ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): ચાઈનીસ નેશનલ ડેવલપમેન્ટ એન્ડ રીફોર્મ કમિશને ૨૦૨૧ના વર્ષ માટે ૭ લાખ ટન વધારાનો રૂ આયાત ક્વોટા ગત સાપ્તાહાંતે જાહેર કર્યો, તેની સીધી આસરે ન્યુયોર્ક રૂ વાયદો શુક્રવારે બે ટકા વધીને ૮૮.૪૮ સેંટ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) બોલાયો હતો. ચીનએ વર્ષારંભે ૮.૯૪ લાખ ટન આયાત ક્વોટા જાહેર કર્યો હતો. આ વધારાના ક્વોટા સાથે આ વર્ષે કૂલ આયાત ૧૫.૯૪ લાખ ટન (૭૩.૨ લાખ ગાંસડી, પ્રત્યેક ૨૧૮ કિલો) થશે.

ન્યુયોર્ક લિસ્ટેડ બેન્ચમાર્ક અમેરિકન રૂ વાયદો હાલમાં ૯૦ સેંટ આસપાસ બોલાય છે, જ્યારે મૂળભૂત રીત ચીનના ઉચ્ચ ગુણવત્તાના રૂનો જેગંજયાહૂ કોમોડિટી એક્સ્ચેન્જ પર બોલાતો વાયદો, અમેરિકાની તુલનાએ ક્યાંય ઊંચો ૧.૦૨ ડોલર પ્રતિ પાઉન્ડ બોલાય છે. હવામાનની સમસ્યાઓની ચિંતા વચ્ચે ૨૭ એપ્રિલે યુએસ રૂ વાયદો બે મહિનાની ઊંચાઈએ ૯૧.૩૭ સેંટ મુકાયો હતો. પરિણામે ભારત સહિતના જગતના સસ્તા રૂ નિકાસકાર દેશ સામેની સ્પર્ધા, અમેરિકાએ ગુમાવી દીધી, સાથે ભાવ પર ઘટવાનું દબાણ વધ્યું હતું.

તદુપરાંત જો રૂના ભાવમાં સુધારો નહીં આવે અને વરસાદની ઘટ વધશે તો, વેસ્ટ ટેક્સસ રાજ્યના ખેડૂતો રૂ વાવણી માટેની જમીન કાપી નાંખશે. કોટન ટ્રેડરો કહે છે કે યુએસડીએએની સંસ્થા વર્લ્ડ એગ્રીકલ્ચર સપ્લાય એન્ડ ડિમાન્ડ એસ્ટીમેટ (વાસદે)એ તેના તેજી તરફી એપ્રિલ અહેવાલમાં કહ્યું હતું કે અમેરિકાના રૂ વાવેતર વિસ્તારમાં વરસાદખાધ અને વિપરીત હવામાનને જોતાં વાવણીની ઉચ્ચ મોસમ વખતે જ, આઇસીઇ રૂ વાયદો ૯૦ સેન્ટની ઉપરના લેવલે વર્તમાન સપ્તાહે જળવાઈ રહેશે.

આ તરફ ભારત અને ચીનની આગેવાનીમાં ૨૦૨૦-૨૧માં વૈશ્વિક રૂ ઉત્પાદનનો અંદાજ ૧૧૩૩ લાખ ગાંસડી (પ્રત્યેક ૨૧૮ કિલો)નો બાંધવામાં આવ્યો છે, જે ૨૦૧૯-૨૦ની મોસમ ચાર વર્ષનો સૌથી ઓછો પાક આવ્યો હતો તેના કરતાં પણ ૭ ટકા ઓછો હશે. જાગતિક વર્ષાન્ત રૂ સ્ટોક ૪ ટકા ઘટીને ૯૪૬ લાખ ગાંસડી આવશે. આ સાથે જ ૨૦૨૦-૨૧નો વૈશ્વિક સ્ટોક ટુ યુસેજ રેશિયો પણ ઘટાડવામાં આવ્યો છે. આને લીધે વર્તમાન રૂના ભાવને વધુ ઊંચે જવાનો માર્ગ મોકળો બનશે.

મુંબઈ સ્થિત એક કોટન ટ્રેડરે કહ્યું કે ભારતમાં કોરોના મહામારીનો વિસ્ફોટ થતાં એપ્રિલમાં રૂની આવકો, માસિક ધોરણે ૭૦ ટકા ઘટીને દૈનિક સરેરાશ ૧૫થી ૨૦ હજાર ગાંસડી (પ્રત્યેક ૧૭૦ કિલો)ની રહી હતી. સામાન્ય મોસમમાં એપ્રિલમાં દૈનિક આવકો ૪૫થી ૫૦ હજાર ગાંસડી આવતી હોય છે. અલબત્ત, જિનિગ રૂના ભાવ ખાંડી દીઠ રૂ. ૪૪,૦૦૦થી ૪૫,૦૦૦ જેવા મક્કમ રહ્યા છે.

ગુજરાતમાં રોજીંદી આવકો માત્ર ૩૦૦૦થી ૩૫૦૦ ગાંસડી રહી ગઈ છે. સામાન્ય મોસમમાં આ આવકો ૧૨૦૦૦થી ૧૫૦૦૦ ગાંસડી રહે છે. એક જિનિંગ માલિકે કહ્યું અત્યારે ગુજરાતમાં ૯૦ ટકા જિનિંગ મિલ બંધ છે. વધુમાં અસંખ્ય મંડી અથવા એપીએમસી માર્કેટ યાર્ડ બંધ પડ્યા છે.

કમિટી ઓન કોટન પ્રોડક્શન એન્ડ કંજમ્પશનનું આનુમાન છે કે ઓકટોબર ૨૦૨૦માં શરૂ થયેલી વર્તમાન રૂ મોસમમાં ઉત્પાદન ગતવર્ષના ૩૬૫ લાખ ગાંસડીથી ઘટીને ૩૬૦ લાખ ગાંસડી આવશે. નિકાસ ૭૦ લાખ ગાંસડી અને કાપડ મિલોનો વપરાશ ૨૮૮ લાખ ગાંસડીની ધારણા છે, પરિણામે વર્ષાન્ત સ્ટોક ૧૧૮ લાખ ગાંસડી રહેવાનું અનુમાન છે.             

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.