દેવલ જાદવ (મેરાન્યૂઝ.અમદાવાદ): ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે દરેક પક્ષ પોતાના પક્ષને મજબૂત બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધી મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો જ વિધાનસભાની ચૂંટણીઓમાં બધી બેઠકો પર ચૂંટણી લડતાં જોવા મળ્યા છે પણ આ વખતે ચિત્ર કંઈક અલગ છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતની દરેક ૧૮૨ બેઠકો પર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે ત્યારે અસદુદ્દીન ઓવૈશીની AIMIM પાર્ટી પણ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી લડી શકે તેવી શક્યતાઓ વચ્ચે આજે અસદુદ્દીન ઓવૈશી અમદાવાદની મુલાકાતે આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં થોડા સમય પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અમદાવાદમાં AIMIMએ કેટલીક બેઠકો પર ચૂંટણી લડી હતી. અને હવે જ્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા અસદુદ્દીન ઓવૈશીની અમદાવાદની મુલાકાત વિધાનસભાની ચૂંટીઓનો તૈયારીઓ માટે હોય તેવી શક્યતાઓ છે.

અસદુદ્દીન ઓવૈશી અમદાવાદની સાબરમતી જેલમાં રહેલા ઉત્તરપ્રદેશના પૂર્વ કેન્દ્રિયમંત્રી અતિક અહેમદને મળવા માટે આજે સવારે સાબરમતી જેલની મુલાકાત કરવાના હતા. પરંતુ જેલ પ્રશાસન દ્વારા તેમને હોટલ આગળ જ અટકાવવામાં આવ્યા હતા કરણ કે તેમની પાસે અતિક અહેમદને મળવા માટે જેલ પ્રશાસનની મંજૂરી ન હતી. પ્રશાસન દ્વારા તેમને જણાવવામાં આવ્યું કે જો તે મંજૂરી વગર જેલમાં જવાનો પ્રયત્ન કરશે તો તેમની સામે પગલાં લેવામાં આવશે.

ત્યાર બાદ અસદુદ્દીન ઓવૈશીએ કોંગ્રેસના કોર્પોરેટર શહેજાદ ખાન સાતે મુલાકાત કરી હતી. શહેજાદ ખાન છેલ્લા કેટલાક સમયથી પોતાના પક્ષથી નારાજ છે એવામાં ઓવૈશી સાથેની મુ;લાકાત એ વાતનો સંકેત છે કે જો આગામી વિધાનસભાની ચૂંટણીમાં તેમને કોંગ્રેસ માંથી ટીકીટ નહીં મળે તો તે AIMIM તાફરથી પણ ચૂંટણી લડી શકે છે.

ખાનપુર વિસ્તારમાં ઓવૈશીએ એક હોટલમાં પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં જણાવ્યું હતું કે આગામી વિધાનસભામાં AIMIM ચૂંટણી લડશે પણ કેટલી બેઠકો પર ચૂંટણી લડવી તે શાબિર કબલીવાલા નક્કી કરશે. આજે સાંજે ઓવૈશી પોતાની પાર્ટીના અમદાવાદના હોદ્દેદાઓ એ કાર્યકર્તાઓ સાથે એક મુલાકાત કરશે અને આગળની રણનીતિ નક્કી કરશે.