મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ થોડા જ સમય પહેલા ડ્રગ્સથી આખો રૂમ ભરાઈ જાય તેટલી માત્રામાં મુન્દ્રાથી 21,000 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું હતું. હવે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાથી નજીકમાંથી 350 કરોડનું ડ્રગ્સ શખ્સ પાસેથી મળી આવ્યું છે. 66 કિલો ડ્રગ્સ સાથે આ રાજસ્થાની શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ ઓપરેશન એટીએસ (એન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડ), એલસીબી (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) અને એસઓજી (સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ) દ્વારા સંયુક્ત રીતે હાથ ધર્યું હતું. જેમાં તેમને સફળતા મળી અને દરિયાઈ માર્ગથી ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવાના મનસુબાઓ ધરાવતા શખ્સોને નિષ્ફળતા મળી હતી. આ ડ્રગ્સ કોને ડિલિવરી કરવાની હતી. અગાઉ કોઈ જથ્થો ડિલિવરી કર્યો છે કે કેમ તે સહિતના સવાલોના જવાબો પણ મેળવવાના છે.

Advertisement


 

 

 

 

 

ગુજરાતના દરિયાઈ માર્ગ પર આવી ઘણી ગતિવિધિઓ છેલ્લા કેટલાક વખતોથી અનહદ વધવા લાગી છે. જેના પર પોલીસની પણ નજર રહેતી હોય છે. ખંભાળિયા નજીક હાઈવે પર આરાધના ધામ પાસેથી એક શખ્સ પાસેથી પોલીસને આ જથ્થો મળી આવ્યો હતો. પોલીસના સફળ ઓપરેશનને પગલે પોલીસને ચારે તરફથી વાહવાઈ મળી રહી છે. પોલીસે આ ઉપરાંત આ શખ્સને આટલી મોટી માત્રામાં ડ્રગ્સ ક્યાંથી મળ્યું તેની તપાસ હાથ ધરી છે. પોલીસને આ અંગે બાતમી મળી હતી. જેના કારણે પોલીસ પહેલાથી જ વોચ રાખી રહી હતી. બાતમી યોગ્ય રહેતા આખરે પોલીસને ઓપરેશનમાં સફળતા મળી હતી.

આ સંદર્ભમાં દેવભૂમિ દ્વારકાના એસપી સુનિલ જોશીએ કહ્યું કે, વાડીનાર નજીકથી એક આરોપીને 14 થી 15 કિલો ડ્રગ્સ સાથે ઝડપી લેવાયો છે. જેની બજાર કિંમત રૂપિયા 70 કરોડ હોવાનું એસપીએ ઉમેર્યું છે. જોકે, કુલ 66 કિલો જેટલું ડ્રગ્સ પકડાયું છે. જેની કિંમત 350 કરોડની આસપાસનું હોવાનું મનાય છે.

Advertisement


 

 

 

 

 

ઉલ્લેખનીય છે કે દેવભૂમિ દ્વારકા વિસ્તારની દૃષ્ટિએ વિશાળ દરિયાઈ વિસ્તાર સાથે ડ્રગ્સ, હથિયારો વગેરે જેવા ગેરકાયદે ઘૂસણખોરી માટે સંવેદનશીલ ગણવામાં આવે છે. અગાઉ મુંદ્રા બંદર પરથી 21000 કરોડથી વધુ કિંમતનું ડ્રગ્સ પકડાયું હતું. મુન્દ્રા પોર્ટ પર ડાયરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે તેની કાર્યવાહી હાથ ધરી હતી. 2 કંટેનર ભરી આ જથ્થો ઘૂસાડવાનો પ્રયત્ન કરાયો હતો. જે અંગે NIA તપાસ કરી રહી છે. આમ જોવા જઈએ તો ગુજરાત આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓની નજરમાં હોય તેવું દ્રશ્યમાન થઈ રહ્યું છે. અહીં જાણે તેમને ડ્રગ્સનો ધંધો ધમધોકાર ચાલે તેવી આશાઓ છે. ઉપરાંત ગુજરાતથી અન્ય રાજ્યોની કનેક્ટીવીટી પણ માફિયાઓના ધ્યાને હોય તેવું લાગી રહ્યું છે.