મેરાન્યૂઝ નેટવર્ક.કશ્મીરઃ જમ્મુ કશ્મીરના હંદવાડામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર થયું છે. સામ સામા ગોળીબારમાં જમ્મુ કશ્મીરના બે પોલીસ કર્મી અને સીઆરપીએફના બે જવાન શહીદ થઈ ગયા છે. હુમલામાં એક અન્ય જવાન ઘાયલ થયાની વિગત છે જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આતંકવાદીઓ અને સુરક્ષા દળોના વચ્ચે શરૂ થયેલું શૂટ આઉટ આ લખાય છે ત્યારે પણ ચાલુ જ છે.

ઉત્તરી કશ્મીરના કુપવાડા સ્થિત હંદવાડા સેક્ટરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે શૂટઆઉટ ચાલું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, સુરક્ષા દળો પર આ હુમલો એન્કાઉન્ટર બાદ કાટમાળની તપાસ કરતી વખતે થયો છે. કાટમાળમાંથી અચાનક એક આતંકી નીકળ્યો અને સુરક્ષાકર્મીઓ પર ફાયરિંગ કરી દીધું હતું.

તે પહેલા સવારે સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઢેર કરી દીધા હતા. દળોને અહીં બે થી ત્રણ આતંકવાદી છૂપાયા હોવાના ઈનપૂટ મળ્યા હતા. આતંકવાદાઓની હાજરીની ગુપ્ત જાણકારી મળ્યા બાદ દળોએ કુપવાડા જિલ્લાના બાબાગુંડ વિસ્તારમાં ઘેરાબંધી કરી તપાસ અભિયાન શરૂ કર્યું હતું.

તેના પહેલા બુધવારે શોપિયાં જિલ્લામાં મીમેંદર વિસ્તારમાં શૂટઆઉટ દરમિયાન સુરક્ષાદળોએ જૈશ એ મહોમ્મદના 2 આતંકીઓને ઠાર કર્યા હતા. ત્યાં જમ્મુ કશ્મીરના ઉરી સેન્ટરમાં નિયંત્રણ રેખા પાસે પાકિસ્તાની સૈનિકોને ફરી સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરતાં ગોળીઓ ચલાવી હતી, જેમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા.