મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાત રાજ્યમાં અનેક જિલ્લાઓમાં સરેરાશ કરતા ઓછો વરસાદ થયો હોવાનું જણાવતા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉત્તર અને મધ્ય ગુજરાત સહીત સૌરાષ્ટ્રમાં નર્મદા ડેમમાંથી પીવાના પાણી સહીત સિંચાઈ અને ઢોર-ઢાંખર માટે પાણી આપવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો હોવાની જાહેરાત કરી છે. જેમાં ઉત્તર ગુજરાતમાં ૪૦૦ તળાવો આવતીકાલથી સતત ૨૦ દિવસ સુધી ૧૨ હજાર ક્યૂસેક પાણી આપીને ભરવામાં આવશે. જ્યારે સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રનાં ડેમોમાં ૧૨૦૦ ક્યૂસેક પાણી છોડવામાં આવશે.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણવ્યું છે કે, રાજ્યમાં અનેક જિલ્લાઓમાં સરેરાશ કરતા ઓછો વરસાદ થયો છે. જેના પરિણામે આ વિસ્તારોમાં  વરસાદ ખેચાતા ડાંગર સહિતના ખરીફ પાકને બચાવવા નર્મદાના કમાન્ડ વિસ્તાર ઉપરાંત પાણી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં લોકોને પીવાના પાણી સહીત સિંચાઈ અને ઢોર-ઢાંખર માટે નર્મદા ડેમમાંથી પીવાનું વધારાનું પાણી આપવામાં આવશે. તેમણે કહ્યું કે, ૫.૮૪ મિલિયન એકર નર્મદા ડેમમાંથી પાણી અપાશે. નર્મદાના પાણીથી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને ગાંધીનગર જીલ્લામાં સુજલામ સુફલામ યોજના મારફતે ૪૦૦ જેટલા તળાવો ભરવામાં આવશે. જેમાં પાઈપ લાઈન મારફતે આવતીકાલથી સતત ૨૦ દિવસ સુધી ૧૨ હજાર ક્યૂસેક પાણી આપીને પાકને બચાવી લેવા પ્રયાસ કરવામાં આવશે.

નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે, જ્યારે સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રનાં ડેમો  નર્મદામાંથી ૧૨૦૦ ક્યૂસેક પાણી છોડીને ભરવામાં આવશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં પણ પાઈપ લાઈન મારફતે પાણી આપવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, અગાઉ પણ એકવાર વરસાદ ખેંચાતા નર્મદા ડેમમાંથી સિંચાઈ માટે પાણી આપવામાં આવ્યું હતું. આ પછી નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં ઘટાડો થતા આ પાણી આપવાનું બંધ કરવામાં આવ્યું હતું. હવે ફરી એકવાર પાકને બચાવી લેવા માટે નર્મદાનું પાણી આપવાનો નિર્ણય કરવામાં અઆવ્યો છે.