હિતેશ ચાવડા, ગાંધીનગર:  અમદાવાદના અસારવામાંથી ચોરાયેલા બકરાની ફરિયાદ  પરિવારે અસારવાના ભાજપના ધારાસભ્ય પ્રદીપ પરમારને કરતા, ધારાસભ્યએ પોલીસની મદદ લઈને બકરાને સુરત રેલવે સ્ટેશનથી શોધવી પરિવારને પરત કર્યો છે.

આશરે એક મહિના પહેલા અસારવામાંથી દેવીપુજક સમાજના કેશાભાઈ પટણી  નામના વ્યક્તિનાં ૮૦,૦૦૦ હજાર રૂપિયાની કિંમતના બકરાને  ચોર ટુકડી  ઇકો ગાડીમાં ચોરી ગઈ હતી.   આ બકરાને પટણી  પરિવારે દીકરાના લગ્ન સમયે આર્થિક મદદ થાય એ માટે સાચવીને રાખ્યો હતો. જે એક મહીના પહેલા ચોરાઈ ગયો હતો અને બકરાની ચોરી થતાં તેમણે પોલીસને ફરિયાદ કરી હતી.

આ મુદ્દે પટણી પરિવારે  અસારવાના ભાજપના ધારસભ્ય પ્રદીપ પરમારને મળીને આ મુદ્દે મદદ માંગી હતી અને   પ્રદીપ પરમારે પોલીસ  અધિકારીને ફોન કર્યો અને   ખોવાયેલા બકરા મુદ્દે  માહિતી માંગી હતી અને આગળ કાર્યવાહી કરવા ચર્ચા કરી હતી. ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરી હતી અને એ દરમિયાન પરિવારે પણ હાટડી અને રવિવારી જેવી જગ્યાઓએ આ બકરાની શોધ ચાલુ રાખી હતી.

ધારાસભ્ય પ્રદીપ પરમારે જણાવ્યું કે ૨૦ દિવસ પહેલા આ બકરાની ચોરી વિષે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ કરી હતી. આ મુદ્દે પોલીસ તપાસ કરી રહી હતી અને ત્યારે થોડા દિવસ પહેલા ખબર પડી કે અમદાવાદ રેલવે સ્ટેશનથી આ બકરાને મુંબઈ તરફ લઇ જવામાં આવી રહ્યો છે તેના ફૂટેજના આધારે આગાળ તપાસ કરવામાં આવી. મેઘાણીનગર વિસ્તારના ACPએ આ બાબતે સંકલન કરીને સુરત LCB ને જાણ કરી કે ચોરાયેલો બકરો ટ્રેનમાં આવી રહ્યો છે જેથી સુરત પોલીસે રેલવે સ્ટેશનને તપાસ ચાલુ કરી.  દરમિયાન સુરત પોલીસે બકરાને લઇ જતા આરોપી વાળી ટ્રેનમાં તપાસ કરી, જ્યાં પોલીસે આ બકરાને જોયો અને પોલીસને જોઇને આરોપી સ્ટેશનથી ચુપકીથી ભાગી ગયો અને પોલીસે બકરાને લઇ લીધો હતો. મેઘાણીનગર પોલીસ સ્ટાફના માણસો આ બકરાને બીજા દિવસે  સુરત  લઇ આવ્યા અને બકરાને માલિકને સોંપ્યો. અમદાવાદના અસારવામાંથી બકરો ચોરાયા બાદ તેને કદાચ આરોપીઓએ વેચવાનો પ્રયાસ કર્યો હશે પરંતુ બકરો વેચતા કપડાઇ ન જવાય તેના ડરે તેઓએ થોડા દિવસ સુધી તેને સંઘરી રાખ્યો અને ત્યાર બાદ સુરત લઇ જઇ રહ્યા હતા ત્યારે આ બકરો પોલીસે જપ્ત કર્યો હતો.