મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: 2004માં અમદાવાદમાં કોતરપુર વોટર વર્કસ પાસે થયેલા ઈશરત જહાં સહિત ચાર વ્યક્તિઓના બનાવટી એન્કાઉન્ટર કેસમાં પુર્વ આઈપીએસ અધિકારી ડી જી વણઝારા અને નરેન્દ્ર અમીને કરેલી ડિસચાર્જ અરજીનો સીબીઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સીબીઆઈ કોર્ટ સામે પોતાનો જવાબ રજુ કરતા સીબીઆઈએ વણઝારાને મુખ્ય કાવતરાખોર અને અમીનની હાજરી ઘટના સ્થળે હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

ઈશરત સહિતના ચારની હત્યાના મામલે સીબીઆઈએ કરેલી ચાર્જશીટ બાદ ડી જી વણઝારા અને નરેન્દ્ર અમીને આખી ઘટના સાથે તેમનો કોઈ સંબંધ નથી તેવુ કારણ આપી સીબીઆઈ કોર્ટ સામે ડીસચાર્જ અરજી મુકી હતી. આ કેસમાં નરેન્દ્ર અમીને વકીલ રોકવાને બદલે પોતે જ પાર્ટીઈનપર્સન દલીલો કરી હતી. જ્યારે વણઝારા તરફથી વકીલ વી. ડી. ગજ્જર હાજર રહ્યા હતા. ડિસચાર્જ અરજીના વિરોધમાં સીબીઆઈએ રજુ કરેલા જવાબમાં જણાવ્યુ હતું આ કેસમાં ડી જી વણઝારા અને નરેન્દ્ર અમીનની ભુમીકા દર્શાવી શકે તેવા અનેક નજરે જોનાર સાક્ષી તેમની પાસે છે, તેમના મેજીસ્ટ્રેટ સામેના નિવેદનો પણ છે.

ડી જી વણઝારાએ બનાવટી એન્કાઉન્ટરની ઘટનાને અંજામ આપવા કાવતરુ ઘડ્યુ હતું તે અંગે પુરાવા પણ છે. જ્યારે જ્યા એન્કાઉન્ટર થયુ તે ઘટનાસ્થળે નરેન્દ્ર અમીનની હાજરી પણ છે અને તેમણે ગોળી પણ ચલાવી હોવાના ફોરેનસીક પુરાવા છે. આ સંજોગોમાં ડિસચાર્જ અરજી મંજુર કરવી જોઈએ નહીં. કોર્ટે સીબીઆઈના જવાબ બાદ તા. 5મી મેના રોજ વધુ સુનાવણી રાખી છે.