મેરાન્યૂઝ નેટવર્ક, ઇમ્ફાલ: ભારતના ઉત્તરપૂર્વ રાજ્ય મણિપુરમાં નાર્કોટિક્સ અને સરહદ બાબતોના વિભાગે સાત લોકોને માદક પદાર્થો તથા હથિયારો સાથે ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં આવેલા સાત લોકોમાં ભાજપનો નેતા પણ સામેલ છે. ભાજપનો આ નેતા મણિપુરના ચંદેલ જિલ્લાની સ્વાયત્ત જિલ્લા સમિતિનો ચેરમેન પણ છે. ઘરપકડ કરવામાં આવેલા ભાજપના નેતાનું નામ લુટખોસી જોઉ હોવાનું જણાવવામાં આવ્યું છે. તેમની પાસેથી 27 કરોડ રૂપિયાની કિંમતના નશીલા પદાર્થ જપ્ત કરાયા છે. આ કાર્યવાહી ગત ગુરુવારના રોજ કરવામાં આવી હતી.

આ લોકો પાસેથી જપ્ત કરવામાં આવેલ સામાનમાં 4.595 કિલોગ્રામ હેરોઇન, 28 કિલોગ્રામ ‘વર્લ્ડ ઇઝ યોર’ ટેબલેટ અને 57.18 લાખ રૂપિયાની રોકડ તથા 95 હજારની કિંમતની નોટબંધી દરમિયાન રદ કરાયેલ 500 અને 1000 રૂપિયાની નોટો સામેલ છે. તેમની પાસેથી 0.32 બોરની પિસ્તોલ, એક રાયફલ, આઠ બેંક પાસબુક સામેલ છે.

ધરપકડ કરવામાં આવેલા લોકોની ઓળખ એસ્થર વુનઘેનુઆમ, મુંગ જૂ એરિક, ટેરેસા નગેટ નેંગબોઇ, લોરેન્સ જૂ, મિનલાલ માતે, સિયો જામતાંગ માતે અને મત જમખોહાઓ સામેલ તરીકે કરવામાં આવી છે. જેમાંથી મત જમખોહાઓ સમિતિના ચેરમેનનો જનસંપર્ક અધિકારી છે.      

આ મામલે ઝડપાયેલા લુટખોસીએ જોઉએ વર્ષ 2017માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારના રૂપમાં ચૂંટણી લડી હતી. પરંતુ બાદમાં તે ચંદેલ જિલ્લા સમિતિની રચના કરવા માટે ભાજપમાં સામેલ થઇ ગયો હતો.