મેરાન્યૂઝ નેટવર્ક.દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ગામે મોડી રાત્રે પોલીસ અને સ્થાનિક વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. તાજીયા જુલુસ કાઢવાના માટે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. સ્થાનિક ટોળાં પર કાબૂ મેળવવા માટે પોલીસ દ્વારા ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા. ઘર્ષણની ગંભીરતાને જોતાં જિલ્લા પોલીસ વડા અને કલેક્ટર સહિતના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. 

પ્રાપ્ત માહિતી અનુસાર, સરકાર દ્વારા ત્રીજી લહેરની આશંકાને ધ્યાનમાં લઈને વર્ષ દરમિયાન ઉજવણી કરાતા મોટા ભાગના તહેવારો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે મોહરમના તહેવાર પર નીકળતા તાજીયા જુલુસ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. લોકોને જ્યાં તાજીયા બનતા હોય ત્યાં જ દર્શન કરવાની સલાહ આપવામાં આવી હતી. પરતું  સલાયા ગામે લોકો તાજીયા જુલુસ કાઢવા માંગતા હોવાથી પોલીસ અને સ્થાનિક વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પોલીસ તાજિયા ન કાઢવા બાબતે લોકોને સમજાવી રહી હતી ત્યારે અચાનક ટોળાએ પોલીસ પર હુમલો કરી દીધો હતો. બેકાબૂ બનેલા ટોળાંએ પોલીસ પર પથ્થરમારો કરી દીધી હતો અને પોલીસની ગાડીઓને નિશાન બનાવીને ગાડીઓનો કચ્ચરઘાણ વાળી દીધો હતો. તે દરમિયાન એક પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયો હતો. સમગ્ર મામલો ઉગ્ર બનતા ટોળાંને વિખેરવા માટે પોલીસ દ્વારા ટીયરગેસના સેલ છોડવામાં આવ્યા હતા. જિલ્લા પોલીસ વડા અને કલેક્ટર સહિતના અધિકારીઓએ સ્થાનિક આગેવાનો સાથે બેઠક કર્યા બાદ મામલો થાળે પડ્યો હતો. આ મામલે હવે પોલીસે ટોળા સામે ફરિયાદ નોંધવાની તેમજ કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.

Advertisement


 

 

 

 

 

સમગ્ર મામલે dysp હિરેન્દ્ર ચૌધરીએ જણાવ્યુ હતું કે, તાજિયાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો હતો તે દરમિયાન અમુક લોકોને ખોટી માહિતી મળી હતી કે રાજકોટ, જામનગર જેવા જિલ્લાઓમા તાજિયા કાઢવાની મંજૂરી આપવામાં આવી છે. જેથી સલાયા ગામે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા અને તાજિયા કાઢવા માટે અનુરોધ કર્યો હતો. જેથી પોલિસએ નીતિ નિયમ મુજબ તાજિયા ન કાઢવા સમજાવી રહ્યા હતા તે દરમિયાન સ્થાનિક લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.