મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ સીબીઆઈના આંતરિક વિવાદમાં ફરી  એકવાર કુદી કોંગ્રેસ કુદી પડી છે. જેમાં કોંગ્રેસના લોકસભાના વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ સીબીઆઈના ડાયરેકટર આલોક વર્માને રજા પર ઉતારી દઈ નવા કાર્યકારી ડાયરેક્ટર બનાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને ગેરબંધારણીય ગણાવી સુપ્રીમ કોર્ટના ધ્વાર ખટખટાવ્યા છે. ખડગેએ આ બાબતને સીબીઆઈ અધિનિયમનું ઉલ્લંઘન જાહેર કરતા આજે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરી છે.

લોકસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ ઉચ્ચ ન્યાયાલયમાં કરેલી આ અરજીમાં જણાવ્યું છે કે, નિયમો અનુસાર સીબીઆઈ ડાયરેકટરની નિમણુંક અથવા તેમને દુર કરવાનો અધિકાર માત્ર વડાપ્રધાન, વિપક્ષ નેતા અને મુખ્ય ન્યાયાધીશની બનેલી સમિતિને જ છે. આ અગાઉ રાહુલ ગાંધીની આગેવાની હેઠળ  કોંગ્રેસ દ્વારા પણ સીબીઆઈ ઓફીસ સામે દેખાવો કરવામાં આવ્યા હતા.

સીબીઆઈના બે અધિકારીઓ વચ્ચેના વિવાદ પછી વિરોધ પક્ષ દ્વારા કેન્દ્ર સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. દેશની આ પ્રતિષ્ઠિત એજન્સીની આંતરિક લડાઈ ખુલ્લેઆમ પ્રજામાં આવતા મોદી સરકારે ડેમેજ કંટ્રોલના ભાગરૂપે સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્મા તેમજ સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ આસ્થાનાને રજા પર ઉતારી દીધા હતા. આ વિવાદમાં કોંગ્રેસે કહ્યું હતું કે, સીવીસી પાસે સીબીઆઈ ડાયરેક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવાનો કોઈ અધિકાર જ નથી. ખડગે એ આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવાની વાતને સમર્થન આપતા કહ્યું કે, માત્ર વડાપ્રધાન દ્વારા જ સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્માને રજા પર ઉતારી દેવાનો નિર્ણય ગેરબંધારણીય તેમજ સીબીઆઈના અધિનિયમોનો પણ ભંગ છે.

કોંગ્રેસના સુત્રો અનુસાર ખડગે સીબીઆઈ ડાયરેક્ટરની નિમણુંક માટેની સમિતિના સભ્ય પણ છે. આ અગાઉ રાહુલ ગાંધીએ પણ આ મામલે નરેન્દ્ર મોદી અને કેન્દ્ર પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, રાકેશ આસ્થાના પીએમના મનગમતા અધિકારી છે.