મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ દિવાળી પૂર્વે અમદાવાદના વટવા વિસ્તારમાં ફટાકડા ફોડવા બાબતે થયેલા ઝઘડામાં પિતા પુત્ર પર કેટલાક શખ્સોએ હુમલો હતો. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. ઘટના સંદર્ભે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દિવાળી પૂર્વે તારીખ ૧-૧૧-૨૧ના રોજ વટવાના વિનોબા ભાવે નગરમાં રહેતા વિસંબર શિવનારાયણ ચૌહાણ (ઉ.૪૫) જેઓની કરિયાણાની દુકાન છે. રાત્રિના ૮:૪૦ વાગ્યાની આસપાસ તેઓની દુકાનની સામેના રોડની સાઈડ છોકરાઓ ફટાકડા ફોડતા હતા. તેની બાજુમાં શક્તિભાઈ ભરવાડની શક્તિ દુગ્ધાલય નામની ડેરીની દુકાન છે. શક્તિભાઈએ છોકરાઓને ફટાકડા ન ફોડવા સમજાવ્યા હતા પણ બાળકો ન માનતા બીભત્સ ગાળો બોલવા લાગ્યા. વિસંબરભાઈએ ગાળો ન બોલવાનું કહેતા ઉશ્કેરાઈને શક્તિભાઇએ ઘરે ફોન કરીને આસપાસના લાગતા વળગતા લોકોને બોલાવી ૨૦ થી ૨૫ લોકોના ટોળાએ આવીને વિસંબરભાઈ તથા તેમના દિકરા સોમનાથ પર જીવલેણ હુમલો કર્યો હતો.
 

Advertisement


 

 

 

 

 


તેમાંથી એક વ્યક્તિએ તેમને માથામાં વચ્ચેના ભાગે હોકીનો ઘા માર્યો હતો. તેમનો દિકરો સોમનાથ વચ્ચે પડતા શક્તિએ તેને ડાબા હાથના કાંડાથી કોણીના વચ્ચેનાં ભાગે ધારિયું માર્યું હતું તથા અન્ય માણસોએ લાકડીથી માર માર્યો હતો. દુકાનની બહાર તેઓની ઇકો ગાડી પડી હતી તેના કાચ ફોડી નાખ્યા હતા. ટોળામાં ૨ સ્ત્રીઓ હતી તેઓએ પણ પથ્થરમારો કર્યો હતો.  

આ બધાથી ડરીને વિસંબરભાઈ પોતાના પરિવારને લઇને પોતાની દુકાનમાં પુરાઈ ગયા હતા. શક્તિ તથા ટોળાના વ્યક્તિઓ કહેતા હતા કે આ પરપ્રાંતીયો છે અહીંથી આ દુકાન અને ઘર વેચીને તમારા વતન જતા રહો નહીંતર તમને અને તમારા પરિવારને જાનથી મારી નાખીશું. ટોળાએ બંધ દુકાન ઉપર પથ્થર મારો કર્યો હતો. તે વખતે કોઈએ પોલીસને ફોન કરતાં પોલીસ ઘટના સ્થળે આવીને પરિવારને દુકાનમાંથી બહાર કાઢ્યો હતો. વિસંબરભાઈને માથામાં ઇજા થઈ હોવાથી એલ.જી.હોસ્પિટલ સારવાર માટે મોકલ્યા હતા અને તેમના દિકરા સોમનાથને શિલ્પ ઓર્થોપેડીક પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલ્યા હતા.

Advertisement


 

 

 

 

 

પોલીસે આ સમગ્ર ઘટના પગલે સીસીટીવ ફૂટેજ સહિતના પુરાવાઓ સાથે તાપસ શરૂ કરી છે. તેમાં આખો બનાવ સ્પષ્ટપણે રેકોર્ડ થયો છે. વટવા પોલીસ સ્ટેશનની હદમાં આ બનાવ બન્યો છે પરંતુ સીસીટીવી ફૂટેજ હોવા છતાં વટવા પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી તેવી ફરિયાદ તેમના તરફથી ઉઠવા પામી છે. આ અંગે ફરિયાદી ગૃહવિભાગ, અમદાવાદ પોલીસ કમિશનર, ડીસીપી ઝોન-6 અને વટવા પોલીસ ઇન્સ્પેક્ટરને પત્ર પણ લખ્યો છે. હાલ આરોપીઓ ફરાર હોવાને કારણે કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
(અહેવાલ સહાભારઃ આલોક ચૌહાણ, અમદાવાદ)