રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): હું આઠમાં ધોરણમાં સોનગઢ ગુરુકુલમાં ભણતો હતો; આંબલામાં કાકા પ્રાથમિક શાળામાં શિક્ષક હતા; તેમની સાથે રહેતો હતો. આંબલાથી સોનગઢ સાઈકલ ઉપર અપડાઉન કરતો. મિત્રો સાથે સાઈકલ ઉપર ફરવાની મજા અલગ પ્રકારની હતી. સાઈકલ તો પ્રાઈવેટ વિમાન જ હતું ! વટથી ગાતા : “સાઈકલ મારી સરરર જાય; ટ્રિન ટ્રિન ટોકરી વગાડતી જાય. ડોશીમા ડોશીમા આઘા ખસો; નહીંતર વચમાં ચગદાઈ જશો !” એ વખતે એટલસ કંપનીની સાઈકલ બહુ ફેમસ હતી.

કરુણતા તો જૂઓ : ‘વિશ્વ સાઇકલ ડે’ 3 જૂન, 2020ના રોજ; 1000 કર્મચારીઓ કામ ઉપર ગયા ત્યારે એટલસ સાઇકલ કંપનીનો ગેઈટ બંધ હતો; ગેઈટ ઉપર નોટિસ ચીપકાવેલ હતી : ‘નાણાંના અભાવે ફેક્ટરી બંધ કરી છે !’ એટલસ સાઈકલ પોતે ચગદાઈ ગઈ ! ઉત્તરપ્રદેશના સાહિબાબાદમાં દેશની સૌથી મોટી એટલસ સાઇકલ કંપનીએ પોતાની ફેક્ટરી બંધ કરી દીધી છે. કંપનીએ આ અગાઉ મધ્યપ્રદેશના માલનપુર અને હરિયાણાના સોનીપત ખાતેના યુનિટ બંધ કરી દીધાં હતા. સાહિબાબાદના કારખાનામાં દર વર્ષે 40 લાખ સાઇકલનું ઉત્પાદન થતું હતું. ભાગલા પછી  જાનકીદાસ કપૂર કરાંચીથી આવ્યા હતા અને 1951માં એટલસ સાઇકલ કંપની શરુ કરી હતી. કંપનીએ, 1000 કર્મચારીઓને ‘લે-ઓફ’ ઉપર ઊતારી દીધાં છે; એટલે પગાર બંધ. કર્મચારીઓને ચિંતા એ છે કે હવે ઘર કઈ રીતે ચાલશે? મોટી ઉંમરે બીજે કામ પણ નહીં મળે ! લોકડાઉન બાદ માર્ચ તથા એપ્રિલ મહિનાનો પગાર મળ્યો હતો પણ મે મહિનાનો પગાર ચૂકવાયો નથી. એટલસ સાઇકલ કંપનીમાં સ્પેરપાર્ટ સપ્લાઈ કરતા બીજા અનેક કારખાના બંધ થઈ જશે. બેરોજગારોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. મોટાભાગે, સામાજિક પ્રશ્નોના મૂળમાં આર્થિક સમસ્યા હોય છે. ક્રાઈમ વધશે; કાયદો-વ્યવસ્થાના પ્રશ્નો ઊભા થશે; આત્મહત્યાઓ વધશે.

20 લાખ કરોડનું પેકેજ પણ બેરોજગારી અટકાવી શકશે નહીં. એક પછી એક કંપનીઓ/ફેક્ટરીઓ બંધ થઈ રહી છે. શ્રમિકો બેરોજગાર થઈ રહ્યા છે. બેરોજગારોને આત્મનિર્ભરતાનો ઉપદેશ આપવાનો કોઈ અર્થ ખરો? સાઇકલ પોતે ચગદાઈ ગઈ; હવે સરરર નહીં જાય !

(લેખક નિવૃત્ત IPS અધિકારી છે, અહીં તેમના વિચારો અને લેખન કલાને અહીં રજુ કરવામાં આવે છે)