મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ગુજરાતની સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં લોકોની સમસ્યાઓને વાચા આપવા અને તેમને ખરા અર્થમાં સુશાસન આપવાના હેતુથી આમ આદમી પાર્ટી દ્વારા પગ જમાવવાના પ્રયત્નો કરાઈ રહ્યા છે ત્યારથી લોકોમાં વિશ્વાસનું બીજ રોપાતું આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીની ગુજરાતમાં રાજકીય એન્ટ્રી માટેની મહેનત દેખાઈ રહી છે. તેઓ લોકોની પાર્ટી બનવાના કરી રહેલા પ્રયત્નોમાં એક વધુ ઘટના ઉમેરાઈ છે. આમ આદમી પાર્ટી દ્વારા સ્થાનીક સ્વરાજની ચૂંટણીમાં અમદાવાદ કોર્પોરેશનની રખિયાલ-સરસપુર વોર્ડમાં એક રિક્ષાચાલકને ટિકિટ આપી ખરા અર્થમાં આમ આદમીની પાર્ટી તરીકે સામે આવી છે.

અમદાવાદના રખિયાલ સરસપુર વોર્ડમાં આમ આદમી પાર્ટી દ્વારા રિક્ષા ચાલક મુનવર હુસૈન શેખને ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. પાર્ટીમાંથી ટિકિટ મળ્યાની વાતથી તેઓ ખુશ છે કે તેમને હવે લોકોની સેવા કરવાની સીધી તક મળી રહી છે. તેમના મતે અહીં સ્થાનીક કક્ષાએ ઘણી સમસ્યાઓ છે જેનો વર્ષો થઈ ગયા છતાં નિકાલ આવ્યો નથી. તેમનું એવું પણ માનવું છે કે આમ આદમી પાર્ટીની આ સાફ રણનીતિ ગુજરાત માટે નવું ભવિષ્ય ઊભુ કરશે. આમ આદમી પાર્ટી દ્વારા 30 ટકાથી વધુ મહિલાઓને પણ પાર્ટીમાં ઉમેદવારી કરવાની તક આપી છે. સાથે જ ભણેલાઓ અને સ્વચ્છ છબી ધરાવનારા પણ તેમણે પાર્ટીમાં ઉમેદવારી માટે પહેલી પસંદ તરીકે રાખ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતની સ્થાનીક સ્વરાજની ચૂંટણીઓ માટે સૌથી પહેલા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી અને સાથે એક ઈમેઈલ આઈડી પણ જાહેર કરવામાં આવ્યું હતું કે જેના પર કોઈ ઉમેદવારને લગતી લોકોની કોઈપણ પ્રકારની ફરિયાદ હોય તો તેઓ ત્યાં જાણકારી આપી શકે છે. જેથી તેમણે આપેલી વિગતો અનુસાર અને સત્ય હકીકતો તપાસી પાર્ટીને ખામી જણાય તો તેઓ ઉમેદવાર પણ બદલી નાખવા સુધીની તૈયારી દર્શાવાઈ છે. આ ચૂંટણી આગામી 21મીએ યોજાવા જઈ રહી છે.