મેરાન્યૂઝ નેટવર્ક.જેતપુરઃ ભાદર નદીમાં ડાઇંગ પ્રિન્ટીંગ ઉદ્યોગોનું કેમિકલયુક્ત ઝેરીલું પાણી નદીમાં ઠલવાતા આ પ્રદુષિત પાણી મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઇ વસોયાએ લડાઈ આરંભી હતી. જેમાં ભુખી ગામ ખાતે ભાદર બચાવો મહાસભા અને જળ સમાધી જેવા કાર્યક્રમોથી સરકાર અને પ્રદૂષણ નિયંત્રણ વિભાગ પણ હરકતમાં આવ્યું છે અને પ્રદૂષણ ફેલાવતા આવા એકમો સામે કાર્યવાહી હાથ ધરી છે. તપાસ દરમિયાન ડાઈંગના એકમોથી ભાદરનું પાણી પ્રદુષિત થતું હોવાનું સ્વીકારી જીપીસીબી દ્વારા 1700થી વધુ એકમોને ક્લોઝર ઓર્ડર આપતા લલિત વસોયા અને હાર્દિક પટેલ સાચા સાબિત થયા છે.

વસોયા અને હાર્દિકના આંદોલન બાદ તરત જ જીઆઇડીસી વિસ્તારના લગભગ 30 જેટલા ઔદ્યોગિક એકમોને ક્લોઝર ઓર્ડર અપાયો હતો. ત્યારબાદ ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા સમગ્ર જેતપુર શહેર, ભાદર ગામ, ભાદર નદી, ઉબેણ નદી, કલેક્શન સંપ, સી-ટાઈપ ગટરો, ફુલઝર એસ્ટેટ, સહિતના સ્થળોની મુલાકાત કરી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેના આધારે જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિયેશનને ગુજરાત પ્રદૂષણ અધિનિયમ 974 ની કલમ નંબર 33 એ હેઠળ ઉદ્યોગ બંધ કરવાનો હુકમ કરાયો છે.

ઉલ્લેખનીય છે કે, આ એસોસિએશન હેઠળ અંદાજે 1400થી વધારે નાના મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે. પ્રદૂષણ બોર્ડના સ્થાનિક કચેરીના અધિકારીએ જણાવ્યું હતું કે, ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિએશનના 1400 જેટલા યુનિટ ઉપરાંત જીઆઇડીસી હેઠળના 30 તેમજ ભાટ ગામ પાસેના આશરે 200 જેટલા ધોલાઈ ઘાટ સહિત સીબેટ હેઠળના આશરે 1700 જેટલા યુનિટોને 15 દિવસની અસરથી ઉદ્યોગોની ઉત્પાદન પ્રક્રિયા બંધ કરવા માટે ક્લોઝર ઓર્ડર આપવામાં આવ્યા છે.