મેરાન્યૂઝ નેટવર્ક. જેતપુર : ભાદર નદીમાં પ્રદુષિત પાણી છોડવા મામલે અનેક રજૂઆતો બાદ પણ કોઈ ઉકેલ ન મળતા ધોરાજી કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા અને પાટીદાર નેતા હાર્દિક પટેલે જળસમાધિની ચીમકી ઉચ્ચારી હતી. આ મામલે કોંગ્રેસના અન્ય 11 ધારાસભ્યોએ પણ ટેકો આપ્યો હતો. જો કે પોલીસે જે-તે સમયે જળસમાધિ લેવાય તે પહેલાં જ વસોયા, હાર્દિક પટેલ સહિતનાઓની અટકાયત કરી હતી, પરંતુ ત્યારબાદ તંત્ર સફાળું જાગ્યું છે અને GPCB એ ધારેશ્વર GIDC એસો.ને નોટિસ પાઠવી છે.

ભાદર નદીમાં થતા પ્રદુષણ મુદ્દે GPCB દ્વારા ધારેશ્ચર GIDC એસોસીએશનને નોટિસ પાઠવવામાં આવી છે. જેમાં આગામી 15 દિવસ સુધી તમામ એકમો બંધ રાખવાનો આદેશ અપાયો છે. તેમજ 15 દિવસ સુધી આ GIDCને મળતો પાણી સહિત વીજ પૂરવઠો બંધ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. ઉપરોકત GIDCના એકમો દ્વારા પ્રદુષિત પાણીનો યોગ્ય નિકાલ ન કરાતો હોવાનું સામે આવતા આ પ્રકારના આકરા પગલાં લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.