દેવલ જાદવ (મેરન્યૂઝ.પાટણ): ગુજરાતના પાટણમાં આવેલા શંખેશ્વર વિસ્તારમાં પાટણ એસ. ઓ.જી. પોલીસ દ્વારા અફીણનું ખેતર શોધીને આરોપી પર NDPS અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા કુલ ૩૧૭ કિલો અને ૩૨૦ ગ્રામ અફીણનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સમગ્ર કામગીરી પાટણ એસ. ઓ.જી પી. આઈ. આર. કે. અમીન અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી.

શંખેશ્વર તાલુકાના જેસડા ગામમાં રથવી નરસંગભાઈ ગગાભાઈ નામનો ઈસમ પોતાના ખેતરમાં બિનઅધિકૃત રીતે અફીણની ખેતી કરતો હતો. જેની જાણ પોલીસને થતાં પોલીસે કાર્યવાહી કરીને આરોપીને ઝડપી પાડયો છે અને ૩૧૭ કિલો અને ૩૨૦ ગ્રામ અફીણ જેની કુલ કિંમત રૂપિયા ૩૧,૭૩,૨૦૦ છે તે જપ્ત કર્યું છે.


 

 

 

 

 

 

સામાન્ય રીતે અફીણની ખેતી પહાડી વિસ્તારોમાં થતી હોય છે અને તેને ગુજરાતમાં દાણચોરી કરીને લાવવામાં આવે છે અને ગેરકાયદેસર રીતે વેચવામાં આવે છે પણ અફીણનું આખું ખેતર ગુજરાતમાં જ ઉગાડવામાં આવ્યું હોય તેવા બનાવ જૂજ પ્રમાણમાં જોવા મળે છે. પાટણ પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી અને આ ખેતર અને આરોપીને પકડી લેવામાં આવ્યો છે.

 

આર. કે. અમીન સાથે વાત કરતા જણાવ્યું કે , " અંગત બાતમીના આધારે અમે શંખેશ્વરના જેસડા ગામનાં એક ચામુંડા ઓટો ગેરેજ પાછળ આવેલા ખેતરમાં રેડ કરીને બિનઅધિકૃત રીતે અફીણનું વવેતર કરતા એક ઈસમને મુદ્દામાલ સાથે પકડીને NPDS એક્ટ અંતર્ગત આગળની કાર્યવાહી માટે શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં સોંપી દીધી છે."

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સરહદી રસ્તાઓથી પડોસી દેશો માથી અફીણ, ગાંજો અને અન્ય ડ્રગસ ગુજરાતમાં મોકલવામાં આવે છે. તેને રોકવા માટે ગુજરાત પોલીસ કડક પગલાં લઈ રહી છે અને વિવિધ સ્થળોએ ગુનેગારોની ધરપકડ કરે છે. એવામાં શંખેશ્વરથી અફીણનું ખેતર શોધીને આરોપીની ધરપકડ કરવીએ પાટણ પોલીસની સફળતા છે.