મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાતના બહુચર્ચિત લોકરક્ષક પેપર લીક કૌભાંડમાં દિલ્હી ગયેલા યશપાલ  ઠગોની ટોળકીને છેતરીને વેફર્સના પેકેટમાં સંતાડીને પેપરના જવાબો લાવ્યો હતો. દિલ્હીમાં એક અવાવરું જગ્યા, વેરાન ફ્લેટ્સ તેમજ ગેરેજમાં લઇ જવાયેલા ૩૦ જેટલા ઉમેદવારો સહીત અંદાજે ૫૦ કરતા વધારે ઉમેદવારોએ આ પેપર-જવાબો મેળવ્યા હોવાથી તેમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં બલેક લીસ્ટ કરવાનો પોલીસે નિર્ણય કર્યો છે.

લોકરક્ષક કૌભાંડમાં મુખ્ય સુત્રધાર મનાતા યશપાલ સહીત વધુ બે આરોપી રાજેન્દ્ર વાઘેલા અને ઇન્દ્રવદન પરમારની ધરપકડ કરવામાં આવી છે. આજે આ આરોપીઓને મીડિયા સમક્ષ રજુ કરતા ગાંધીનગરના જીલ્લા પોલીસ વડા મયુરસિંહ ચાવડાએ કહ્યું કે, યશપાલ અને નીલેશ સાથે દિલ્હી ગયેલા ૩૦ જેટલા ઉમેદવારોને દિલ્હીની ગેંગ તેમના જ વાહનોમાં દોઢ-બે કલાક ફેરવીને લઇ ગઈ હતી. જેમાં ઉમેદવારોના આઈ-કાર્ડ અને કોરા ચેક સિવાય કોઈ વસ્તુ સાથે રાખવા દીધી નહોતી. દિલ્હીમાં એક અવાવરું જગ્યા, વેરાન ફ્લેટ્સ તેમજ ગેરેજમાં લઇ જવામાં આવ્યું હોવાનું જણાયું છે. જેમાં યશપાલે તેને જવાબો લખવા અપાયેલા પેપેરમાંથી એક ટુકડો કાપીને તેમાં જવાબો લખી તેની પાસે રહેલા વેફર્સના પેકેટમાં મૂકી દીધા હતા.

યશપાલને દિલ્હી જવા વડોદરાના જ ઇન્દ્રવદને પૈસા આપ્યા હતા. જયારે રાજેન્દ્ર વાઘેલા જાતે જ વિમાન માર્ગે દિલ્હી ગયો હતો. યશપાલે દિલ્હીથી વડોદરા આવી તેનો મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો હતો. પરંતુ પરીક્ષા રદ થયા બાદ યશપાલે ઇન્દ્રવદનનો સંપર્ક કરતા ઇન્દ્રવદને યશપાલને બે દિવસ માટે સંતાઈ જવાનું કહી રૂપિયા ૨૦ હજાર આપ્યા હતા. બે દિવસ સુધી ટીવી-છાપાં જોતા યશપાલને લાગ્યું હતું કે, હવે બહાર આવવું પડશે. ત્યાં એટીએસે એક ગોડાઉનમાંથી ઝડપી લીધો હતો.

એસપી ચાવડાએ વધુમાં કહ્યું કે, પોલીસની અનેક ટીમ દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ ઉપરાંત સાબરકાંઠા અને વડોદરામાં સઘન તપાસ કરી રહી છે. તેમણે પ્રિન્ટીંગ પ્રેસ તેમજ અન્ય બે શકમંદોના નામ આપવાનો અત્યારે ઇનકાર કરતા કહ્યું કે, આ પરીક્ષા માટે પેપર-જવાબો મેળવનાર ઓછામાં ઓછા ૫૦ જેટલા ઉમેદવારોને હવે પછીની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બ્લેક લીસ્ટ કરવા જણાવવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, યશપાલે કેનાલ તેમજ રોસ પર અકસ્માતમાં આત્મહત્યા કરવાનો પણ વિચાર કર્યો હતો.