પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.ભાવનગર): ભાવનગરની જાણિતી તંબોલી કાસ્ટીંગ લી. જેને TCLના નામે ઓળખવામાં આવે છે. તેના માલિક મેહુલ તંબોલી અને તેમના નાના ભાઈ વૈભવ તંબોલી વચ્ચે મિલકતને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ શનિવારના રોજ બોર્ડ મીટિંગમાં ઉગ્ર બનતા મોટાભાઈ મેહુલે નાના ભાઈ વૈભવને ચાલુ મીટિંગમાં જ ચાકુ મારી દીધું હતું. આ ઘટના બાદ તુરંત વૈભવને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે જ્યાં તેની હાલત ગંભીર છે. બનાવની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી છે.

ભાવનગરના અગ્રણી ઉદ્યોગપતિ મેહુલ તંબોલી અને તેમના ભાઈ વૈભવ તંબોલી વચ્ચે કરોડોની સંપત્તિ અને ધંધાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. ભાવનગરના વરસેજમાં આવેલી ફેક્ટરીમાં આજે શનિવારે બોર્ડ મીટિંગ રાખવામાં આવી હતી. જેમાં કંપનીના ડિરેટર્સ હાજર હતા. સાંજના સુમારે આ બોર્ડ મીટિંગમાં મોટાભાઈ મેહુલ અને નાનાભાઈ વૈભવ વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી અને અચાનક ઉશ્કેરાયેલા મેહુલએ નાના ભાઈ પર હિંસક હુમલો કરી દીધો હતો.

અચાનક હિંસક બનેલી આ બોર્ડ મીટિંગમાં વૈભવ ઈજાગ્રસ્ત થતાં વૈભવને તત્કાલ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના પછી ભાવનગરના ડીવાયએસપી મનિષ ઠાકર સ્થળ પર દોડી આવ્યા હતા પરંતુ હાઈપ્રોફાઈલ કેસમાં મૌન ધારણ કરી લેતા ડીવાયએસપી મનિષ ઠાકરે આ મામલે પણ મૌન રહેવાનું પસંદ કર્યું છે. તાજેતરમાં ભાવનગરના એક ઉદ્યોગપતિ સામે મુંબઈ પોલીસમાં ગુનો નોંધાયો હોવા છતાં તેમની અરજીના આધારે મુંબઈના ઉદ્યોગપતિને પરેશાન કરવાનો મામલો પણ બહાર આવ્યો છે. જેમાં મનીષ ઠાકર આ જ પ્રકારે સૂચક મૌન ધારણ કરીને બેઠા છે.