીસ કલાક ડૉકટરની ફૌજ રહે છે. તમને સાદી છીંક પણ આવે તો પણ તંત્ર ચિંતામાં આવી જાય છે. અમે તો સામાન્ય માણસ છીએ, અમારી ચિંતા અમારે જ કરવાની છે. અમે તો એક સાથે અનેક મોરચે લડીએ છીએ. કોરાનાથી તો અમારે બચવાનું છે, પણ તેની સાથે ઘરના રાશનની, બાળકોની ફિની, બેન્કના હપ્તા, અરે અમારી કેટલી ચિંતા છે તમને શું ગણાવું. અમારી ચિંતાનો કોઈ અંત આવતો જ નથી કારણ ચિંતાઓ અમને વારસામાં મળે અને વારસામાં અમે બાળકોને આપતા જઈએ છીએ. જો કે આ જીંદગી સામે પણ અમારી કોઈ નારાજગી નથી, સામાન્ય માણસના ડીએનએમાં જીંદગી સામે લડવાની તાકાત હોય છે.

તમે સંવેદનશીલ છો તેની ના નથી, પણ માત્ર માહિતી ખાતાના સ્લોગનમાં સંવેદનશીલતા ટપકે તે પુરતું નથી, કોરોનાએ જ્યારે ફરી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, ત્યારે તમે માત્ર અમારી ઉપર દોષનો ટોપલો ઢોળી શકો નહીં. અમે બેદરકાર રહ્યા માટે આ સ્થિતિ નિર્માણ થઈ તેવું આ વખતે તો તમે કહી શક્તા નથી. અમે તમારા ખાતર નહીં અમારી પોતાની અને પરિવાર માટે અમારી જાતને ખુબ સાચવી ત્રણ મહિના સુધી લોકડાઉનમાં રહ્યા, બહાર નિકળતી વખતે માસ્ક પહેર્યું, સામાજીક અંતર રાખ્યું, કયાારેક ચુક થઈ તો પોલીસને દંડ પણ આપ્યો, આટલુ કર્યા પછી પણ અમારા મધ્યમ વર્ગીય માણસને જીવવા માટે તો મહેનત કરવાની હતી, કારણ અમે ગરીબી રેખા નીચે પણ આવતા નથી અને મધ્યમવર્ગીય હોવાને કારણે હાથ લાંબો કરવાની પણ હિંમત નથી અમે બધુ જ કર્યું.

છતાં આપણે ફરી એક એવા ત્રીભેટે આવી ઉભા રહ્યા છે. જ્યાંથી શરૂ કર્યું હતું ત્યાં જ આવી ગયા, કારણ ખબર છે, આમ તો તમને પણ ખબર છે, જરા પણ ગુસ્સા અને રાગ દ્વેશ વગર કહું તો માત્ર તમારી જ નહીં તમારા જેવા દેશના અનેક રાજનેતાઓની રાજકીય જીજીવીષા જવાબદાર છે, તમે તમારા ચહેરા અને અને તમારા પદને એટલો પ્રેમ કરો છો જેના કારણે મનમાં એટલી અસાલમતી ઉતપન્ન થાય છે, તમને લાગે છે કે તમે રેલીઓ, સભાઓ અને જાહેર કાર્યક્રમ નહીં કરો તો લોકો તમને ભુલી જશે, પણ ગુજરાતમાં તો તમારે નિશ્ચીંત રહેવાની જરૂર છે, કોર્પોરેશનની ચૂંટણીમાં જોયુંને.. 114 કરોડ રૂપિયાનો દંડ ભરનાર ગુજરાતની પ્રજાએ તો તમને જ મત આપ્યો છે, ગુજરાતનની પ્રજા પાસે તો વિકલ્પ જ નથી કારણ સામે કોઈ ખેલાડી નથી, કોંગ્રેસ પોતાની ભાંજગડમાંથી બહાર આવે તો તમારી સામે લડેને.


