મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે કેટલાક નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા છે તો કેટલાકને ટ્રાન્સફર કરાયા છે. કુલ 6 રાજયપાલોની નિયુક્તીના આદેશ ઈશ્યૂ કરાયા છે. આનંદીબહેન પટેલને ઉત્તર પ્રદેશના નવા રાજ્યપાલ બનાવાયા છે, જ્યારે જગદીપ ધનખડને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકેની જવાબદારી સોંપાઈ છે. આપને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ રામ નાઈક, પશ્ચિમ બંગાળના રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠી અને નાગાલેન્ડના રાજ્યપાલ પદ્મનાભ આચાર્યનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ હજુ મધ્ય પ્રદેશના રાજ્યપાલ છે. તેમની ટ્રાન્સફર યુપીમાં કરાઈ છે. બિહારના લાલજી ટંડનને પણ ટ્રાન્સફર આપી મધ્ય પ્રદેશની જવાબદારી અપાઈ છે.

એટલે હવેથી, પશ્ચિમ બંગાળના અગાઉના રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠી હતા જેમના સ્થાને જગદીપ ધનખડ છે. ઉત્તરપ્રદેશના રામ નાઈકના સ્થાને આનંદીબહેન પટેલ છે. મધ્યપ્રદેશમાં આનંદીબહેન પટેલના સ્થાને લાલજી ટંડન છે. બિહારના લાલજી ટંડનના સ્થાને ફગુ ચૌહાન છે તો ત્રિપુરાના રાજ્યપાલ પદ પર કપ્તાનસિંહ સોલંકીના સ્થાને રમેશ બૈંસ છે અને નાગાલેન્ડના રાજ્યપાલ પદ પર પદ્મનાભ આચાર્યને સ્થાને આરએન રવિ છે.

ઉલ્લેખનીય છે કે 5 અન્ય રાજ્યોના રાજ્યપાલો પણ આગામી બે મહીનામાં નિવૃત્ત થવા જઈ રહ્યા છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ વિદ્યાસાગર રાવનો કાર્યકાળ 29 ઓગસ્ટ, ગોવાના રાજ્યપાલ મૃદુલા સિન્હાનો 30 ઓગસ્ટે, કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાનો 31 ઓગસ્ટે, રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણસિંહનો 3 સપ્ટેમ્બરે અને કેરળના રાજ્યપાલ પી. સદાશિવમનો કાર્યકાળ 4 સપ્ટેમ્બરે પૂર્ણ થઈ રહ્યો છે.