મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ શહેર ભાજપના પૂર્વ ઉપપ્રમુખ અને કોર્પોરેટર પીવીએસ શર્માની રૂપિયા 2.70 કરોડની મિલકતો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા સીઝ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દિવાળી પહેલાં તા. 22 ઓક્ટોબરના રોજ પીવીએસ શર્મા તથા તેના ભાગીદારોના ઘર અને ધંધાકીય સ્થળો પર સુરત આવકવેરાની ડીરેક્ટોરેટ ઓફ ઈન્વેસ્ટીગેશન વિંગ દ્વારા દરોડા કાર્યવાહી કરી રૂપિયા 2.07 કરોડની મતા સીઝ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન પીવીએસ શર્માના વર્તમાનપત્ર સંકેત મીડીયા પ્રાઈવેટ લિમીટેડની ગેરરીતિઓ પણ મળી આવી હતી. પ્રિન્ટીંગના ખોટા આંકડા ચોપડે દર્શાવી સરકારી જાહેરાતો લઈ સરકાર સાથે છેતરપિંડી કરી હોવાની વિગતો બહાર આવી હતી.

આઈટી દ્વારા પીવીએસ શર્મા ‌વિરૂધ્ધ ઉમરા પોલીસ મથકે ગર્વમેન્ટ એજન્સીઓ તેમજ ડીએવીપીની રૂ.૨.૭૦ કરોડની એડર્વટાઇઝમેન્ટ મેળવી લઇ ઠગાઇ કરી હોવાની ફ‌રિયાદ નોંધાઇ હતી. આ કેસમાં હાલ પીવીએસ જ્યુડીશીયલ કસ્ટડીમાં છે. દરમિયાન મનીલોન્ડરીંગના એક્ટ હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પણ પીવીએસ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ હતી. તપાસ બાદ આજે ઈડી દ્વારા પીવીએસની સંકેત મિડીયા પ્રા.લિમીટેડ સાથે સંકળાયેલા રૂપિયા 2.70 કરોડની મત્તા સીઝ કરી છે, જેમાં ફ્લેટ, દુકાન, પ્લોટ, ફિક્સ્ડ ડિપોઝીટ તથા બેલેન્સનો સમાવેશ થાય છે.