ઉર્વીશ કોઠારી.મેરાન્યૂઝ (બોલ્યું-ચાલ્યું માફ): ચંદ્ર હવે શાયરોને બદલે ઇજનેરોનો વિષય થઈ ગયો છે. ચંદ્રની વાત નીકળે એટલે પ્રિયતમાનો નહીં, ચંદ્રનો ખાડાવાળો 'ચહેરો' અને આગ ઓકતાં રોકેટ યાદ આવે છે. (તેની પરથી કોઈને પ્રિયતમા યાદ આવે, તો એ જુદી વાત થઈ) નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પગ મૂક્યો, એ માણસજાત માટે એ 'જાયન્ટ લીપ'હશે, પણ શાયરો માટે તે જાયન્ટ લાત બનવાની ભીતિ હતી. શાયરોના--અને નેતાઓના-- સદ્ભાગ્યે, સરેરાશ લોકોને પથરાળ વાસ્તવિકતા કરતાં મનગમતી કલ્પનામાં વધારે રસ પડે છે. દેશવિદેશના રાજકીય પ્રવાહો જોતાં તે સહેલાઈથી સમજાઈ જશે. એટલે વિજ્ઞાનનાં અરસિક આક્રમણો પછી પણ ચંદ્ર માટેનું આકર્ષણ જળવાઈ રહ્યું છે. હા, ચાંદાને મામા કહેવાનું ચલણ ઘટ્યું છે, પણ તે લોકોની સમજમાં થયેલો વધારો છે કે ભારતીય સંયુક્ત કુટુંબ વ્યવસ્થાનો હ્રાસ, તે સમાજશાસ્ત્રીઓએ વિચારવાનું છે.

એક સમયે પહોંચથી દૂર લાગતા ફિલ્મીને બીજા સિતારા સોશિયલ મીડિયાને કારણે ક્લિકવગા બની ગયા, એવી જ રીતે અવકાશવિજ્ઞાનની પ્રગતિ પછી ચંદ્ર હાથવેંતમાં લાગે છે. જે રીતે મૂન મિશનો સફળ થવા લાગ્યાં છે, તે જોતાં ટૂંક સમયમાં લોકો ચાંદનીમાં નહીં, ચંદ્ર પર ફરવા જવાની વાત કરતા થઈ જશે. 'શરદપૂનમ કે ચંદી પડવાની રાત્રે ચંદ્ર પર લેન્ડિંગનું બુકિંગ કરાવનારને ઘારી-ભૂંસાનાં પેકેટ મફત'ની આકર્ષક યોજનાઓ આવશે. વેકેશનમાં ચંદ્ર પર ફરવા નહીં જનારા કે કમ સે કમ, ત્યાં જવાનો ઇરાદો વ્યક્ત નહીં કરનારાને સમાજમાં નીચાજોણું થશે. ટ્રમ્પ જેવા જાહેર કરી દેશે કે ચંદ્ર પર ઘુસણખોરોને અટકાવવા માટે અમેરિકા એક દીવાલ બનાવવાનું વિચારી રહ્યું છે. વાદળમાં ઉડતું વિમાન રડાર પર દેખાય નહીં, એવું માનતા આપણા વડાપ્રધાન કહી શકે છે, ‘આપણું યાન અમાસના દિવસે જ ચંદ્ર પર પહોંચશે. એટલે આપણી જાસુસી કરનારા અંધારામાં રહી જશે.’ ટૂંકમાં, આવનારાં વર્ષો 'ચૌંદહવીકા ચાંદ'નાં નહીં, ચંદ્ર વિશેની ચૌદશનાં આવશે.

ગૌરવાતુર ગુજરાતીઓ ચંદ્ર સાથે જૂનો સંબંધ કાઢશે. ‘ચંદ્ર? એની સાથે તો અમારે ઘર જેવું. જમાઈના નામની પાછળ 'ચંદ્ર'લગાડવાનો રિવાજ અમારે ત્યાં પહેલેથી હતો. આ તો બધા ફોરવર્ડ થઈ ગયા એટલે જમાઈને નામથી બોલાવવા લાગ્યા.’ સાંસ્કૃતિક અસ્મિતાવાદીઓ જાહેર કરી દેશે કે ચંદ્ર પૃથ્વીથી અલગ પડ્યો, તે પહેલાં અસલમાં આર્યાવર્તનો જ હિસ્સો હતો.  સુરતના કિલ્લામાંથી એક ભોંયરું સીધું ચંદ્ર પર નીકળતું હતું.’ ચંદ્ર પરના ખાડા અને ચોમાસામાં ગુજરાતનાં શહેરોના રસ્તા વચ્ચેનું સામ્ય જોઈને ચંદ્રના ગુજરાત સાથેના સંબંધની શક્યતા દૃઢ બનશે.

