મેરાન્યૂઝ નેટવર્ક, દ્રારકા: રાજ્યના છેવાડે આવેલ ઓખા મંડળમાં આવેલ તાતા કંપની દ્વારા કરવામાં આવતા પ્રદુષણ અને છોડતા કેમિકલ યુક્ત પાણીને લઈને સ્થાનિકોએ આંદોલનો ચલાવ્યા બાદ સુષુપ્ત અવસ્થામાં રહેલ પ્રદુષણ બોર્ડ સળવળ્યું છે. આજે રવિવારે બોર્ડના અધિકારીઓની એક ટીમ મીઠાપુર પહોચી છે. આ ટીમ દ્વારા જુદા જુદા ગામડાઓના નાગરિકોના અભિપ્રાય અને સ્થળ નિરીક્ષણ કરી રીપોર્ટ તૈયાર કરવામાં આવશે. 

ઓખામંડળના મીઠાપુરમાં દાયકાઓ પૂર્વે તાતા કેમિકલ કંપની નિર્માણ પામી છે. જે તે સમયથી જ કંપની દ્વારા કરવામાં આવતા વિશાળ ચીમનીઓ વાટેના ઘુમાડાના પ્રદુષણથી કંપની સામે સ્થાનિકોની લડાઈ શરુ થઇ હતી. ધીરે ધીરે કંપની હેઠવાસના ગામડાઓમાંથી આંખ અને ચામડી બળતરાની ફરિયાદો તથા હવામાં અશુદ્ધ કેમિકલની દુર્ગંધની ફરિયાદો શરુ થઇ. આ સમસ્યાઓ સામે ગ્રામ્ય નાગરિકો સ્થાનિક સ્તરે ફરિયાદો કરવા આગળ આવ્યા હતા. પરંતુ કોઈ અસરકારક પગલા આજ દિવસ સુધીમાં ભરવામાં આવ્યા નથી. આ સમસ્યાઓ વચ્ચે તાતા કંપની દ્વારા ગામડાઓમાં જમીન પર દબાણો કરવાની પણ ફરીયાદોએ જોર પકડ્યું જેની ફરિયાદો તંત્રની ફાઈલોમાં કેદ છે. આ ફરિયાદો વચ્ચે સૌથી ગંભીર ગણી સકાય એવા આક્ષેપો સ્થાનિક ગ્રામજનો દ્વારા હાલ કરવામાં આવી રહ્યા છે. જે મુજબ કંપની દ્વારા પ્રોડક્શન કર્યા બાદ બચેલો બિન ઉપયોગી કેમીકલનો કદડો કંપની દ્વારા કંપની બહાર ઠાલવી દેવામાં આવે છે. જેને કારણે કંપની આજુબાજુના ગામડાઓની જમીનો બિન ફળદ્રુપ બની છે. આ સમગ્ર મામલે જેની સીધી જવાબદારી થાય છે તે રાજ્યનું પ્રદુષણ કંટ્રોલ બોર્ડ સદંતર સુષુપ્ત રહ્યું છે. ક્યારેક અરજીઓ અને રજુઆતો તેમજ કંપની સામે સ્થાનિક રોષ વધી જાય તો એકાદ નોટીસ પાઠવી તંત્ર સંતોષ માની લઇ કંપની પ્રત્યે મીઠી નજર રાખતું આવ્યું છે.

ત્યારે તાજેતરમાં દેવપરા ગામના એક નાગરિકે જામનગર ખાતે બોર્ડની કચેરીએ આમરણાંત ઉપવાસ પર ઉતર્યા ત્યારે બોર્ડ હરકતમાં આવ્યું હતું. ઉપવાસીને કામગીરીની ખાતરી આપી પારણા કરી દેવાયા હતા. ત્યારબાદ આ સમગ્ર મામલે ઉગ્ર બનેલ રોષને ઠારવા આજે પોલ્યુશન કંટ્રોલ બોર્ડની એક ટીમ મીઠાપુર ખાતે આવી છે. આ ટીમ આજે પાડલી ગામે પહોંચી ઓપન ચેનલ મારફતે કંપની દ્વારા છોડવામાં આવતા કેમિકલયુક્ત પાણીના નમુના લીધા હતા. તેમજ આજુબાજુના ગ્રામજનોના નિવેદનો લેશે તેમજ સ્થળ મુલાકાત કરી કંપનીના પ્રદુષણ અંગે ખરાઈ કરશે. કંપની સામે લડત આપતા દેવપરાના ગ્રામજને ઉગ્ર રોષ સાથે જણાવ્યું હતું કે જો પ્રદુષણના નિયમો હેઠળ ધમધમતા ઓખા પોર્ટને બંધ કરી દેવામાં આવતું હોય તો કંપનીનું પ્રદુષણ જગ જાહેર છે. તંત્ર કંપની સામે કેમ મળતાવડો સ્વભાવ રાખે છે ? એવા વેધક સવાલો પણ કર્યા છે.