મેરાન્યૂઝ નેટવર્ક.શ્રીનગરઃ જમ્મુ કશ્મીરના પુલવામાના અરિહલ ગામમાં સેનાના કાફલા પર આતંકી હુમલો થયો છે. આતંકવાદીઓએ આ બ્લાસ્ટ કરવામાં આઈઈડીનો ઉપયોગ કર્યો હતો. હજુ સુધી હુમલામાં ઘવાયેલા જવાનોની યોગ્ય જાણકારી મળી શકી નથી પરંતુ મળી રહેલી માહિતી પ્રમાણે 5 જવાનોને ઈજાઓ થઈ છે. સ્થળ પર આ દરમિયાન એક આતંકવાદીને ઠાર કરી દેવામાં આવ્યો છે.

આપને જણાવી દઈએ કે પુલવામા પાસે અરિહલ ગામ પાસે 44 રાષ્ટ્રીય રઈફલ્સના બખ્તરબંધ વાહન હુમલાની ઝપટે આવી ગયા છે. રિપોર્ટનું માનીએ તો હુમલામાં સેનાના કૈસ્પર વાહરને નુકસાન પહોંચ્યો છે. ગત બુધવારે જમ્મુ કાશ્મીરમાં અનંતનાગ જિલ્લામાં આતંકવાદીઓએ સીઆરપીએફના દળ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના 5 જવાનો પણ શહીદ થયા હતા. બીજી તરફ જવાબી કાર્યવાહીમાં આતંકીને પણ ઠાર કરી દેવાયો હતો.

ઉલ્લેખનીય છે કે, ગત ફેબ્રુઆરીએ પણ પુલવામા હુમલામાં સીઆરપીએફના 40થી વધુ જવાનો શહીદ થઈ ગયા હતા. તે સમયે સમગ્ર દેશમાં સૈન્યના જવાનો માટે શ્રદ્ધાંજલીના કાર્યક્રમો યોજાયા હતા.

પુલવામાં થયેલા હુમલા બાદ ભારતે આતંકીઓની સામે જવાબી કાર્યવાહીમાં એર સ્ટ્રાઈક દ્વારા હવાઈ હુમલો કર્યો હતો જેમાં પાકના બાલાકોટ ખાતે હવાઈ હુમલો કરાયો હતો જેમાં 200થી વધુ આતંકીઓનો ખાત્મો કરાયાના પણ અહેવાલો છે.