ત્યાર પછી કેવી ચર્ચાઓ થતી હશે?

ગુજરાતી ૧: હમણાં તમે પેલા સ્પેસસુટ પહેરેલા ફોટા મૂકેલા તે કયા થીમ પાર્કના હતા?

ગુજરાતી ૨: (મોં બગાડીને) થીમ પાર્ક? એ તો અમે ચંદ્ર પર ગયેલા એના હતા.

ગુ.૧: શું વાત છે? તમને ખગોળમાં આટલો રસ છે, મને ખબર જ નહીં. અમારા ઓળખીતા એક જ્યોતિષી છે, એ ચંદ્રની એકદમ ઓથેન્ટિક વીંટી બનાવે છે.

ગુ. ૩: શું વાત છે. મને એમનું કાર્ડ આપજો. મારા બાબાનું કેનેડાનું ક્યારનું થતું નથી. એક જણને બતાવ્યું તો કહે, અંગ્રેજીની પરીક્ષા તો નિમિત્ત છે. ખરેખર એને ચંદ્ર નડે છે.

ગુ.૨: (વાત કાપીને) મને ચંદ્રમાં કશો રસ નહીં, પણ બે વર્ષથી એલટીસી વાપર્યું ન હતું. એટલે થયું કે આ વખતે જરા લાંબે જઈએ.

ગુ.૩: કેમ રહ્યું? મારા બાબાને કેનેડાને બદલે ત્યાં મોકલવાનો ટ્રાય થાય?

ગુ.૨: ના, હજુ તો ત્યાં સાદી દુકાનો જ ખુલી છે. શિક્ષણની બાકી છે.

ગુ.૩: ત્યાં જોવા જેવું શું છે? આઇ મીન, પોઇન્ટ કે ટુરિસ્ટ સ્પોટ?

ગુ.૨: છે ને. ત્યાં અર્થરાઇઝ ને અર્થસેટ પોઇન્ટ પર તો ટોળાં જામે છે, પૃથ્વીને ઉગતી ને આથમતી જોવા માટે.

ગુ.૧: આ નવું. આટલે દૂર જઈને પણ પૃથ્વી જ જોવી હોય તો અહીં પૃથ્વી પર શું ખોટા છીએ? આપણી પ્રજા પણ ઘેલી છે. શું કહો છો?

ગુ.૨: સાવ એવું પણ નથી. ચંદ્ર પર ઊભા હોઈએ ને પૃથ્વી ધીમે ધીમે ઉગતી દેખાય, ત્યારે સેલ્ફી બહુ મસ્ત આવે છે.

ગુ.૩: મારો બાબો સેલ્ફી લેવામાં બહુ એક્સપર્ટ છે. એને ચંદ્ર પર મોકલીને સેલ્ફી પાડી આપવાના ધંધામાં નખાય?

ગુ.૧: તમે ગમે તે કહો, પણ મને તો એમાં કશું નવાઈનું નથી લાગતું. ચંદ્ર પરથી પૃથ્વી ઉગતી હોય એવાં દૃશ્યો ડિસ્કવરી ચેનલ ઉપર તો ગધેડે ગવાય છે. એના માટે આટલા લાંબા શું કરવા થવું? તમારે તો ઠીક છે, એલટીસી હતું એટલે...

ગુ.૨: તમે એલટીસી-એલટીસી ન કરો. એની બહાર પણ મોટી દુનિયા છે.

ગુ.૩: મારો બાબો મને એવું જ કહે છે કે તમે કેનેડા-કેનેડા ન કરો. એની બહાર પણ મોટી દુનિયા છે.

ગુ.૧: એટલે? જરા ફોડ પાડીને કહો.

ગુ.૨: ચંદ્ર પરથી અર્થરાઇઝ જોતી વખતે મને વિચાર આવ્યો કે હવે તો દિલ્હીમાં આપણી ઘણી ઓળખાણો છે. ત્યાં કહીને ચંદ્ર પર જવા માટે ફરજિયાત એન્ટ્રન્સ ટેસ્ટ રખાવી દઈએ અને આપણે તેના કોચિંગ ક્લાસ ચાલુ કરીએ તો...

(આવો કિમતી વિચાર લીક ન થઈ જાય એ માટે વાત તત્કાળ અટકાવી દેવાય છે.)