 

 

 

 

 

આજે કોરોનાની જે સ્થિતિ છે, તેના માટે કોણ જવાબદાર તેવું પોતાને જ પુછજો... મહેરબાની કરી અમને દોષ દેતા નહીં, હું તમને બીજાની જેમ મેચ-ચૂંટણી-રેલી, સભાઓ અને સરકારી કાર્યક્રમોની યાદ અપાવીશ નહીં કારણ તમે જાણો જ છો. તમે પોતાને જ પુછજો, આપણે મેચ રમાડી ના હોતો તો, ગુજરાતમાં ધરતીકંપ આવવાનો હતો... આવી અનેક ઘટનાઓ છે જેને આપણી ટાળી શકયા હોત અને સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે આકરા નિર્ણય લેવાના હતા અને ખાસ કરી તમારા લોકો પાસે તેનું પાલન કરવાનું હતું, પણ તમે તેવું કરી શકયા નહીં, કમનસીબી તો એવી રહી છે આપણી પાસે યુપીએસસી પાસ થનાર આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ છે. જેમની પાસે વિષયની સમજ અને ગંભીરતા બંન્ને છે પણ મોટા ભાગે તેઓ રાજનેતાને ના પાડવાની હિંમત કરતા નથી, કારણ અનેક વખત ના પાડવાની હિંમત કરનારને કિંમત ચુકવવી પડે છે,.

કોરોના માટે તમે જવાબદાર નથી, તેવું ગુજરાત આખાની પ્રજા માને છે પણ પહેલી વખત પ્રજાના સુરમાં ગુસ્સો છે, જેની તમને કલ્પના હશે, કારણ આ પોલીસ અને સરકારી અમલદારો મેચ વખતે, રેલીઓ અને સભામાં ચુપ રહ્યા, કોઈ ડોઢ ડાહ્યાએ તંત્રનો કાન પકડવાની હિંમત કરી તો તેમની સામે પોલીસ કેસ કરી દીધો. પ્રજા બધુ સહન કરી ચુપ રહી કારણ તેમણે માની લીધુ કે સરકાર માઈ-બાપ છે, આપણા ભલા માટે જ કરે છે, પણ હવે પ્રજાના મનમાં ગુસ્સો અને કંટાળાનું મીશ્રણ થયું છે, આપણે આ સ્થિતિમાંથી પણ નિકળી જઈશું, તેમાં કોઈ શંકા નથી, પણ હવે જ્યાં સુધી રાજયનો મોટો હિસ્સો રસી લે નહીં ત્યાં સુધી તમામ સરકારી સમારંભો કરી આપણે ભીડ ભેગી કરીશું નહીં એટલી સંવેદનશીલતા તો તમારે દાખવવી પડશે.

ગુજરાતની પ્રજા પાસે હજી પાંચ-દસ વર્ષ તમારા સિવાય કોઈ વિકલ્પ નથી, પણ અમે તમને મત આપવા માટે મતદાન મથક સુધી જીવતા આવીએ, તેની ચિંતા તો તમારે કરવી જ રહી. આ પત્રને બહુ વ્યકિતગત લેતા નહીં, કારણ તમે બહુ જલદી નારાજ થઈ જાવ છો, પણ પત્ર ગુજરાતના મુખ્યમંત્રી માટે છે વિજય રૂપાણીને નહીં. અમદાવાદના ખાનપુર ઓફિસમાં વિજયભાઈ અમારી સાથે બેસી ચા પીતા હતા, તે વિજયભાઈ સાથે વધારે મઝા આવતી હતી. ખેર સ્વસ્થ રહો અને અમને સ્વસ્થ રહેવા માટે સહાય કરો, ચાલો પત્ર અહિયા જ પુરો કરૂં, કારણ હજી શાક અને કરિયાણુ લેવા જવાનું છે પછી નોકરી ઉપર જઈશ.

તમારો


 

પ્રશાંત દયાળ